ગુજરાતના ઉર્વીલ પટેલે બુધવારે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024માં ઈતિહાસ રચ્યો છે, જ્યાં તેણે માત્ર 28 બોલમાં સદી ફટકારી હતી. તેની ઇનિંગમાં તેણે માત્ર 35 બોલનો સામનો કર્યો અને 322ના તોફાની સ્ટ્રાઇક રેટથી 113 રન બનાવ્યા. આ ઇનિંગના આધારે તેણે ટી-20 ક્રિકેટમાં ભારતીય બેટ્સમેન દ્વારા સૌથી ઝડપી સદીનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. તેની ઇનિંગમાં સાત ચોગ્ગા અને 12 છગ્ગાનો સમાવેશ થાય છે.
ઉર્વીલે પંતનો રેકોર્ડ તોડ્યો
ઉર્વિલ પટેલે આ મેચમાં ટી-20 ક્રિકેટમાં ભારતીય બેટ્સમેન દ્વારા સૌથી ઝડપી સદી પણ ફટકારી હતી. આ જમણા હાથના બેટ્સમેને ત્રિપુરા સામે એમરાલ્ડ હાઇટ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ ગ્રાઉન્ડ, ઇન્દોરમાં આ ઇનિંગ રમી હતી. તેના પહેલા ઋષભ પંતે 2018માં દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં હિમાચલ પ્રદેશ સામે દિલ્હી તરફથી 32 બોલમાં સદી ફટકારીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. પટેલની સદી T20 ક્રિકેટ ઈતિહાસની બીજી સૌથી ઝડપી સદી છે. તેના પહેલા એસ્ટોનિયાના સાહિલ ચૌહાણે આ વર્ષની શરૂઆતમાં સાયપ્રસ સામે 27 બોલમાં સદી ફટકારી હતી.
કોણ છે ઉર્વીલ પટેલ?
મહેસાણા, બરોડાના રહેવાસી ઉર્વીલે 2018માં રાજકોટમાં મુંબઈ સામેની T-20 મેચમાં બરોડા માટે ડેબ્યુ કર્યું હતું. તે જ વર્ષે તેણે લિસ્ટ A ક્રિકેટમાં પણ પ્રવેશ કર્યો. પરંતુ રણજી ટ્રોફીની છેલ્લી આવૃત્તિમાં પદાર્પણ કરતા પહેલા તેને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમવામાં છ વર્ષનો સમય લાગ્યો હતો. ગુજરાત ટાઇટન્સે ઉર્વિલને 2023ની સીઝન માટે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ તેને એક પણ મેચ રમવાની તક મળી ન હતી.
મેગા ઓક્શનમાં ઉર્વીલ અનસોલ્ડ રહ્યો
ગુજરાત દ્વારા બહાર પાડવામાં આવ્યા બાદ, આ વખતે યોજાયેલી મેગા ઓક્શનમાં કોઈપણ ટીમે તેનામાં રસ દાખવ્યો ન હતો, જેના કારણે તે વેચાયા વગરનો રહ્યો હતો. અત્યાર સુધીમાં તેણે 44 T-20 મેચોમાં 23.52ની એવરેજ અને 164.11ના સ્ટ્રાઈક રેટથી 988 રન બનાવ્યા છે, જેમાં તેની એક સદી અને ચાર અર્ધસદી છે.