Vande Bharat Train : શું વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં સીટ બુકિંગ માત્ર 50 ટકા છે? આ કોંગ્રેસનો દાવો છે. જો કે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ વાતને નકારી કાઢી છે. કોંગ્રેસના કેરળ યુનિટે દાવો કર્યો હતો કે વંદે ભારત ટ્રેનમાં સીટ બુકિંગ માત્ર 50 ટકા છે. આ દાવાને નકારી કાઢતાં રેલ્વે મંત્રીએ ગુરુવારે કહ્યું કે વંદે ભારત ટ્રેનોમાં સીટ બુકિંગ 98 ટકા છે. અશ્વિની વૈષ્ણવે X પરની પોતાની પોસ્ટમાં કહ્યું, ‘કોંગ્રેસના જુઠ્ઠાણાનો પરપોટો ફોડવાનો સમય આવી ગયો છે. 7 મેના રોજ વંદે ભારત ટ્રેનોમાં સીટ બુકિંગ 98 ટકા હતું.
શું કોંગ્રેસ ઇચ્છે છે કે વંદે ભારત બંધ થાય?
વાસ્તવમાં, કોંગ્રેસના કેરળ યુનિટે બુધવારે કહ્યું હતું કે તેણે ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશનની વેબસાઇટ પરથી રેલવેના બુકિંગ ડેટાનું વિશ્લેષણ કર્યું છે. તેણે ટ્વિટર પર વિવિધ વંદે ભારત ટ્રેનોમાં બુકિંગ સ્ટેટસના સ્ક્રીનશોટ શેર કર્યા છે. પોસ્ટમાં એમ પણ કહ્યું કે, ‘અમે વંદે ભારતનો પરપોટો ફોડવાનો નિર્ણય કર્યો છે. IRCTC બુકિંગ ડેટાનું વિશ્લેષણ દર્શાવે છે કે વંદે ભારતની 50 ટકાથી વધુ ટ્રેન કાં તો ખાલી અથવા આંશિક રીતે ભરેલી રહે છે.
વંદે ભારતની ટિકિટના ઊંચા દરને કારણે…
કેરળ કોંગ્રેસ દ્વારા એક વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો હતો. તે દર્શાવે છે કે અન્ય ટ્રેનોમાં ટિકિટ ઉપલબ્ધ નથી અને ત્યાં વેઇટિંગ લિસ્ટ દેખાય છે, જ્યારે વંદે ભારતમાં તે જ રૂટ પર તે જ તારીખે સીટો ખાલી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ‘આ સ્પષ્ટ કરે છે કે લોકો ઊંચા ભાડાને કારણે વંદે ભારત ટિકિટ નથી ખરીદી રહ્યા. લોકોને અન્ય ટ્રેનોમાં વેઇટિંગ ટિકિટ લેવાની ફરજ પડી રહી છે. કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે મુંબઈ-સોલાપુર વંદે ભારતમાં 277 બેઠકો ઉપલબ્ધ છે, પરંતુ તે જ દિવસે તે જ રૂટ પરની અન્ય ટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટ દેખાય છે. આ અંગે કોંગ્રેસે કહ્યું કે, ભાજપ સરકારને ગરીબોની નહીં પણ અમીરોની ચિંતા છે.