
૨૫૦ કિમીની હિમાલય પર્વતમાળા પર સતત પ્રેશર.ઉત્તરાખંડમાં ખૂબ જ મોટો ભૂકંપ આવવાનો ભય.તનકપુરથી દેહરાદૂન સુધીના હિમાલયની પર્વતમાળાની તળીયામાં ખૂબ જ ચહલપહલ જાેવા મળી રહી છે.
વિજ્ઞાનીઓનું કહેવું છે કે ઉત્તરાખંડમાં ખૂબ જ મોટો ભૂકંપ આવવાનો ભય રહેલો છે. તનકપુરથી દેહરાદૂન સુધીના ૨૫૦ કિલોમીટરની હિમાલયની પર્વતમાળાની તળીયામાં ખૂબ જ ચહલપહલ થઈ રહી છે. તેમના કહેવા પ્રમાણે, આ વિસ્તાર ખૂબ જ મોટા સ્ટ્રેસમાં છે. ઇન્ડિયન પ્લેટ હાલમાં યુરેશિયન પ્લેટ સાથે અથડાઈ રહી છે. એના કારણે પ્રેશર સર્જાઈ રહ્યું છે અને આ પ્રેશર જ્યારે બહાર આવશે ત્યારે ભૂકંપ આવશે. આ ભૂકંપ ૭ અથવા તો ૮ની તીવ્રતાનો હશે. પૃથ્વીના પાતાળમાં ખૂબ જ મોટા પથ્થર છે. આ પથ્થરના ટુકડાઓના બંધારણને ટેક્ટોનિક પ્લેટ્સ કહેવામાં આવે છે. ભારતીય પ્લેટ્સ દર વર્ષે ૫૦ mm આગળ વધે છે. ઘણી વાર એ યુરેશિયન પ્લેટ્સ સાથે અથડાય છે અને એને કારણે જ હિમાલયના પર્વતો ઊભા થયા છે. ઇન્ડિયન પ્લેટ્સ અને યુરેશિયન પ્લેટ્સ બન્નેના કેટલાક પથ્થરો અટકી ગયા છે એટલે કે એ ગતિ નથી કરતા. ઇન્ડિયન પ્લેટ્સ જ્યારે આગળ વધે છે ત્યારે તે હવે એક પ્રેશર ઉત્પન્ન કરી રહ્યા છે. આ પ્રેશર હાલમાં રબરબેન્ડની જેમ ખંચાઈ રહ્યું છે. રબરબેન્ડ જ્યારે તૂટે ત્યારે એ છટકે છે. આ જ રીતે પ્રેશર જ્યારે છટકશે ત્યારે ભૂકંપ આવશે.
જમીનની અંદર સ્ટ્રેસ વધવાનું કારણ બે પ્લેટ્સ વચ્ચે ખસવાની જગ્યા નથી એ છે. ઇન્ડિયન પ્લેટ્સ હાલમાં યુરેશિયન પ્લેટ્સ સાથે અથડાઈ રહી છે. એના કારણે મેઇન સેન્ટ્રલ થ્રસ્ટ અને મેઇન બાઉન્ડરી થ્રસ્ટ બન્ને પર પ્રેશર આવી રહ્યું છે. આ પથ્થરો જે જગ્યાએ અટકી ગયા છે ત્યાં હાલમાં એનર્જી ભેગી થઈ રહી છે. આ એનર્જી ભેગી થવાથી અને ટેક્ટોનિક પ્લેટ્સ આગળ ન વધવાથી ઉત્તરાખંડ દર વર્ષે ૧૮ mm નીચે બેસી રહ્યું છે. આ બેસી જવાથી પણ એમાં કેટલું પ્રેશર બનતું હશે એ જાેઈ શકાય છે.
વિજ્ઞાનીઓ હાલ GPS અને રડાર દ્વારા જમીનની હલચલ પર નજર રાખી રહ્યા છે. તેમણે દેહરાદૂનની આસપાસ આવેલા વિસ્તાર મોહાંદ અને શનશાહી આશ્રમના વિસ્તારની જમીનમાં હલનચલન નોંધ્યું છે. આપણને ધ્યાનમાં ન આવે એવા નાના ભૂકંપ વારંવાર આવતાં રહે છે. એનો મતલબ એ થયો કે ધરતી ધીમે ધીમે એડજસ્ટ થઈ રહી છે. જાેકે એટલી નહીં કે જેના કારણે પૃથ્વીની અંદર જે પ્રેશર બની રહ્યું છે બહાર આવી શકે. આ જગ્યાની જમીનનો આકાર બદલાઈ રહ્યો છે અને આ એક ખતરાની ઘંટી છે.
૧૯૯૧માં ઉત્તરકાશીમાં ૬.૮ની તીવ્રતાનો ધરતીકંપ આવ્યો હતો. ત્યાર બાદ ૧૯૯૯માં ચમોલીમાં ૬.૬ની તીવ્રતાનો ધરતીકંપ આવ્યો હતો. જાેકે હવે જે ધરતીકંપ આવશે એ ૭ અથવા તો ૮નો હશે એવું કહેવામાં આવી રહ્યું છે. આ માટેનું કારણ એ છે કે જમીનની અંદર હજી પણ સતત પ્રેશર બની રહ્યું છે અને એને બહાર નીકળવાનો માર્ગ નથી મળી રહ્યો.




