
ગાંધીનગરના વાવોલની શાળાની ઘટના.કારનો કાચ તૂટતા પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને માર્યો ઢોર માર.પતંગ કાઢવા માટે કેટલાક બાળકો ઝાડ પર પથ્થર મારી રહ્યા હતા, આ દરમિયાન એક પથ્થર અચાનક ત્યાં પાર્ક કરેલી પ્રિન્સિપાલની કાર પર જઈને પડ્યો હતો.ગાંધીનગરના વાવોલ વિસ્તારમાં આવેલી એક શાળામાં શિક્ષણ જગતને લાંછન લગાડતી ઘટના સામે આવી છે. શાળાના કમ્પાઉન્ડમાં રમી રહેલા બાળકોથી અજાણતા પ્રિન્સિપાલની કારનો કાચ તૂટી જતાં, ઉશ્કેરાયેલા પ્રિન્સિપાલે માનવતા નેવે મૂકી ધોરણ ૬થી ૮ના અનેક વિદ્યાર્થીઓને ઢોર માર માર્યો હતો. આ ઘટનાને પગલે વાલીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
મળતી માહિતી અનુસાર, વાવોલ પ્રાથમિક શાળામાં રિસેષના સમયે શાળાના કેમ્પસમાં આવેલા એક ઝાડ પર પતંગ ફસાયો હતો. આ પતંગ કાઢવા માટે કેટલાક બાળકો ઝાડ પર પથ્થર મારી રહ્યા હતા. આ દરમિયાન એક પથ્થર અચાનક ત્યાં પાર્ક કરેલી પ્રિન્સિપાલની કાર પર જઈને પડ્યો હતો,
જેના કારણે કારનો કાચ ફૂટી ગયો હતો. શાળાના પ્રિન્સિપાલે પોતાની કારનો કાચ તૂટેલો જાેઈ સંયમ ખોઈ બેઠા હતા. તેમણે કોઈ પણ પ્રકારની તપાસ કર્યા વગર કે બાળકોની ઉંમરનો વિચાર કર્યા વગર ધોરણ ૬થી ૮ના વિદ્યાર્થીઓને લાઈનમાં ઊભા રાખી ઢોર માર માર્યો હતો. બાળકોની ભૂલ અજાણતા હોવા છતાં, પ્રિન્સિપાલે જે રીતે શારીરિક દંડ આપ્યો તેનાથી બાળકો ફફડી ગયા હતા.
જ્યારે બાળકો ઘરે પહોંચ્યા અને આ ઘટનાની જાણ વાલીઓને થઈ, ત્યારે વાલીઓ મોટી સંખ્યામાં શાળાએ એકઠા થયા હતા. વાલીઓનો આરોપ છે કે, બાળકોથી ભૂલ અજાણતા થઈ હતી, તેના માટે આટલો મોટો દંડ અસ્વીકાર્ય છે. શિક્ષણધામમાં બાળકો પર આ પ્રકારે અત્યાચાર ગુજારવો એ કાયદેસરનો ગુનો છે.
વાલીઓની સ્પષ્ટ માંગ છે કે આવા હિંસક વલણ ધરાવતા પ્રિન્સિપાલ સામે તાત્કાલિક અસરથી કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ બાળક સાથે આવું વર્તન ન થાય.




