સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024ની ફાઇનલમાં મુંબઈએ મધ્યપ્રદેશને હરાવ્યું હતું. મધ્યપ્રદેશે 175 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં મુંબઈએ 5 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. મધ્યપ્રદેશ આ ટુર્નામેન્ટ રજત પાટીદારની કેપ્ટનશીપમાં રમી હતી. રજતે ફાઇનલમાં 81 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. આ સાથે તેણે સારી કેપ્ટનસી પણ કરી હતી. ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025માં પણ પાટીદારને કેપ્ટનશીપ મળે તેવી શક્યતા છે.
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024માં સૌથી વધુ રન બનાવવાના મામલે રજત પાટીદાર બીજા ક્રમે રહ્યો હતો. પાટીદારે 10 મેચની 9 ઇનિંગ્સમાં 428 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 32 ચોગ્ગા અને 31 છગ્ગા ફટકાર્યા હતા. પાટીદારે ટૂર્નામેન્ટમાં 5 અડધી સદી પણ ફટકારી હતી. ભલે તેઓ ફાઈનલ મેચ હારી ગયા. પરંતુ તેણે ચાહકોનું દિલ જીતી લીધું. રજત પાટીદાર માટે ચાહકોએ સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ શેર કરી છે.
રજત પાટીદાર બની શકે છે RCBનો કેપ્ટન
પાટીદારે બેટિંગની સાથે સાથે કેપ્ટનશિપમાં પણ પોતાને સાબિત કર્યા છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે હજુ સુધી IPL 2025 માટે કેપ્ટનની જાહેરાત કરી નથી. જો વિરાટ કોહલીને સુકાનીપદ આપવામાં નહીં આવે અથવા તે ના પાડે તો પાટીદાર બની શકે છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી.
ફાઇનલમાં પાટીદારે રમી વિસ્ફોટક ઇનિંગ
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024ની ફાઈનલ મેચ મુંબઈ અને મધ્યપ્રદેશ વચ્ચે રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા MPએ 174 રન બનાવ્યા હતા. આ દરમિયાન રજત પાંચમા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. 40 બોલનો સામનો કરીને તેણે અણનમ 81 રન બનાવ્યા હતા. રજત પાટીદારે આ દરમિયાન 6 ફોર અને 6 સિક્સર ફટકારી હતી.