
અમદાવાદના સુભાષબ્રિજ ઉપર વચ્ચેના સ્પાનનો ભાગ બેસી જવા અને તિરાડ પડવા મામલે મોટા સમાચાર સામે આવ્યા.અમદાવાદના સુભાષબ્રિજ ઉપર વચ્ચેના સ્પાનનો ભાગ બેસી જવા અને તિરાડ પડવા મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. સુભાષબ્રિજ ઉપર ખૂબ મોટી તિરાડ અને સ્પાનનો ભાગ બેસી ગયો હોવાનું સામે આવ્યું છે. તિરાડ એટલી મોટી પડી છે જેના કારણે સાબરમતી નદીનું પાણી દેખાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ અને કન્સલ્ટન્ટ દ્વારા બ્રિજ પર ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી છે. જેમાં બ્રિજના સ્પાનમાં અંદર રહેલા પ્રિ સ્ટ્રેસ વાયરને નુકસાન થયું હોવાના કારણે સ્પાનનો ભાગ બેસી ગયો હોય તેવી બાબત સામે આવી છે. બ્રિજના એક સ્પાનમાં આ પ્રમાણે સ્થિતિ સર્જાઈ હોવાના પગલે બ્રિજના તમામ છ સ્પાનની તપાસ કરવામાં આવશે. જેના પગલે હવે માત્ર પાંચ દિવસ જ નહીં પરંતુ લાંબો સમય સુધી બ્રિજને બંધ રાખવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ બ્રિજ કન્સલટન્ટ દ્વારા બ્રિજના તમામ સ્પાનની તપાસ
કરવામાં આવશે. જે સ્પાનમાં તિરાડ અને ભાગ બેસી ગયો છે જેને લઈને ત્રણ જેટલા બ્રિજ કન્સલ્ટન્ટ તેમજ રાજ્ય સરકારના બિલ્ડિંગ વિભાગ સાથે ચર્ચા વિચારણા અને મીટીંગ કરવામાં આવી છે. સ્પાનને રીપેર કરવો કે પછી આખો તોડીને ફરીથી નવો બનાવવો તેને લઈને બેથી ત્રણ અલગ અલગ વિકલ્પો નક્કી કરવામાં આવ્યા છે. બ્રિજને કેવી રીતે રીપેરીંગ કરવો તેના માટે પણ અલગ અલગ પ્રકારના સોલ્યુશન્સ કન્સલ્ટન્સ પાસેથી મેળવવામાં આવી રહ્યા છે. આખો બ્રિજ તોડીને નવો બ્રિજ બનાવવો કે આ જ બ્રિજ પર ફરીથી સ્પાનને મજબૂત કરવો તેને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. બેથી ત્રણ દિવસમાં આ મામલે ર્નિણય લેવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા આજે(૫ ડિસેમ્બર) બપોર બાદ બ્રિજ પર તપાસની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. બ્રિજ પરના ભાગને માપવામાં આવ્યા છે. તિરાડ કેટલા ફૂટ લાંબી અને કેટલી પહોળી પડી છે તેના માટે થઈને સમગ્ર બાબતે તપાસ કરવામાં આવી છે. કયા ભાગમાં કેટલું નુકસાન થયું છે તેને લઈને ચેકિંગ કરવામાં આવ્યું છે. એક મહિના પહેલા બ્રિજ કન્સલ્ટન્ટ દ્વારા વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું જેમાં બેરિંગ બદલવા તેમજ માઇનોર રીપેરીંગ કરવાનું હતું.




