
આજે સુરત ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની આગેવાનીમાં ખૂબ જ મોટી સંખ્યામાં સામાજિક અને રાજકીય આગેવાનો ટોપી અને ખેસ પહેરીને વિધિવત આમ આદમી પાર્ટીમાં જોડાયા. પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની સાથે સાથે શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી અને પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુક સહિત આમ આદમી પાર્ટીના આગેવાનોની ઉપસ્થિતિમાં આ તમામ આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ મહત્વપૂર્ણ અવસર પર આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી સામાન્ય લોકો માટે એક વિકલ્પ અને આશાનું કિરણ લઈને ઉભરી છે. બીજી બાજુ ભાજપનું એકચક્રી શાસન છે, ભાજપે તમામ સંસ્થાઓને ગુલામ બનાવી અને તમામ ચૂંટણીમાં ગડબડ કરીને સત્તા ટકાવી રાખી છે. એની સામે આજે કેટલાક મુઠ્ઠીભર લોકો આ તાનાશાહી સામે લડી રહ્યા છે અને આજે આમ આદમી પાર્ટી ગુજરાતના લોકોની પહેલી પસંદ બની છે. મને જણાવતા ખુશી થાય છે કે પોતાનો રાજકીય અનુભવ લઈને આજે ઘણા આગેવાનો ગુજરાતના યુવાનોને માર્ગદર્શન પૂરું પાડવા તથા ભાજપની સામે લડવા માટે આમ આદમી પાર્ટીમાં જોડાતા હોય તો એ આમ આદમી પાર્ટી માટે ખૂબ જ ગર્વ કરવાની બાબત હોય છે. અમારા માટે ખાસ ગર્વની વાત એ છે કે આજે ફિરોઝભાઈ મલેક જેઓ સુરતના જાણીતા સામાજિક કાર્યકર છે, તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. એમના એકતા ટ્રસ્ટ દ્વારા કોરોના કાળમાં સુરત શહેરની જે સેવા કરવામાં આવી એને આપણે સૌ જાણીએ છીએ. ફિરોઝભાઈ મલેક કોંગ્રેસમાં વર્ષોથી પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે, વિદ્યાર્થીકાળથી તેઓ કોંગ્રેસના અનેક અલગ અલગ પદો પર રહી ચૂક્યા છે અને પ્રદેશમાં પણ પોતાની સેવા આપી ચૂક્યા છે. અને આજે કોંગ્રેસની કંઈ પણ કામ ન કરવાની નીતિથી નારાજ થઈને ફિરોઝભાઈ મલેક આમ આદમી પાર્ટીને માર્ગદર્શન આપવા અને નેતૃત્વ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.
વધુમાં, પ્રદેશ નેતા મનોજ સોરઠીયા જણાવ્યું હતું કે, આ સિવાય દલિત સમાજના મોટા આગેવાન કિરીટભાઈ વાઘેલા આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. તેઓ પણ કોંગ્રેસમાં અલગ અલગ પદો પર ખૂબ સારી સેવા આપી છે, આજે પણ તેઓ કર્મચારીઓના અધિકારો માટે સતત લડત લડતા હોય છે. આ સિવાય મજબૂતીથી અવાજ ઉઠાવનાર અને સામાજિક કાર્યકર્તા તથા કોંગ્રેસમાં 35 વર્ષથી વધારે સમયથી સેવા આપનાર સલીમભાઈ ઘડિયાલી પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આ સિવાય કોંગ્રેસના અલગ અલગ પદો પર સેવા આપનાર સાજીદ ભાઈ જમાદાર પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. સાથે સાથે ઓબીસી સમાજના મોટા નેતા, કોંગ્રેસમાં મોટા હોદ્દા ઉપર જવાબદારી તથા સુરત કોંગ્રેસ પ્રવક્તા કલ્પેશભાઈ બારોટ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. સામાજિક કાર્યકર સાજીદભાઈ શાહ પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આ સિવાય કોંગ્રેસના ઉપપ્રમુખ અને બીજા અનેક મુદ્દાઓ પર જવાબદારી નિભાવનાર આરીફભાઈ શાહ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આ સિવાય કોંગ્રેસમાં મહિલા મોરચાના અનેક પદો પર જવાબદારી નિભાવનાર તથા મહારાષ્ટ્રીયન દલિત સમાજના મીરાબેન બાવીસકર આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. યુવા કોંગ્રેસના પદાધિકારી તરીકે ફરજ નિભાવનાર અનસભાઈ મલિક આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. કોંગ્રેસના આગેવાન મીરલભાઈ નકસીઘરા આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. સિવાય કોંગ્રેસના મહામંત્રી અને સામાજિક કાર્યકર્તા તરીકે સેવા આપનાર સમીરભાઈ શેખ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.

ત્યારબાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ તમામ આગેવાનોને ટોપી અને ખેસ પહેરાવીને વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડ્યા હતા અને ત્યારબાદ પ્રદેશ નેતા મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, સુરત શહેરમાં કોંગ્રેસના નિષ્ઠાવાન આગેવાનો અને કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, આ તમામ આગેવાનો અને કાર્યકર્તાઓનું હું આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરું છું. હું બાહેંધરી કરી આપું છું કે આ લડાઈ લોકોની લડાઈ છે એમાં તમામ લોકો સાથે મળીને ખભેથી ખભો મિલાવીને સ્થાનિક સ્વરાજની મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સરકાર બને અને સુરતના લોકો ઝંખતા હોય એવું નવું સુરત બનાવવાનું કામ અમે કરીશું. ભાજપે સુરતમાં જો કોઈ કામ કર્યું હોય તો લોકોને લૂંટવાનું કામ કર્યું છે. બ્રિજ બનાવવા જેવા અનેક સરકારી કામો અને યોજનાઓમાં ખુલ્લેઆમ આપણે ભ્રષ્ટાચાર જોઈ રહ્યા છીએ. સુરતમાં ગલી ગલીએ દારૂ અને ડ્રગ્સના અડ્ડાઓ ચાલે છે. સુરતમાં બાપ બેટાની જે સરકાર ચાલે છે, તેમાં બાપા નેતા હોય અને દીકરાઓ લૂંટવાનું કામ કરતા હોય, એની સામે અમે તમામ લોકો સાથે મળીને લડીશું અને આવનારી ચૂંટણીઓમાં ખૂબ જ સારા પરિણામો આવશે એવી મને આશા છે.




