રાજકોટની સરકારી સિવિલ હોસ્પિટલમાં એન્ફેલેમિયા જેવા ગંભીર રોગથી પીડાતા અને નિયમિત સારવાર તેમજ દવાઓ પર નિર્ભર એવા ૫૦૦થી વધુ બાળકો સારવાર હેઠળ છે, જેમાંના ઘણા બાળકોની હાલત ગંભીર હોવા છતાં જરૂરી દવાઓ ઉપલબ્ધ ન હોવાની ગંભીર બાબત સામે આવી છે. આ અંગે આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશી દ્વારા રાજકોટ કલેક્ટરશ્રી મારફતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. એક તરફ સરકાર ગરીબ અને મધ્યમ વર્ગને મફત સારવાર આપવાના મોટા મોટા દાવા કરે છે, ત્યારે બીજી તરફ સિવિલ તંત્ર દ્વારા દવાઓ ઉપલબ્ધ હોવાનો દાવો કરાતો હોવા છતાં દર્દીના પરિજનોને બહારથી દવાઓ ખરીદવી પડી રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે રાજકોટના ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યો અને સાંસદો માત્ર એકબીજાના વખાણ કરવામાં વ્યસ્ત રહી મૌન સેવી રહ્યા છે, જેનાથી જનતા સવાલ ઉઠાવી રહી છે કે આ જનપ્રતિનિધિઓ કોના માટે ચૂંટાયા છે. તંત્ર સમક્ષ એવા આકરા સવાલો મૂકવામાં આવ્યા છે કે હોસ્પિટલમાં દવાઓ કેમ ઉપલબ્ધ નથી, ઉપલબ્ધ દવાઓની ગુણવત્તાનું ટેસ્ટિંગ કેમ થતું નથી અને ખરીદી-સપ્લાયમાં બેદરકારી દાખવનાર અધિકારીઓ સામે શું કાર્યવાહી કરવામાં આવી?
આમ આદમી પાર્ટીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે એન્ફેલેમિયા પીડિત બાળકોની સારવાર એ કોઈ રાજકીય મુદ્દો નથી પરંતુ માનવજીવનનો સંવેદનશીલ પ્રશ્ન છે. પાર્ટી દ્વારા માંગ કરવામાં આવી છે કે સિવિલ હોસ્પિટલમાં દવાઓનો પૂરતો જથ્થો તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવે, વર્તમાન દવાઓની ગુણવત્તા, ખરીદી અને સપ્લાયની સ્વતંત્ર તપાસ થાય, બેદરકાર અધિકારીઓની જવાબદારી નક્કી કરી કાર્યવાહી થાય અને હોસ્પિટલમાં ફરિયાદ નિવારણ વ્યવસ્થા ઊભી કરીને જિલ્લા કક્ષાએ ત્વરિત રિપોર્ટ રજૂ કરવામાં આવે. રાજકોટની જનતા માંગ કરે છે કે નિર્દોષ બાળકોના સ્વાસ્થ્ય સાથે કોઈ રમત ચલાવી લેવાશે નહીં અને સરકાર કે આરોગ્ય વિભાગ પોતાની જવાબદારીમાંથી છટકી શકશે નહીં. જો તાત્કાલિક ધોરણે યોગ્ય દવાઓ સુનિશ્ચિત કરવામાં નહીં આવે અને સમયમર્યાદામાં પારદર્શક તપાસ નહીં થાય, તો આમ આદમી પાર્ટી દ્વારા રાજકોટના પીડિત બાળકો અને તેમના પરિવારોના હિતમાં ઉગ્ર આંદોલન કરવાની ગંભીર ચેતવણી આપવામાં આવી છે.





