IND vs AUS: ટીમ ઈન્ડિયા આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસે જવાની છે. બંને ટીમો વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝ રમાશે. ભારતીય ટીમ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની વર્તમાન વિજેતા છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ટેસ્ટ સિરીઝનું શેડ્યૂલ પહેલા જ જાહેર થઈ ગયું છે. પરંતુ આ સીરીઝની પ્રથમ બે મહત્વની મેચો રમાશે, જેનો શેડ્યુલ જાહેર કરવામાં આવ્યો છે. બંને દેશોના યુવા ખેલાડીઓ માટે આ બંને મેચ ઘણી મહત્વની બની રહી છે.
આ બંને મેચ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા રમાશે
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા ઓસ્ટ્રેલિયા A અને ભારત A વચ્ચે બે મેચની ચાર દિવસીય શ્રેણી રમાશે. આ શ્રેણીની પ્રથમ મેચ મેકેના ગ્રેટ બેરિયર રીફ એરેનામાં 31 ઓક્ટોબરથી 3 નવેમ્બર દરમિયાન રમાશે. જ્યારે બીજી મેચ MCGમાં 7 થી 10 નવેમ્બર દરમિયાન યોજાશે. આ પછી, પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં 22 નવેમ્બરથી શરૂ થનારી પ્રથમ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાની મુખ્ય ટીમ અને A ટીમના ખેલાડીઓ વચ્ચે ઈન્ટ્રા સ્કવોડ મેચ થશે. આ મેચ WACA ખાતે 15 થી 17 નવેમ્બર વચ્ચે રમાશે.
ગત પ્રવાસમાં ટીમ ઈન્ડિયાએ જીત મેળવી હતી
ટીમ ઈન્ડિયાએ 2020-21માં ઓસ્ટ્રેલિયાના તેના અગાઉના પ્રવાસ પર ટેસ્ટ શ્રેણી પહેલા ઓસ્ટ્રેલિયા A વિરુદ્ધ બે પ્રેક્ટિસ મેચ પણ રમી હતી. ત્યારબાદ ભારતે તે શ્રેણી 2-1થી જીતી લીધી હતી. બીજી તરફ, ભારતીય મહિલા ટીમ પણ ડિસેમ્બરની શરૂઆતમાં ત્રણ વન-ડે મેચ માટે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે, જે એડિલેડમાં પુરૂષોની બીજી ટેસ્ટની આસપાસ રમાશે.
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ક્યારે શરૂ થશે?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં ડે-નાઈટ ટેસ્ટ મેચ પણ રમાશે. પ્રથમ ટેસ્ટ મેચ 22 થી 26 નવેમ્બર વચ્ચે પર્થમાં રમાશે. બીજી મેચ એડિલેડમાં 6 થી 10 ડિસેમ્બર દરમિયાન રમાશે, જે ડે-નાઈટ ટેસ્ટ મેચ હશે. ત્રીજી ટેસ્ટ મેચ ગાબા ખાતે, ચોથી ટેસ્ટ મેચ મેલબોર્નમાં અને પાંચમી ટેસ્ટ મેચ સિડનીના મેદાન પર 3 થી 7 જાન્યુઆરી વચ્ચે રમાશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝનું શેડ્યૂલ:
- પ્રથમ ટેસ્ટ- 22 થી 26 નવેમ્બર, પર્થ
- બીજી ટેસ્ટ- 6 થી 10 ડિસેમ્બર, એડિલેડ
- ત્રીજી ટેસ્ટ – 14 થી 18 ડિસેમ્બર, બ્રિસ્બેન; ગાબા
- ચોથી ટેસ્ટ- 26 થી 30 ડિસેમ્બર, મેલબોર્ન
- પાંચમી ટેસ્ટ – 3 થી 7 જાન્યુઆરી, સિડની