સંસદ ઘેરવા દોડી ભીડ, મેલોની સરકારની ચિંતા વધી ઈટાલીના ૪૦ શહેરોમાં ભડકી આંદોલનની આગ વધતી જતી મોંઘવારી, ઘરના ઊંચા ભાડાં અને શિક્ષણ બજેટમાં કરવામાં આવેલા કાપ સામે દેશવ્યાપી અસંતોષ
ઈટાલીમાં વધતી જતી મોંઘવારી, ઘરના ઊંચા ભાડાં અને શિક્ષણ બજેટમાં કરવામાં આવેલા કાપ સામે દેશવ્યાપી ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે. મુખ્ય ટ્રેડ યુનિયન (USB) દ્વારા આપવામાં આવેલા ૨૪ કલાકના દેશવ્યાપી હડતાળના આહ્વાન બાદ ઈટાલીના ૪૦થી વધુ શહેરોમાં હજારો વિદ્યાર્થીઓ, મજૂરો, કર્મચારીઓ અને પેન્શનરો રસ્તા પર ઉતરી આવ્યા છે.
આંદોલનકારીઓએ વધુ વેતન અને સસ્તી જીવનજરૂરી સુવિધાઓની માંગ સાથે વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સરકાર દ્વારા લશ્કરી ખર્ચ વધારવાના ર્નિણયનો સખત વિરોધ નોંધાવ્યો છે. ટ્યુરિનમાં પ્રદર્શનકારીઓએ સરકારી ઈમારતો તરફ આગળ વધવાનો પ્રયાસ કરતાં પોલીસે ભીડને વિખેરવા માટે વોટર કેનનનો ઉપયોગ કરવો પડ્યો હતો. સંસદ તરફ કૂચ કરી બેરિકેડ્સ તોડવાનો પ્રયાસ કરી રહેલા ૮ લોકોની પોલીસે અટકાયત કરી હતી.
રોમમાં વિદ્યાર્થીઓ માટે એક રૂમનું માસિક ભાડું ૧,૨૦૦ યુરો સુધી પહોંચી જતાં સામાન્ય પરિવારો પર આર્થિક બોજ વધ્યો છે. વિદ્યાર્થી સંગઠનોએ આરોપ લગાવ્યો છે કે સરકાર શિક્ષણ બજેટ ઘટાડીને યુદ્ધ સામગ્રી અને લશ્કર પાછળ નાણાં વેડફી રહી છે. રાજધાની રોમમાં હજારો લોકોએ કોલોસિયમ સુધી કૂચ કરી ટેન્ટ લગાવી વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે, જ્યારે જેનોઆ બંદરે ૧૫,૦૦૦ જેટલા કર્મચારીઓએ એકઠા થઈ બંદરોનો ઉપયોગ હથિયારોની હેરફેર માટે ન કરવા માગ કરી છે.
વધતા વિરોધ પ્રદર્શન વચ્ચે ઈટાલી સરકારે ખેડૂતો અને ટ્રક ડ્રાઈવરો માટે ૧૭૫.૨ મિલિયન યુરો (આશરે ૧૯૫ મિલિયન ડોલર)ના સહાય પેકેજની જાહેરાત કરી છે. વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ જણાવ્યું છે કે સરકાર યુવાનોની સમસ્યાઓ ઉકેલવા તૈયાર છે, પરંતુ હિંસા કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.




