
ખાડીયુદ્ધના લીધે યુએઈની નાણાકીય સ્થિતિ કથળી યુએઈની અમેરિકાનો ડોલર છોડીને યુઆનમાં કારોબારની ધમકી અમેરિકાની આક્રમક નીતિઓએ પ્રાદેશિક નાણાકીય સ્થિરતાને ભયમાં મૂકી હોવાનો યુએઈએ દાવો કર્યાે ઇરાન પર અમેરિકાના હુમલાની ઝાળ હવે યુએઈને પણ લાગી રહી છે. તેની ધીરજ હવે ખૂટવા આવી રહી છે. યુએઈએ આ યુદ્ધ માટે અમેરિકન પ્રમુખ ટ્રમ્પને જવાબદાર ઠેરવ્યા છે. યુએઈએ ચતવણી આપી છે કે જાે યુદ્ધના લીધે અમેરિકન ડોલરની કમી અનુભવાઈ તો તે ઓઇલ-ગેસના વ્યવહાર ચીનના ચલણ યુઆન અને અન્ય ચલણમાં શરૂ કરી દેશે. યુએઈ અધિકારીઓએ પશ્ચિમ એશિયા (મધ્યપૂર્વ) અને ઇરાન વચ્ચે વધતા સંઘર્ષ માટે સ્પષ્ટપણે પ્રમુખ ટ્રમ્પને જવાબદાર ઠેરવ્યા છે.
ધ વોલસ્ટ્રીટ જર્નલના રિપોર્ટ મુજબ યુએઈનું માનવું છે કે અમેરિકાની આક્રમક નીતિઓએ પ્રાદેશિક નાણાકીય સ્થિરતાને ભયમાં મૂકી છે.મેક્રોઇકોનોમિક એનાલિસ્ટ લ્યુક ગ્રોમેનના જણાવ્યા મુજબ યુએઈએ પોતાના અર્થતંત્રને યુદ્ધની અસરથી બચાવવા માટે અમેરિકા પાસેથી નાણાકીય લાઇફલાઇનના સ્વરૂપમાં ડોલર સ્વેપ લાઇનની માંગ કરી છે. હવે જાે યુએઈ તેલના વ્યાપાર માટે ચીની ચલણ યુઆનને અપનાવે છે તો આ બાબત વૈશ્વિક બજારમાં ડોલરના દબદબા સામે સૌથી મોટો પડકાર હશે. દાયકાઓથી ઓઇલનો વેપાર ડોલરમાં થતો આવ્યો છે.નિષ્ણાતોનું કહેવું છે કે ચીન પાસેથી પહેલાથી જ ઘણા દેશોની સ્વેપ લાઇન છે. તેથી યુએઈ માટે ચીન એક વ્યવહારિક વિકલ્પ બની ગયું છે. હવે જાે અમેરિકા-ઇરાન વચ્ચેના યુદ્ધમાં કોઈ સમાધાન નીકળતું નથી તો ક્રૂડ ઓઇલની કિંમત વધી શકે છે. આ સંજાેગોમાં વૈશ્વિક સ્તરે ડોલરની સ્થિતિ નબળી પડી શકે છે. લ્યુક ગ્રોમેનનો તર્ક છે કે ડોલર સિવાયના ચલણમાં વેપાર કરવાથી દેશોને પોતાનો મર્યાદિત ડોલરનો ભંડાર જૂનું દેવુ ચૂકવવા માટે ઉપયોગમાં લેવામાં મદદ મળે છે. બીજી બાજુએ ભવિષ્યનો વ્યાપાર નવા ચલણમાં શિફ્ટ થાય છે.





