
કેન્દ્ર સરકારે લીધો મોટો ર્નિણય.હવે મેડિકલમાંથી પ્રિસ્ક્રિપ્શન વગર નહીં મળે કફ સિરપ.મેડિકલ સ્ટોર્સના સંચાલક ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર કફ સિરપ વેચી શકશે નહીં : મધ્ય પ્રદેશમાં બનેલા બનાવને ગંભીરતાથી લઈને કેન્દ્રએ ર્નિણય લીધો.મધ્ય પ્રદેશમાં તાજેતરમાં કફ સિરપ પીવાથી બાળકોના મોતના સમાચાર સામે આવ્યા હતા. આ ઘટનાઓ બાદ મધ્ય પ્રદેશ સાથે સમગ્ર દેશમાં હડકંપ મચી ગયો હતો. હવે આ મામલાને કેન્દ્ર સરકારે અત્યંત ગંભીરતાથી લીધો છે અને આ દિશામાં એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. આ હેઠળ હવે દેશભરના મેડિકલ સ્ટોર્સના સંચાલક ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર કફ સિરપ વેચી શકશે નહીં. સરકારની ટોચની નિયામક ઔષધ પરામર્શ સમિતિએ પોતાની ૬૭મી બેઠકમાં કફ સિરપની અનિયંત્રિત વેચાણ પર પ્રતિબંધ મૂકવા માટે આ ર્નિણય લીધો છે, જેના પછી હવે દેશભરમાં સરળતાથી કફ સિરપ ઉપલબ્ધ નહીં રહે. સરકારનો ઉદ્દેશ્ય એ છે કે લોકો ઓવર ધ કાઉન્ટરની જગ્યાએ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનથી જ દવા લે.
અત્યાર સુધી મોટાભાગે કફ સિરપ ઓવર ધ કાઉન્ટર વેચાતી હતી, એટલે કે કોઈપણ મેડિકલ સ્ટોરે જઈને કહે કે કફ સિરપ આપો એટલે મેડિકલવાળો કફ સિરપ આપી દેતો હતો. પરંતુ કેન્દ્ર સરકારના નવા ર્નિણય પછી હવે તેના પર લગામ લાગી શકશે. સરકારની ટોચની નિયામક ઔષધ પરામર્શ સમિતિએ ૬૭મી બેઠકમાં આ ર્નિણયને મંજૂરી આપી દીધી છે. આ હેઠળ હવે કફ સિરપને તે દવાઓની કેટેગરીમાંથી બહાર કાઢી દેવામાં આવી છે, જેને ઓવર ધ કાઉન્ટર વેચી શકાય છે.
દેશમાં કફ સિરપ પીવાથી તાજેતરમાં બાળકોનાં મોતના અનેક કિસ્સા સામે આવ્યા હતા. બાળકોનાં મોતની સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છબી પણ ખરડાઈ રહી હતી, જેના પગલે સરકારે આ પગલું ભર્યું છે. સાથે જ સરકારનો પ્રયાસ છે કે લોકો મેડિકલમાંથી સીધી દવા ન ખરીદે અને ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનના આધારે જ દવા ખરીદે. આના અનેક ફાયદા છે. એક તો દવાઓના નશા માટેના ઉપયોગ પર રોક લાગશે. બીજી તરફ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ઘણી વખત લોકો કોઈ જરૂરિયાત વગર જ એન્ટિબાયોટિક્સનો ધડાધડ ઉપયોગ કરે છે. જેના કારણે એન્ટિબાયોટિક્સ અસર નથી કરતી અને શરીરમાં સંક્રમણ ફેલાવનારા બેક્ટેરિયા એન્ટિબાયોટિક દવાઓ પર પ્રતિક્રિયા કરવાનું બંધ કરી દે છે.
રિપોર્ટ મુજબ, થોડા સમય પહેલાં મધ્ય પ્રદેશના છિંદવાડા અને આસપાસના જિલ્લાઓમાં ઓછામાં ઓછા ૨૪ બાળકોના ‘કોલ્ડ્રિફ’ સિરપ પીવાથી મોત થયા હતા. સાથે જ રાજસ્થાન અને ગુજરાત સહિત કેટલાક અન્ય રાજ્યોમાંથી પણ આવા જ કેસ સામે આવ્યા હતા. દેશની સાથે વિદેશમાંથી પણ આવા કેસ સામે આવ્યા બાદ દેશની આંતરરાષ્ટ્રીય છબીને નુકસાન વેઠવું પડ્યું હતું. ખાસ કરીને ઉઝ્બેકિસ્તાનમાં ભારતીય કફ સિરપ પીવાથી ૬૮ બાળકોનાં મોતના મામલે ૨૧ લોકોને સજા ફટકારવામાં આવી હતી. તેવી જ રીતે ઇન્ડોનેશિયામાં પણ આવી જ કફ સિરપ પીવાથી ૨૦૨૨ અને ૨૦૨૩ વચ્ચે ૨૦૦થી વધુ બાળકોનાં મોત થયાં હતાં.
ગામ્બિયામાં પણ આવા જ કેસ સામે આવ્યા હતા. ત્યાર બાદ વિશ્વ આરોગ્ય સંગઠન (ઉૐર્ં)એ ભારતમાં બનેલી ત્રણ મિલાવટી દવાઓની ઓળખ કરી હતી. આમાં શ્રીસન ફાર્માસ્યુટિકલ્સની કોલ્ડ્રિફ ઉપરાંત રેડનેક્સ ફાર્માસ્યુટિકલ્સની રેસ્પિફ્રેશ ટીઆર અને શેપ ફાર્માની રિલાઇફ પણ સામેલ હતી.




