
ભારત અને ભૂટાનના અધિકારીઓનું નિવેદનપીએમ મોદી ભૂટાનની બે દિવસીય રાજકીય યાત્રાએતેઓ ભૂટાનના ચોથા રાજાના જન્મદિવસ સમારોહમાં સામેલ થશે અને ગ્લોબલ પીસ પ્રેયર ફેસ્ટિવલમાં ભાગ લેશેપીએમ મોદી ૧૧ અને ૧૨ નવેમ્બરના રોજ ભૂટાનની બે દિવસીય રાજકીય યાત્રાએ છે. આ હિમાલયી દેશ ભૂટાનની તેમની ૨૦૧૪ પછીની ચોથી મુલાકાત હશે. તેમની આ મુલાકાત દરમિયાન, તેઓ ભૂટાન સરકાર દ્વારા આયોજિત ‘ગ્લોબલ પીસ પ્રેયર ફેસ્ટિવલ‘માં ભાગ લેશે, જે વિશ્વ શાંતિ અને માનવતાના ઉત્થાનના ઉદ્દેશ્યથી આયોજિત કરાઈ રહ્યો છે.
બંને દેશો વચ્ચેના ખાસ દોસ્તી અને સહયોગના સંબંધોને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે, જે દ્વિપક્ષીય ઉચ્ચ-સ્તરીય નિયમિત વાટાઘાટોની પરંપરાને અનુરૂપ છે. આ મુલાકાત દરમિયાન, પીએમ મોદી ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક સાથે પણ મુલાકાત કરશે.
પીએમ મોદી આ પ્રવાસ દરમિયાન ભૂટાનના વડાપ્રધાન ત્સેરિંગ ટોબગે સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. આ બેઠકમાં ઊર્જા, વેપાર, સુરક્ષા અને સાંસ્કૃતિક સહયોગ જેવા ક્ષેત્રોને વધુ મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવશે.
આ મુલાકાત દરમિયાન, બંને નેતાઓ મળીને ૧૦૨૦ મેગાવોટની પુનાત્સાંગછે જળવિદ્યુત પરિયોજનાનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ ભારત-ભૂટાન ઊર્જા સહયોગની એક મોટી સિદ્ધિ માનવામાં આવે છે અને બંને દેશોના સંબંધોને વધુ મજબૂત બનાવશે.
વડાપ્રધાનની આ મુલાકાત એવા સમયે છે જ્યારે ભારતમાંથી લાવવામાં આવેલા ભગવાન બુદ્ધના પવિત્ર પીપરહવા અવશેષોને ભૂટાનમાં લોકોના દર્શનાર્થે રાખવામાં આવ્યા છે. ત્યારે પીએમ મોદી થિમ્ફુના તાશીછોજાેગ મઠમાં જઈને આ પવિત્ર અવશેષોના દર્શન કરશે અને પૂજા કરશે. આ સાથે, તેઓ ભૂટાનની રૉયલ સરકારે આયોજિત કરેલા વિશ્વ શાંતિ પ્રાર્થના સમારોહ (ગ્લોબલ પીસપ્રેયર ફેસ્ટિવલ)માં પણ ભાગ લેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે, ૧૧ નવેમ્બરના રોજ ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક સાથે મુલાકાત કરશે અને આજે જ તેઓ હાઇડ્રો પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ તેઓ ભૂટાનના ચોથા રાજાના જન્મદિવસ સમારોહમાં સામેલ થશે અને ગ્લોબલ પીસ પ્રેયર ફેસ્ટિવલમાં ભાગ લેશે.
યાત્રાના બીજા દિવસે એટલે કે ૧૨ નવેમ્બરના રોજ પીએમ મોદી ભૂટાનના વડાપ્રધાન ત્સેરિંગ ટોબગે સાથે મુલાકાત કરશે. આ દરમિયાન, બંને નેતાઓ ઊર્જા, રેલ, સડક કનેક્ટિવિટી અને વિકાસ પરિયોજનાઓ પર ચર્ચા કરશે. આ ઉપરાંત, ભૂટાનની ૧૩મી પંચવર્ષીય યોજનામાં સહયોગ આપવા અંગે પણ બંને દેશો વચ્ચે વાતચીત થશે.
ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે, પીએમ મોદીનો આ પ્રવાસ બંને દેશો વચ્ચેની અનુકરણીય ભાગીદારીને નવી દિશા આપશે. તેમના મતે, ભારત અને ભૂટાનના સંબંધો વિશ્વાસ, સદ્ભાવના અને પરસ્પર સન્માન પર આધારિત છે અને સમયની સાથે તે વધુ મજબૂત બની રહ્યા છે.
ભૂટાનમાં ભારતના રાજદૂત સંદીપ આર્યએ આ પ્રવાસને ખૂબ ખાસ ગણાવ્યો છે. તેમણે નોંધ્યું કે આ યાત્રા ‘ગ્લોબલ પીસ પ્રેયર ફેસ્ટિવલ‘ અને ભૂટાનના ચોથા રાજાની ૭૦મી જન્મજયંતિ – એમ બે મહત્ત્વપૂર્ણ અવસરો સાથે સુસંગત છે.
તેમણે ભારપૂર્વક કહ્યું કે, ‘ભૂટાનમાં વિશ્વ શાંતિ માટે આટલું મોટું આયોજન પ્રથમ વખત થઈ રહ્યું છે અને પીએમ મોદીની હાજરી તેને વિશેષ બનાવે છે.‘
ભૂટાનના મંત્રી, લ્યોનપો જેમ શેરિંગ, એ પુષ્ટિ કરી કે ભારત અને ભૂટાનના સંબંધો આદર અને સમજણ પર ટકેલા છે. તેમણે જણાવ્યું કે, દુનિયા જ્યારે યુદ્ધો અને સંઘર્ષોનો સામનો કરી રહી છે, ત્યારે પીએમ મોદીનું શાંતિ પ્રાર્થના સમારોહમાં સામેલ થવું તેમના માટે ગર્વ અને પ્રેરણાની ક્ષણ છે.
હિમાલયમાં આવેલો દેશ ભૂટાન ભારત માટે વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જાેકે આ એક નાનો દેશ છે, જ્યાં માત્ર ૭.૫ લાખ જેટલા લોકો રહે છે, પરંતુ તે ભારત અને ચીનની વચ્ચે આવેલો હોવાથી, તે બફર ઝોન તરીકે કામ કરે છે. ભૂટાનમાં જાે ચીનનો પ્રભાવ વધે, તો ભારતના ચીકન નેક (સિલિગુડી કોરિડોર) પર જાેખમ આવી શકે છે. આ સંજાેગોમાં ભારત ભૂટાનને સુરક્ષા કવચની જેમ માને છે.
વર્ષ ૨૦૧૭માં ચીને ભૂટાનના ડોકલામ વિસ્તારમાં સડક બનાવવાનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતે પોતાની સેનાઓ દ્વારા અટકાવી દીધો હતો. એટલું જ નહીં, ભૂટાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની કાયમી સીટનું પણ સમર્થન કરે છે.




