
સિંહની ધરતી પર વાઘની એન્ટ્રી!.ગુજરાતના વધુ એક વિસ્તારમાં ટાઈગર જાેવા મળ્યો, વન વિભાગે કરી સત્તાવાર પુષ્ટિ.દાહોદ જિલ્લામાં આવેલા રતનમહાલ અભ્યારણ્યના જંગલમાં એક નર વાઘ કેમેરામાં કેદ થતાં તેના પુનરાગમનના સત્તાવાર પુરાવા મળ્યા હતા.ગુજરાતમાં વાઘની હાજરી લુપ્ત થયાના લાંબા સમય બાદ દાહોદના રતનમહાલ અભ્યારણ્ય બાદ હવે છોટા ઉદેપુરના જંગલ વિસ્તારમાં વાઘના પગલા પડ્યા હોવાનું વન વિભાગે સત્તાવાર પુષ્ટિ કરી છે. ગુજરાતના વધુ એક વિસ્તારમાં ‘ટાઈગર‘ જાેવા મળ્યો છે, ત્યારે રાજ્યના વન વિભાગ અને પર્યાવરણ પ્રેમીઓમાં ખુશીની લહેર છવાઈ છે.
ગુજરાતમાં રતનમહાલ બાદ છોટા ઉદેપુરના જંગલ વિસ્તારમાં વાઘની એન્ટ્રી થઈ હોવાનું સામે આવ્યું છે. આ મામલે છોટા ઉદેપુર વન વિભાગે જણાવ્યું હતું કે, જિલ્લાના જંગલ વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ દરમિયાન વનકર્મીઓને વાઘના પગના સ્પષ્ટ નિશાન દેખાયા છે.
છોટા ઉદેપુરના ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ અધિકારીએ જણાવ્યું હતું કે, રતનમહાલ વન્યજીવ અભ્યારણ્ય છોટા ઉદેપુરની નજીક આવેલું હોવાથી અહીં વાઘની હાજરી સંભવ છે. આ વિસ્તારમાં વાઘ જાેવા મળતાં વનકર્મી દ્વારા મોનીટરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમજ સ્થાનિકોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે.
દાહોદ જિલ્લામાં આવેલા રતનમહાલ અભ્યારણ્યના જંગલમાં એક નર વાઘ કેમેરામાં કેદ થતાં તેના પુનરાગમનના સત્તાવાર પુરાવા મળ્યા હતા. રતનમહાલના જંગલમાં લગાવેલા ટ્રેકર કેમેરામાં આ વાઘ સ્પષ્ટપણે જાેવા મળ્યો હતો. વીડિયોમાં આ નર વાઘ અભ્યારણ્યમાં બનાવવામાં આવેલા ‘બાથ ટબ‘માં આરામ ફરમાવતો જાેવા મળ્યો હતો.




