
સુરતમાં પ્રદૂષણ ઘટાડવાનો નવતર પ્રયોગ.સુરતમાં ૩૬૦ ડિગ્રી મુવિંગ કેમેરા સિસ્ટમ ગોઠવવાશે.સુરતના જીઆઇડીસી વિસ્તારમાં પ્રદૂષણ નિયંત્રણ માટે GPCB અને મિલ એસોસિએશનનો અનોખો પ્રયોગ શરૂ.પ્રદૂષણ ઘટાડવા માટે નવતર પહેલ સામે આવી છે. સુરત શહેર તથા જિલ્લામાં વધતા હવાઈ પ્રદૂષણને કાબૂમાં લેવા માટે એક મહત્વપૂર્ણ અને ટેક્નોલોજી આધારિત નવતર પ્રયોગ અમલમાં મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને જીઆઇડીસી વિસ્તારમાં આવેલી ઔદ્યોગિક મિલોમાંથી નીકળતા પ્રદૂષણ પર કડક નજર રાખવા માટે હવે ૩૬૦ ડિગ્રી મુવિંગ કેમેરા સિસ્ટમ ગોઠવવામાં આવી છે. શિયાળાની ઋતુમાં હવામાં ભેજ અને ઠંડકના કારણે ધુમાડા તથા રજકણો ઉપર તરફ ફેલાઈ શકતા નથી, જેના કારણે પ્રદૂષણનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) અને મિલ એસોસિએશનના સહયોગથી આ અનોખો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. ૩૬૦ ડિગ્રી કેમેરાથી કડક નજર જીઆઇડીસી વિસ્તારમાં આવેલી વિવિધ મિલોની આસપાસ ઉચ્ચ ક્ષમતાવાળા ૩૬૦ ડિગ્રી કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા છે. આ કેમેરાનો એક્સેસ સીધો જ તે મિલના માલિકો તેમજ જીપીસીબી પાસે રહેશે. જાે કોઈપણ મિલમાંથી નિયમો કરતાં વધુ પ્રદૂષણયુક્ત ધુમાડો નીકળતો જાેવા મળે તો કેમેરાની મદદથી તરત જ ઝૂમ કરીને ચીમની નજીકનો સ્પષ્ટ વીડિયો કેપ્ચર કરી શકાય છે.
નોટિસ અને ક્લોઝર સુધીની કાર્યવાહી કેમેરામાં પ્રદૂષણની સ્પષ્ટ નોંધ મળ્યા બાદ જીપીસીબી દ્વારા સંબંધિત મિલને તાત્કાલિક નોટિસ આપવામાં આવે છે. જાે નોટિસ પછી પણ મિલ દ્વારા સુધારાત્મક પગલાં લેવામાં ન આવે અને પ્રદૂષણ યથાવત રહે, તો જીપીસીબી દ્વારા ક્લોઝર નોટિસ આપવામાં આવી રહી છે. આ પગલાંથી ઉદ્યોગોને પર્યાવરણ માટે જવાબદાર બનવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે.
આ મુદ્દે મિલ એસોસિએશનના પ્રમુખ જીતુ વખારીયાએ જણાવ્યું કે, “આ પ્રયોગ માત્ર દંડાત્મક નથી પરંતુ ઉદ્યોગોને સ્વયં સુધારણા તરફ દોરી જતો છે. કેમેરાની હાજરીથી મિલ માલિકોમાં જાગૃતિ આવી છે અને પ્રદૂષણ નિયંત્રણ માટે જરૂરી સાધનો યોગ્ય રીતે ચલાવવામાં આવી રહ્યા છે.” પર્યાવરણ અને આરોગ્ય માટે મહત્વપૂર્ણ પગલું શહેરમાં વધી રહેલા પ્રદૂષણથી નાગરિકોના આરોગ્ય પર ગંભીર અસર પડી રહી છે. ખાસ કરીને શ્વાસ સંબંધિત બીમારીઓમાં વધારો જાેવા મળે છે. આવી સ્થિતિમાં આ ૩૬૦ ડિગ્રી કેમેરા આધારિત મોનિટરિંગ સિસ્ટમ સુરત માટે માઇલસ્ટોન સમાન પહેલ સાબિત થઈ રહી છે. પર્યાવરણની સુરક્ષા અને ઉદ્યોગોના ટકાઉ વિકાસ વચ્ચે સંતુલન સાધવા માટે સુરતમાં શરૂ કરાયેલો આ નવતર પ્રયોગ આવનારા સમયમાં અન્ય ઔદ્યોગિક વિસ્તારો માટે પણ પ્રેરણારૂપ બનશે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.




