
બેડી-ધરાનગર વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર.જામનગરમાં કોલેરાનો રોગચાળો વકર્યો: ૫ પોઝિટિવ કેસ નોંધાયા.પાણીની મુખ્ય પાઈપલાઈન અને ભૂગર્ભ ગટરની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે.જામનગર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોલેરાનો રોગચાળો બેકાબૂ બની રહ્યો છે. જી.જી. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ પૈકી આજે (૧૨મી ફેબ્રુઆરી) વધુ ૫ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં ફફડાટ ફેલાયો છે. આ સાથે જ શહેરમાં કોલેરા પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા ૨૦ પર પહોંચી ગઈ છે.
મળતી માહિતી અનુસાર, શહેરમાં રોગચાળો ફાટી નીકળતા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. બેડી-ધરાનગર-૧ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરી છેલ્લા ૩ દિવસથી ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવી રહ્યો છે અને ક્લોરિન ટેબલેટનું વિતરણ કરાયું છે. દૂષિત પાણીની આશંકાએ શંકાસ્પદ જણાતા વધુ ૩ નલ જાેડાણ કાપી નાખવામાં આવ્યા છે. પાણીની મુખ્ય પાઈપલાઈન અને ભૂગર્ભ ગટરની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે.
શરૂઆતમાં માત્ર ૩ કેસ સામે આવ્યા હતા, ત્યારબાદ ૧૨ અને હવે વધુ ૫ કેસ નોંધાયા છે. જાેકે, હજુ પણ ૨૨ જેટલા શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેબમાં તપાસ હેઠળ છે. આ રિપોર્ટ આવ્યા બાદ પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં મોટો ઉછાળો આવી શકે છે તેવી શક્યતા સેવાઈ રહી છે.
શહેરમાં એકાએક રોગચાળો ફાટી નીકળવા પાછળ તંત્રની સદંતર બેદરકારી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. દૂષિત પાણી અને ગંદકીના નિકાલમાં નિષ્ફળ રહેલા તંત્રને કારણે નિર્દોષ નાગરિકો હોસ્પિટલના બિછાને પહોંચ્યા છે.




