ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચ શનિવાર, 14 ડિસેમ્બરથી બ્રિસ્બેનના ગાબા ખાતે રમાશે. ઓસ્ટ્રેલિયાએ આ મેચ માટે પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી દીધી છે. પાંચ મેચોની આ ટેસ્ટ શ્રેણી 1-1થી બરાબર છે. આશ્ચર્યની વાત એ છે કે એડિલેડમાં પાંચ વિકેટ લેનાર સ્કોટ બોલેન્ડને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. જોશ હેઝલવુડની ટીમમાં વાપસી થઈ છે.
સ્ટાર ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ ત્રીજી ટેસ્ટ માટે ટીમમાં પરત ફર્યો છે. હેઝલવુડ સંપૂર્ણ રીતે ફિટ ન હોવાને કારણે એડિલેડમાં પિંક બોલ ટેસ્ટ રમી શક્યો ન હતો. ત્યારબાદ તેના સ્થાને સ્કોટ બોલેન્ડને તક મળી જેણે મેચમાં કુલ પાંચ વિકેટ ઝડપી હતી.
ત્રીજી ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન – ઉસ્માન ખ્વાજા, નાથન મેકસ્વીની, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, એલેક્સ કેરી (વિકેટકીપર), પેટ કમિન્સ (કેપ્ટન), મિચેલ સ્ટાર્ક, નાથન લિયોન અને જોશ હેઝલવુડ.
ભારતની પ્લેઈંગ ઈલેવનમાં પણ ફેરફાર શક્ય છે
ગાબા ખાતે રમાનારી ત્રીજી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાએ હજુ પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી નથી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે ટીમ ઈન્ડિયા કેટલાક ફેરફારો સાથે ત્રીજી ટેસ્ટમાં પણ ઉતરી શકે છે. ભારતીય ટીમ આ મેચમાં કોઈપણ સ્પિનર વિના પ્રવેશ કરી શકે છે. કેપ્ટન રોહિત શર્મા ફરી એકવાર ઇનિંગની શરૂઆત કરતા જોવા મળી શકે છે.
ગાબા પિચ રિપોર્ટ
બ્રિસબેનના ગાબાની પિચ તૈયાર કરનાર ક્યુરેટર ડેવિડ સેન્ડુરસ્કીએ સ્પષ્ટ કહ્યું હતું કે પીચ ફાસ્ટ બોલિંગ પ્રમાણે તૈયાર કરવામાં આવી છે. તેમના મતે જેમ જેમ મેચ આગળ વધશે તેમ પિચમાં તિરાડો પણ જોવા મળશે. ગાબાની પીચ હંમેશા ઝડપી બોલરો માટે અનુકૂળ રહી છે. પીચમાં ઘણો બાઉન્સ જોવા મળી શકે છે.