Patan Lok Sabha Election 2024 Live: લોકસભા ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. જેને લઈને ગુજરાતની 25 બેઠકો પર પણ શરૂઆતી વલણ સામે આવી રહ્યા છે. આ દરમિયાન પાટણમાં ભાજપ સાથે ખેલ થવા જઈ રહ્યો તેમ લાગી રહ્યું છે. જણાવી દઈએ કે, અહીં કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર 18 હજારથી વધુ મતોની લીડથી આગળ જોવા મળી રહ્યા છે. તેમની સામે ભાજપમાંથી ભરતસિંહજી ડાભી લગાતાર પાછળ જઈ રહ્યા છે.
જણાવી દઈએ કે, ચંદનજી ઠાકોરના સમર્થનમાં રાહુલ ગાંધીએ પણ પ્રચાર કર્યો હતો. આ ઉપરાંત, કરિણસિંહ ઠાકોર સહિત અનેક ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં પણ જોડાયા હતા. આમં, ભાજપમાં મોટું ગાબડું પણ પડ્યું હતું. ચંદનજી ઠાકોરે ચૂંટણી પ્રચાર સમયે પોતાની પાઘડી ઉતારીને લોકો પાસેથી તેમના મત માંગ્યા હતા. આથી, આ રીતનો અનોખો પ્રચાર તેમના માટે ખૂબ જ ફાયદાકારક બની રહ્યો તેવું લાગી રહ્યું છે.
પાટણ લોકસભા મતવિસ્તાર ગુજરાત રાજ્યનો મહત્વનો મતદારક્ષેત્ર છે. આ અગાઉ કોંગ્રેસનો ગઢ ગણાતી પાટણ
લોકસભા બેઠક છેલ્લી પાંચ ચૂંટણીમાં બે વખત કોંગ્રેસ અને ત્રણ વખત ભાજપે જીતી છે. ઠાકોર, એસસી, ઓબીસી, ક્ષત્રિય અને પાટીદાર મતદારો નિર્ણાયક રહે છે. પાટણ લોકસભા મતવિસ્તારમાં 7 વિધાનસભા બેઠકો છે. આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ફરી પાટણથી વર્તમાન સાંસદ ભરતસિંહ ડાભીને ભાજપના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.
2019ની સામાન્ય ચૂંટણીમાં ભરતસિંહ ડાભીએ કોંગ્રેસના જગદીશ ઠાકોરને 1,93,871 મતોથી હરાવ્યા હતા. 2014માં ભાજપે લીલાધર વાઘેલાને ટિકિટ આપી હતી. જેમણે ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા ભાવસિંહ રાઠોડને 1,38,719 મતોથી હરાવ્યા હતા. પાટણના મતદારોની વાત કરીએ તો અહીં 8,46,195 પુરૂષ મતદારો છે. જ્યારે 7,82,446 મહિલા મતદારો છે