
જેનો ડર હતો એ જ થયું, સીઝફાયર તૂટ્યો! અમેરિકાએ ઈરાની જહાજ પકડ્યું, તો ઈરાને કર્યો વળતો પ્રહાર ઈરાની દળોએ ઓમાન સાગરમાં અમેરિકી સેનાના જહાજાે પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે એક બાજુ જ્યાં અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટોની તૈયારીઓ ચાલે છે અને બધુ ઠીક થવાના સંકેત મળી રહ્યા હતા ત્યાં વળી પાછો ખતરો તોળાઈ રહ્યો છે. કારણ કે એવા સમાચાર મળી રહ્યા છે કે અમેરિકાએ ઈરાનનું જહાજ રોક્યું ત્યાં ઈરાને પણ હવે વળતો પ્રહાર કરી નાખ્યો. જેના કારણે સીઝફાયર પર સંકટ આવી ગયું છે. રિપોર્ટ્સ મુજબ ઈરાની દળોએ ઓમાન સાગરમાં અમેરિકી સેનાના જહાજાે પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. જાે કે ઈરાની અધિકારીઓએ આ ઘટનાક્રમની સત્તાવાર પુષ્ટિ કરી નથી.
અત્રે જણાવવાનું કે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં બીજા તબક્કાની વાતચીત માટે બંને દેશો જ્યાં તૈયારીઓ કરી રહ્યા છે ત્યાં દરિયામાં ઘમાસાણ મચ્યું છે. યુદ્ધવિરામ પૂરો થવાને પણ ગણતરીના કલાકો બાકી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ઓમાન સાગરમાં ઈરાન તરફથી અમેરિકી સેનાના કેટલાક જહાજાે પર ડ્રોન એટેક થયો હોવાના સમાચાર છે. હજુ તો એક દિવસ પહેલા જ અમેરિકાએ ઈરાનનું જહાજ પકડ્યું હતું અને તેના ઈરાને હવે જવાબી કાર્યવાહી કરી હોવાનું કહેવાય છે. અમેરિકી જહાજાેને કેટલું નુકસાન થયું એ હજુ સ્પષ્ટ થયું નથી.
ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજાે પર ટોલ લગાવ્યો તો અમેરિકાએ પણ ઈરાની બંદરોથી આવતા જહાજાે પર નાકાબંધી કરીને હોર્મુઝમાં બ્લોકેડ કરી નાખ્યો. રવિવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાની જહાજ વિરુદ્ધ અમેરિકી નેવીએ કાર્યવાહી કરી અને કબજામાં લીધુ છે.
તેમણે કહ્યું હતું કે, આજે એક ૯૦૦ ફૂટ લાંબા અને એક વિમાન વાહક જહાજ જેટલા ભારે તૂસકા નામના ઈરાની માલવાહક જહાજે અમારી નેવીની નાકાબંધી તોડવાની કોશિશ કરી જે તેમના માટે સારી રહી નહીં.
તેમણે લખ્યું કે અમેરિકી સેનાના ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર યુએસએસ સ્પ્રુઆંસે ઓમાનની ખાડીમાં તૂસકાને રોક્યું અને તેને થોભી જવા માટે યોગ્ય ચેતવણી આપી. ઈરાની ક્રૂ સભ્યોએ સાંભળવાની ના પાડી અને આથી અમારી નેવીના જહાજે તેમના એન્જિન રૂમમાં કાણું પાડીને તેમને ત્યાં જ રોકી લીધા.
તેમણે એમ પણ જણાવ્યું કે હાલ અમેરિકી મરીને જહાજને પોતાના કબજામાં લીધુ છે. ગેરકાયદેસર ગતિવિધિઓના પાછલા ઈતિહાસના કારણે તૂસકા પર અમેરિકી ટ્રેઝરીના પ્રતિબંધ લાગેલા છે. જહાજ સંપૂર્ણ રીતે અમારા કબજામાં છે અને અમે જાેઈએ છીએ કે આગળ શું થાય છે.
આ અગાઉ ટ્રમ્પે ઈરાન પર યુદ્ધવિરામ તોડવાના આરોપ લગાવ્યા હતા. તેમણે ભારતીય સમય મુજબ રવિવારે જણાવ્યું હતું કે ઈરાને કાલે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ફાયરિંગ કર્યું જે અમારા યુદ્ધવિરામની સમજૂતિનો ભંગ છે. તેમણે અનેક ગોળીઓ એક ફ્રેન્ચ જહાજ અને યુકેના એક માહવાહક જહાજ પર છોડી. જે સારું નહતું. મારા પ્રતિનિધિ ઈસ્લામાબાદ પાકિસ્તાન જઈ રહ્યા છે. તેમણે ઈરાનના તમામ પાવર પ્લાન્ટ્સ સહિત અનેક જગ્યાઓ પર હુમલાની ધમકી પણ આપી હતી. આ સાથે જ કહ્યું હતું કે ઈરાનની આ હત્યારી મશીનરીને ખતમ કરવાનો સમય આવી ગયો છે.





