પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની કરશે. જો કે ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે. તેથી, આ ટુર્નામેન્ટ હાઇબ્રિડ મોડલ પર રમાશે. ટીમ ઈન્ડિયા તેની મેચ તટસ્થ સ્થળો પર રમશે, પરંતુ શું તમે જાણો છો કે આ ટૂર્નામેન્ટમાં ભારતનું પ્રદર્શન કેવું રહ્યું છે? ભારતીય ટીમે કેટલી વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે? વાસ્તવમાં આ ટૂર્નામેન્ટમાં ભારતનું પ્રદર્શન બહુ સારું રહ્યું નથી. અત્યાર સુધી ભારતીય ટીમ માત્ર એક જ વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતવામાં સફળ રહી છે. ભારતીય ટીમે મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2013 જીતી હતી.
તેમજ ભારતીય ટીમ એક વખત સંયુક્ત વિજેતા રહી છે. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2002ની ફાઈનલ ભારત અને શ્રીલંકા વચ્ચે રમવાની હતી, પરંતુ વરસાદને કારણે તે ધોવાઈ ગઈ હતી. જે બાદ બંને ટીમને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવી હતી.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયાનો દબદબો રહ્યો છે
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયાનો દબદબો જોવા મળ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ સૌથી વધુ 2 વખત ખિતાબ જીત્યો છે. આ સિવાય દક્ષિણ આફ્રિકા, ન્યુઝીલેન્ડ, શ્રીલંકા (ભારત સાથે સંયુક્ત વિજેતા), વેસ્ટ ઈન્ડિઝ અને પાકિસ્તાને એક-એક વખત ખિતાબ જીત્યો છે. ICC ચેમ્પિયન્સ ટ્રોફી છેલ્લે વર્ષ 2017માં રમાઈ હતી. આ ટુર્નામેન્ટની ફાઇનલમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું હતું. આ રીતે પાકિસ્તાને પ્રથમ વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે.
આ રહી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમની સફર
તમને જણાવી દઈએ કે ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટ પ્રથમ વખત વર્ષ 1998માં રમાઈ હતી. આ ટુર્નામેન્ટનું આયોજન બાંગ્લાદેશે કર્યું હતું. દક્ષિણ આફ્રિકાએ ફાઇનલમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવીને ટાઈટલ જીત્યું હતું. ભારતીય ટીમ પ્રથમ વખત ચેમ્પિયન્સ ટ્રોફી 2000ની ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ ફાઇનલમાં ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી, આવતા વર્ષે ભારતીય ટીમ ફરીથી ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ શ્રીલંકા સામેની ફાઇનલ વરસાદને કારણે ધોવાઇ ગઈ હતી. આ પછી ભારત અને શ્રીલંકાને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.