
આર્થિક વિકાસના નામે ક્યાં સુધી વિનાશ નોતરીશું? ગુજરાતના લાખો નાગરિકોનું આરોગ્ય આજે જાેખમમાં! સુરત ઝેરી હવાની ઝપેટમાં : છેલ્લા એક અઠવાડિયાથી શહેરની હવાની ગુણવત્તા આંકડો ૨૦૦ને પાર થઈ ગયો
સુરતની હવામાં હવે ઝેર ભળી ગયું છે. AQI ૨૦૦થી વધુ એટલે બાળકો, વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓ માટે તો ખતરો છે જ, પણ સ્વસ્થ લોકો પણ હવે સુરક્ષિત નથી. શ્વાસ લેતાં જ ગળામાં બળતરા, આંખોમાં પાણી, ઉધરસ અને શ્વાસની તકલીફની ફરિયાદો વધી છે. હવામાં સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ અને એમોનિયા જેવા ઝેરી વાયુઓનું પ્રમાણ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે.
સૌથી મોટો આક્ષેપ હજીરા, પાંડેસરા જેવા ઔદ્યોગિક વિસ્તારો પર છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી દર્શન નાયકે વન અને પર્યાવરણ મંત્રી અર્જુનસિંહ મોઢવાડિયાને પત્ર લખીને સીધો આક્ષેપ કર્યો છે કે અહીંના ઔદ્યોગિક એકમો નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે. NGT આદેશો, સરકારી ઠરાવો અને બંધારણીય જવાબદારીઓનું પણ પાલન થતું નથી.
દર્શન નાયકે મંત્રી પાસે તાત્કાલિક પગલાં લેવા અને જવાબદાર અધિકારીઓ તેમજ ઔદ્યોગિક એકમો સામે સખત કાર્યવાહી કરવાની માંગ કરી છે. હવે જુઓ સરકાર કેટલી ઝડપથી સુરતની હવા સ્વચ્છ કરવા આગળ આવે છે. સુરતના લોકો આજે એક જ સવાલ પૂછી રહ્યા છે, આર્થિક વિકાસના નામે આપણે પોતાની હવા ક્યાં સુધી ઝેરી બનાવીશું.




