
ટ્રમ્પના નિવેદનની ભારે ચર્ચા ‘અમે ભારતથી ખૂબ પૈસા કમાઈ રહ્યા છીએ, પીએમ મોદી મારા મિત્ર…’ ભૂતકાળના વ્યાપારિક ભેદભાવો અને ટેક્સના વિવાદો છતાં ટ્રમ્પે ભવિષ્યમાં ભારત સાથે બહેતર કરાર થવાનો પૂરો ભરોસો આપ્યો હતો અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ (વ્યાપારી સમજૂતી) ને લઈને એક ખૂબ જ મહત્ત્વનું અને સકારાત્મક નિવેદન આપ્યું છે. વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીત કરતી વખતે ટ્રમ્પે આશા વ્યક્ત કરી છે કે બંને દેશો વચ્ચે ટૂંક સમયમાં જ એક મોટો વ્યાપારિક કરાર થઈ શકે છે. આ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભારે પ્રશંસા કરી હતી અને તેમને પોતાના ‘ખાસ મિત્ર’ ગણાવ્યા હતા. જાેકે, આ સકારાત્મક વલણની સાથે જ ટ્રમ્પે ભારતની જૂની ટેરિફ નીતિઓ પર પણ નિશાન સાધ્યું હતું.ભૂતકાળના વ્યાપારી સમીકરણોનો ઉલ્લેખ કરતા ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, “ઘણા વર્ષાે સુધી ભારતે અમેરિકાનો ફાયદો ઉઠાવ્યો છે. તેઓ અમારા સામાન પર ભારે ટેક્સ (ટેરિફ) લગાવતા હતા અને બદલામાં પોતે કશું ચૂકવતા નહોતા. હું આના માટે ભારતને દોષ નથી આપતો, પરંતુ અમેરિકાના જૂના નેતાઓને દોષ આપું છું કારણ કે આપણે બેવકૂફ હતા. જાેકે, હવે સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે અને અમે ભારત સાથેના વ્યાપારમાંથી ઘણો નફો કમાઈ રહ્યા છીએ.”ભૂતકાળના વ્યાપારિક ભેદભાવો અને ટેક્સના વિવાદો છતાં ટ્રમ્પે ભવિષ્યમાં ભારત સાથે બહેતર કરાર થવાનો પૂરો ભરોસો આપ્યો હતો. તેમણે આનો સંપૂર્ણ શ્રેય પીએમ નરેન્દ્ર મોદી સાથેની પોતાની અંગત મિત્રતાને આપતા કહ્યું કે, “આ બધી વાતો પછી પણ અમે ભારત સાથે વ્યાપાર સમજૂતી કરી લઈશું. તેનું કારણ એ છે કે મને તમારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખૂબ ગમે છે. તે મારા ખૂબ સારા મિત્ર છે અને અમારી વચ્ચે ખૂબ જ મજબૂત અને બહેતર સંબંધો છે.”ટ્રમ્પના આ મધુર નિવેદનની વચ્ચે જ અમેરિકા તરફથી ભારત સહિત અન્ય દેશો પર નવો ટેક્સ લાદવાનો પ્રસ્તાવ પણ સામે આવ્યો છે. અમેરિકાના વ્યાપાર પ્રતિનિધિ કાર્યાલય દ્વારા ભારત, ચીન, રશિયા, ઓસ્ટ્રેલિયા, ઇઝરાયેલ, જાપાન અને કતાર સહિત ૫૪ દેશોની એક યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં આરોપ લગાવાયો છે કે આ દેશોમાં ‘જબરન મજૂરી’ થી બનેલી વસ્તુઓની આયાત રોકવા માટેના કાયદાઓ કડક રીતે લાગુ કરવામાં આવ્યા નથી.આ અંતર્ગત અમેરિકા ૧૯૭૪ના ટ્રેડ એક્ટની કલમ ૩૦૧ નો ઉપયોગ કરીને ૧૦% થી ૧૨.૫% સુધીનો નવો વધારાનો ટેરિફ ઝીંકી શકે છે. ભારત જેવા દેશો કે જેમણે વ્યાપારી કરાર હેઠળ આ નિયમો બનાવવાનું વચન આપ્યું છે, તેમના પર ૧૦% વધારાનો ટેક્સ લાગી શકે છે. જાેકે, આ પ્રસ્તાવમાં કાપડ ઉદ્યોગ માટે રાહત આપતી ખાસ વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.





