
અમિત ચાવડાના સરકાર પર આકરા પ્રહાર.ખેડૂતોને ૩૫૦૦ રૂપિયાનું પડીકું અને શિબિર પર લાખોનો ખર્ચચિંતન શિબિરના નામે નાટક થાય છે, એક એક થાળીની કિંમત ત્રણ હજાર, એક એક વ્યક્તિ પાછળ લાખો રૂપિયાનો ખચકોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ તાજેતરમાં યોજાયેલી ચિંતન શિબિરના મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ચાવડાએ સરકારની આ શિબિરને નાટક ગણાવીને તેના ખર્ચ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે અને સરકારને ખેડૂતોની ચિંતા કરવા માટે અપીલ કરી છે.
અમિત ચાવડાએ પોતાના નિવેદનમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, સરકાર દ્વારા યોજાતી આ ચિંતન શિબિરના નામે માત્ર નાટક થાય છે. તેમણે શિબિરના ખર્ચ અંગે ચોંકાવનારા આંકડાઓ રજૂ કરતાં જણાવ્યું હતું કે, એક-એક થાળીની કિંમત ત્રણ-ત્રણ હજાર રૂપિયા છે. આ શિબિરમાં એક-એક વ્યક્તિ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. ચાવડાએ આ પ્રચંડ ખર્ચ સામે ખેડૂતોની સ્થિતિનો તફાવત રજૂ કર્યો, જેનાથી સરકારની પ્રાથમિકતાઓ પર સીધો સવાલ ઉઠે છે.
કોંગ્રેસ પ્રમુખે ખેડૂતોને અપાતી સહાયની અપૂરતી રકમ સામે ચિંતન શિબિરના ખર્ચને જાેડીને સરકારને ઘેરી છે. તેમણે જણાવ્યું હતું કે, એક તરફ, સરકાર ખેડૂતોને તેમના પાકના નુકસાન સામે અથવા અન્ય જરૂરિયાતો માટે માત્ર ૩૫૦૦ રૂપિયાનું પડીકું આપે છે. જ્યારે બીજી તરફ, ચિંતન શિબિરના નામે એક વ્યક્તિ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે.” આ વિરોધાભાસ દર્શાવે છે કે સરકાર સામાન્ય માણસ અને ખાસ કરીને ખેડૂતોની સમસ્યાઓ પ્રત્યે કેટલી ગંભીર છે. અમિત ચાવડાએ અંતે સરકારને સ્પષ્ટ શબ્દોમાં સલાહ આપી કે સરકારે એ.સી. રૂમમાં બેસીને માત્ર ખર્ચાળ ચિંતન શિબિરો યોજવાના બદલે, વાસ્તવિક ચિંતન માટે સીધું ખેડૂતો પાસે જવું જાેઈએ. તેમણે માંગ કરી કે સરકારે ખેડૂતોના પ્રશ્નોને ગંભીરતાથી લેવા જાેઈએ અને તેમની આર્થિક સ્થિતિ સુધારવા માટે નક્કર પગલાં ભરવા જાેઈએ. આ નિવેદન સાથે અમિત ચાવડાએ સરકારની કામગીરી અને ખર્ચની નીતિઓ પર જાેરદાર પ્રહાર કર્યો છે, જેનાથી રાજ્યના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.




