યુપીઆઈનો ઉપયોગ કરનારા ગ્રાહકો માટે એક નવી સુવિધા શરૂ થઈ છે. આ અંતર્ગત હવે તેઓ UPI દ્વારા ATMમાં રોકડ જમા કરાવી શકશે. આ માટે ડેબિટ કાર્ડની જરૂર પડશે નહીં. હાલમાં એક્સિસ બેંક અને યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ તેમના ગ્રાહકો માટે આ સુવિધા શરૂ કરી છે. ટૂંક સમયમાં આ સેવા ધીમે ધીમે તમામ ATMમાં ઉપલબ્ધ થશે.
આરબીઆઈએ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશનના સહયોગથી UPI-ICD સેવા શરૂ કરી છે. જેમાં UPI એપનો ઉપયોગ કરીને કેશ ડિપોઝીટ મશીનમાં રોકડ જમા કરી શકાય છે. NPCI અનુસાર, બેંકો સિવાય, આ સુવિધા અન્ય ATM ઓપરેટરોમાં પણ ઉપલબ્ધ હશે.
હવે વિકલ્પો શું છે?
હાલમાં, ગ્રાહકો પાસે બેંક ખાતામાં રોકડ જમા કરવા માટે બે વિકલ્પો છે – બેંક શાખાની મુલાકાત લેવી અથવા તેમના ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને ATM દ્વારા રોકડ જમા કરવી.
આ રીતે ATMમાં રોકડ જમા કરો
સૌ પ્રથમ, તમારા વિસ્તારમાં એટીએમ શોધો જ્યાં કેશ ડિપોઝીટ મશીન ઇન્સ્ટોલ કરેલ છે અને સુવિધા ઉપલબ્ધ છે.
સ્ક્રીન પર કેશ ડિપોઝિટ વિકલ્પ પસંદ કરો અને ઓકે બટન દબાવો. પછી UPI સાથે લિંક કરેલ મોબાઈલ નંબર, વર્ચ્યુઅલ પેમેન્ટ એડ્રેસ અથવા એકાઉન્ટનો IFSC કોડ દાખલ કરો.
આ કામ સ્ક્રીન પર આપવામાં આવેલ QR કોડને સ્કેન કરીને પણ કરી શકાય છે.
આગળ નાણાને સ્લોટમાં મૂકો અને દરેક મૂલ્ય માટે નોટોની સંખ્યા દાખલ કરો.
જમા થયેલી રકમ UPI એપમાં દેખાશે. એપ્લિકેશન દ્વારા જમા કરવામાં આવતી રકમની ચકાસણી કરો.
UPI પિન વડે વ્યવહારને અધિકૃત કરો. રોકડ જમા કરાવ્યા બાદ રસીદ મળશે.
UPI પેમેન્ટમાં લોકોનો વિશ્વાસ વધ્યો
દેશમાં UPIનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. ઓગસ્ટમાં UPI દ્વારા ટ્રાન્ઝેક્શન ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં 58 ટકા વધુ હતું. બીજી તરફ, લોકો ગેસ, વીજળી, DTH અને અન્ય બિલોની સુરક્ષિત ચુકવણી માટે ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (BBPS) અપનાવી રહ્યા છે. આ દર્શાવે છે કે ઓનલાઇન ટ્રાન્ઝેક્શનમાં લોકોનો વિશ્વાસ સતત વધી રહ્યો છે.
આરબીઆઈના ડેટા દર્શાવે છે કે ચાલુ વર્ષમાં એપ્રિલથી ઓગસ્ટ વચ્ચે યુપીઆઈ દ્વારા ટ્રાન્ઝેક્શનમાં 35 ટકાનો વધારો થયો છે, ત્યારબાદ યુપીઆઈ દ્વારા 101 લાખ કરોડ રૂપિયાના વ્યવહારો થયા છે. આ સમયગાળા દરમિયાન, NCPI એ UPI સેવાનો પણ વિસ્તાર કર્યો છે. UPI પર્સન ટુ મર્ચન્ટ (P2M) સુવિધા પણ નેપાળમાં માર્ચ 2024થી શરૂ કરવામાં આવી હતી. ત્યારથી, નેપાળમાં યુપીઆઈ દ્વારા એક લાખથી વધુ વ્યવહારો થયા છે. આ સાથે ઓટો પેમેન્ટ અને વોલેટ પેમેન્ટની સુવિધા સાથે ફાસ્ટેગ અને નેશનલ કોમન મોબિલિટી કાર્ડનો ઉપયોગ પણ ઝડપથી વધ્યો છે.