
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
આપણામાં કહેવત છે કે “ડાહી સાસરે ના જાય અને ગાંડીને શિખામણ આપે કે સાસરું તો સારું સાસરે જ રહેવાય” આ કહેવત આજના આ નેતાઓ કે જેમના કથની અને કરણી અલગ છે. એમને કંઈક અંશે મળતી ઝુલતી આવે છે.
કારણકે એક બાજુ નેતાઓ પ્રજાના પરસેવાના પૈસા ને પાણી ની જેમ વાપરી આભાસી લોકપ્રિયતા દરબારી મીડિયાના સહારે ઊભી કરવાનો મિથ્યા પ્રયાસ કરી પ્રજાને સુફીયાણી સલાહો આપવામાં આવે છે ત્યારે બીજી બાજુ એ જ નેતાઓ લખલૂંટ ખર્ચા કરી એ સિધ્ધ કરી બતાવે છે કે અમે કહીએ એ કરવાનું, અમે કરીએ એમ નહીં. આ હળહળતા કળીયુગમાં જ્યારે પ્રજાને બે ટંકના ખાવાના ફાંફા પડતા હોય ત્યાં પડતા પર પાટુ મારવા જેવી “ત્યાગ”ની વાત કરવી કેટલી યોગ્ય છે? આમ પણ દેશની આર્થિક હાલત વધુ કથળી જ છે અને તેનો સીધો પુરાવો રૂપિયાનો સતત ને સતત થઈ રહેલુ પતન છે. પરંતુ આ સમયગાળા દરમિયાન પાંચ રાજયોમાં કેન્દ્રશાસિત પ્રદેશમાં ચૂંટણી હતી એટલે સતત ચુનાવી મોડમાં રહેલા આપણા વડાપ્રધાન અને એમના સાથીઓએ આ અઢી મહિના દરમિયાન કાપ કે કરકસર ના “ક” નું પણ ઉચ્ચારણ કર્યું નહીં કે ના તો પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કર્યો કે જેથી મતદારો રિસાઈ ન જાય. આ કવાયતનો ભાજપ ને ફાયદો પણ ચૂંટણીમાં મળ્યો. પરંતુ આ ફાયદાની લ્હાયમાં દેશનું અર્થતંત્ર વધુને વધુ લોહી લુહાણ થતું રહ્યું. પરિણામે છેલ્લે સ્થિતિ એ આવી ગઈ કે પાણી ગળાથી ઉપર વહેવા લાગ્યુ ત્યારે આપણા વડાપ્રધાને જાહેર કરવા માંડયુ કે કરકસરથી રહો, પેટ્રોલ બચાવો, ડીઝલ બચાવો, સોનું ન ખરીદો, તેલ વગેરેનો ઉપયોગ ઘટાડો વગેરે વગેરે જેવા “સંકલ્પો” પ્રજાને લેવડાવવાનું શરૂ કર્યું. પરંતુ સવાલ એ છે કે આ “સંકલ્પો” લેવડાવવામાં આટલું મોડું કેમ કર્યું? ચુનાવી ફાયદા માટે દેશના અર્થતંત્રને આવી રીતે અથડાવા દેવું એ કયા પ્રકારની નીતિ છે?
આજે અઢી મહિના બાદ જે કરકસરની વાત વડાપ્રધાન પ્રજાને કરી રહ્યા છે એ એમણે શરૂઆતમાં કેમ ન કરી? એટલું જ નહીં પણ આ કરકસર કે સંકલ્પોનો અમલ માત્ર પ્રજા એ જ કરવાનો? સરકારમાં સુખ સાહબી ભોગવતા નેતાઓ કે બાબુઓએ નથી કરવાનો?
વૈશ્વિક સંકટના સમયમાં પ્રજાએ કરકસર કરીને પોતાનો નાગરિક ધર્મ સો ટકા બજાવવો જ જોઈએ પણ નેતાઓ અને અધિકારીઓએ તો તેનો અમલ પહેલાં કરવો જોઈએ. જે ખરેખર હાલ તુરત તો થઈ રહ્યો હોય એવું દેખાઈ રહ્યું નથી.





