
ઈરાન સંઘર્ષ બાદ ટ્રમ્પની લોકપ્રિયતામાં રૅકોર્ડ ઘટાડો.અમેરિકામાં મિડ-ટર્મ ચૂંટણીમાં મોટા ઉલટફેરના એંધાણ! .જીવનનિર્વાહના ખર્ચ મુદ્દે ૭૬% લોકોએ અસંતોષ વ્યક્ત કર્યો છે, જ્યારે માત્ર ૨૩% લોકો ટ્રમ્પની કામગીરીથી સંતુષ્ટ છે.અમેરિકામાં યોજાનારી આગામી મિડટર્મ ચૂંટણીઓ પહેલા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ગ્રાફમાં મોટો ઘટાડો નોંધાયો છે. રોઇટર્સ-ઇપ્સોસ, વેરાસાઇટ અને AP-NORC દ્વારા કરવામાં આવેલા તાજેતરના પોલ્સ દર્શાવે છે કે, ટ્રમ્પનું એપ્રૂવલ રેટિંગ ઘટીને ૩૩%થી ૩૬%ની વચ્ચે આવી ગયું છે, જે તેમના અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરો પૈકીનું એક છે.
AP-NORC ના સર્વે મુજબ, ૧૦માંથી ૭ અમેરિકનો માને છે કે દેશનું અર્થતંત્ર નબળું છે અને દેશ ખોટી દિશામાં આગળ વધી રહ્યો છે. ટ્રમ્પના અર્થતંત્ર પ્રત્યેના ર્નિણયોને માત્ર ૩૦% લોકોએ જ સમર્થન આપ્યું છે, જે માર્ચમાં ૩૮% હતું. જીવનનિર્વાહના ખર્ચ (Cost of Living)મુદ્દે ૭૬% લોકોએ અસંતોષ વ્યક્ત કર્યો છે, જ્યારે માત્ર ૨૩% લોકો ટ્રમ્પની કામગીરીથી સંતુષ્ટ છે. ટ્રમ્પની કડક ડિપોર્ટેશન પોલિસી હવે તેમની જ પાર્ટી માટે જાેખમી સાબિત થઈ શકે છે. ૫૨% અમેરિકનોએ જણાવ્યું કે, તેઓ એવા ઉમેદવારને મત નહીં આપે જે ટ્રમ્પની ડિપોર્ટેશન નીતિનું સમર્થન કરતા હોય. ખાસ કરીને ઇન્ડિપેન્ડન્ટ મતદારોમાં આ વિરોધ વધુ જાેવા મળ્યો છે. મિનેપોલિસમાં વિરોધ પ્રદર્શનો દરમિયાન થયેલા મૃત્યુ બાદ વહીવટીતંત્રે અટકાયતની પ્રક્રિયા ધીમી કરી છે.
વિદેશ નીતિના મોરચે પણ ટ્રમ્પને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ૬૭% અમેરિકનોએ ઈરાન સાથેના સંઘર્ષના મુદ્દે ટ્રમ્પના વલણને નકારી દીધું છે. સર્વે મુજબ, ૬૧% અમેરિકનો માને છે કે અમેરિકાએ ઈરાનમાં હવે વધુ કોઈ સૈન્ય કાર્યવાહી કરવી જાેઈએ નહીં. જાેકે, આ નકારાત્મક પોલ્સ વચ્ચે પણ ટ્રમ્પ માટે એક આશાનું કિરણ છે. રિપબ્લિકન પાર્ટીના ૮૩% સમર્થકો હજુ પણ ટ્રમ્પની કામગીરીને યોગ્ય માને છે. આ ઉપરાંત, વોટર આઇડી અને નાગરિકતાના પુરાવા ફરજિયાત કરવાના મુદ્દે ૭૫% અમેરિકનો ટ્રમ્પની તરફેણમાં છે.





