મસ્કને અંબાણીનો જવાબ રિલાયન્સ કોઈની પણ સાથે સ્પર્ધાથી ડરતી નથી રિલાયન્સે કહ્યું કે, ભારતમાં સ્ટારલિંકનું સ્વાગત છે, પરંતુ કાયદા બધા માટે સરખા : દરેક કંપનીએ કાયદાનું પાલન કરવું અનિવાર્ય ભારતના ટેલિકોમ અને સેટેલાઈટ ઈન્ટરનેટ સેક્ટરમાં ઈલોન મસ્કના એકાધિકારના આક્ષેપો મુદ્દે શુક્રવારે રિલાયન્સે વળતો હુમલો કર્યો છે. ઈલોન મસ્કે ગયા સપ્તાહે રિલાયન્સ એકાધિકાર જાળવી રાખાવ સ્ટારલિંકના ભારત પ્રવેશમાં અવરોધો ઊભા કરતી હોવાના, મુકેશ અંબાણીને વડાપ્રધાન કહેવાના આક્ષેપો કર્યા હતા. મસ્કને જવાબ આપતા હવે રિલાયન્સે કહ્યું છે કે, રિલાયન્સ કોઈની પણ સાથે સ્પર્ધાથી ડરતી નથી. ભારતમાં સ્ટારલિંકનું સ્વાગત છે. અમે પણ સરકારની મંજૂરીઓની રાહ જાેઈ રહ્યા છીએ. ભારતમાં કાયદા બધા માટે સરખા છે.
અમેરિકન ઉદ્યોગપતિ ઈલોન મસ્કના આક્ષેપોના જવાબમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નિવેદન જાહેર કરીને કહ્યું કે, ભારતમાં વેપાર કરનારી બધી જ કંપની માટે કાયદાનું પાલન કરવું અને નિર્ધારિત પ્રક્રિયામાંથી પસાર થવું જરૂરી છે. ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે ભારતીય અને વિદેશી બધા જ અરજદારો માટે એક સમાન પ્રક્રિયા લાગુ થાય છે.
રિલાયન્સે ઉમેર્યું કે, તે સેટેલાઈટ કોમ્યુનિકેશન સેક્ટરમાં સ્ટારલિંક સહિત અન્ય કંપનીઓની હાજરીનું સ્વાગત કરે છે. જિયોની સેટેલાઈટ સર્વિસીસ પણ સરકારની આવશ્યક મંજૂરીઓની રાહ જાેઈ રહી છે. ઈન્વેસ્ટમેન્ટ અને ઈનોવેશન માટે ખુલ્લુ વાતાવરણ દેશના વિકાસ માટે મહત્વપૂર્ણ છે, પરંતુ આ વ્યવસ્થા કાયદાના શાસન પર આધારિત હોવી જાેઈએ. દરેક કંપનીએ નિયમો અને નીતિઓનું પાલન કરતા ભારતીય ગ્રાહકોને સેવા આપવી જાેઈએ.
રિલાયન્સે દાવો કર્યો કે કંપની કોઈપણ સ્પર્ધાથી ગભરાતી નથી. જિયોએ ૨૦૧૬માં ભારતીય ટેલિકોમ બજારમાં પ્રવેશ કર્યો હતો. તે સમયે કંપની પાસે એક પણ ગ્રાહક નહોતો, પરંતુ ૧૦ વર્ષમાં જિયોના ૫૩ કરોડથી વધુ ગ્રાહક થઈ ગયા છે. જિયોએ ભારતીય નાગરિકોને વધુ સારી ડિજિટલ સુવિધાઓ આપવામાં અને દુનિયામાં સૌથી સસ્તા મોબાઈલ ડેટા સુધી પહોંચ ઉપલબ્ધ કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. બજારમાં પ્રતિસ્પર્ધાનો અસલી માપદંડ એ છે કે કોણ ગ્રાહકોને વધુ સારી સેવાઓ આપે છે.
રિલાયન્સનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સ્ટારલિંક ભારતમાં તેની વ્યાવસાયિક સેવાઓ શરૂ કરવાની તૈયારી કરી રહી છે. સેટેલાઈટ ઈન્ટરનેટના ક્ષેત્રમાં સ્ટારલિંકની હાજરીથી વર્તમાન કંપનીઓ વચ્ચે સ્પર્ધા વધવાની શક્યતા છે. સરકારે પણ કહ્યું છે કે સેટેલાઈટ ઈન્ટરનેટમાં એકાધિકારની કોઈ શક્યતા નથી.




