બાંગ્લાદેશે ત્રીજી T20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 80 રને હરાવ્યું છે. આ રીતે બાંગ્લાદેશે 3 ટી-20 મેચની શ્રેણી 3-0થી જીતી લીધી છે. વેસ્ટ ઈન્ડિઝને જીતવા માટે 190 રનનો ટાર્ગેટ હતો, પરંતુ કેરેબિયન ટીમ 16.4 ઓવરમાં 109 રન પર જ સિમિત થઈ ગઈ હતી. આ પહેલા બાંગ્લાદેશના કેપ્ટન લિટન દાસે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી બાંગ્લાદેશે 20 ઓવરમાં 7 વિકેટે 189 રન બનાવ્યા હતા.
વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનોનો ફ્લોપ શો
બાંગ્લાદેશના 189 રનના જવાબમાં બેટિંગ કરવા આવેલી વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનો નિયમિત અંતરે પેવેલિયનની નજીક જતા રહ્યા. ઓપનર બ્રેન્ડન કિંગ ખાતું ખોલાવ્યા વગર જ બહાર થઈ ગયો હતો. જ્યારે જ્હોન્સન ચાર્લ્સે 18 બોલમાં 23 રનનું યોગદાન આપ્યું હતું. વેસ્ટ ઈન્ડિઝ માટે રોમારિયા શેફર્ડે 27 બોલમાં સૌથી વધુ 33 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 1 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. આ સિવાય વિકેટકીપર બેટ્સમેન નિકોલસ પુરને 10 બોલમાં 15 રન બનાવ્યા હતા. રોસ્ટન ચેઝ, રોવમેન પોવેલ અને જસ્ટિન ગ્રેવ્સ જેવા બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા.
બાંગ્લાદેશ તરફથી રિશાદ હોસૈન સૌથી સફળ બોલર રહ્યો હતો. રિશાદ હાઉસને વેસ્ટ ઈન્ડિઝના 3 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા. આ સિવાય તસ્કીન અહેમદ અને મહેંદી હસન મિરાજે 2-2 વિકેટ લીધી હતી. જ્યારે તનઝીમ હસન સાકિબ અને હસન મહમૂદને 1-1 સફળતા મળી હતી.
ઝાકર અલી બાંગ્લાદેશ માટે ચમક્યો
આ પહેલા બાંગ્લાદેશ માટે ઝાકર અલીએ તોફાની ઇનિંગ રમી હતી. ઝાકર અલીએ 41 બોલમાં 72 રનનું યોગદાન આપ્યું હતું. તેણે પોતાની ઇનિંગમાં 3 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. પરવેઝ હુસૈન ઈમોને 21 બોલમાં 39 રન બનાવ્યા હતા. જ્યારે મહેંદી હસન મિરાજે 23 બોલમાં 29 રનનું યોગદાન આપ્યું હતું. વેસ્ટ ઈન્ડિઝ તરફથી રોમારિયો શેફર્ડે સૌથી વધુ 2 વિકેટ લીધી હતી. આ સિવાય અલઝારી જોસેફ, રોસ્ટન ચેઝ અને ગુડાકેશ મોટેને 1-1 સફળતા મળી.