
સાયબર ફ્રોડ ગુનેગારો વિરુદ્ધનું મોટું ઓપરેશન.સીબીઆઈએ રૂપિયા ૧૦૦૦ કરોડનું કૌભાંડ ઝડપી પાડ્યુ.લોન અને નોકરીની લાલચ આપી લોકોને ઠગતી હતી ૫૮ કંપનીઓ : અનેક ફરિયાદો સામે આવ્યા બાદ કાર્યવાહી.કેન્દ્રીય તપાસ એન્જસી ((CBI)એ સાયબર ફ્રોડ ગુનેગારો વિરુદ્ધનું મોટું ઓપરેશન પાર પાડી ૧૦૦૦ કરોડનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. સીબીઆઈએ દેશ અને વિદેશી સંચાલીત થતા આ નેટવર્કનો ખુલાસો કરી ચાર વિદેશી નાગરિક સહિત ૧૭ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. એજન્સીએ ૬ રાજ્યોમાં ૨૭ ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતી, જેમાં ૫૮ કંપનીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. તપાસમાં સાયબર નેટવર્ક દ્વારા ૧૦૦૦ કરોડ રૂપિયાથી વધુની ગેરકાયદે રકમની દેશ-વિદેશમાં હેરાફેરી થઈ હોવાનું પણ સામે આવ્યું છે.
રિપોર્ટ મુજબ, આ કૌભાંડ દેશના અનેક રાજ્યોમાં ફેલાયેલું હતું અને ઓનલાઈનથી હજારો સામાન્ય નાગરિકોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. આરોપીઓ સામાન્ય નાગરિકોને ભ્રામક લોન એપ, નકલી રોકાણ યોજના, પોન્ઝી સ્કીમ, નકલી પાર્ટટાઈમ જાેબ ઓફર અને ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મથી છેતરીને રૂપિયા પડાવતા હતા.
અગાઉ સાયબર ફ્રોડની અનેક ફરિયાદો સામે આવી હતી, ત્યારબાદ સીબીઆઈએ ઊંડાણપૂર્વક તપાસ કરી પીડિતના ખાતામાંથી ઠગો પહોંચતા નાણાંનું નેટવર્ક, ગુનેગારોની ડિજિટલ નિશાની, ફ્રોડ નેટવર્ક્સ દ્વારા ઉપયોગમાં લેવાતા પેમેન્ટ ગેટવે અને માર્ચન્ટ આઈડી સહિતની તપાસ કરતા તેમાં અનેક સમાનતા જાેવા મળી હતી. ત્યારબાદ સીબીઆઈએ ઓક્ટોબર-૨૦૨૫માં સાયબર ફ્રોન મામલે ત્રણ મુખ્ય ભારતીય સાથીદારોની ધરપકડ કરી હતી. તેઓની પૂછપરછમાં અનેક ખુલાસા થયા બાદ સીબીઆઈએ તપાસ વધુ તેજ બનાવી દીધી હતી.
સીબીઆઈની તપાસ મુજબ, સાયબર ફ્રોડો લોકોને છેતરવા માટે હાઈ-ટેક ટેકનોલોજીનો ઉપયોગ કરતા હતા.તેઓ ગુગલ એડ્સ, બલ્ક SMS કેમ્પેઈન, સીમ-બોક્સથી મોકલાતા મેસેજ સિસ્ટમ, ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, અનેક મ્યૂલ બેંક એકાઉન્ટ્સનો ઉપયોગ કરતા હતા. કૌભાંડના માસ્ટર માઈન્ડોની ઓળખ છુપાયેલી રહે અને કાયદાકીય એજન્સીઓના હાથે પણ ન લાગે તે માટે સાયબર ફ્રોડો હાઈટેક યોજના પર કામ કરી રહ્યા હતા.
તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે, ‘સાયબર ફ્રોડ નેટવર્ક હેઠળ ૧૧૧ બનાવટી કંપનીઓ બનાવવામાં આવી હતી. આ કંપનીઓ નકલી ડાયરેક્ટર, દસ્તાવેજ, સરનામા હેઠળ રજિસ્ટર્ડ થયેલી હતી. એટલું જ નહીં આ બનાવટી કંપનીઓના નામે બેંક એકાઉન્ટ અને પેમેન્ટ ગેટવે મર્ચેન્ટ એકાઉન્ટ પણ ખોલવામાં આવ્યા હતા. આરોપીઓ છેતરપિંડીથી મેળવેલા નાણાંને અનેક કંપનીઓમાં ટ્રાન્સફર કરીને ડાયવર્જન કરી દેતા હતા.
સીબીઆઈએ અનેક એકાઉન્ટનું એનાલિસીસ કર્યું હતું, જેમાં અનેક ખાતાઓમાં ૧૦૦૦ કરોડ રૂપિયાથી વધુ રકમની ટ્રાન્સફર થઈ હોવાનો ખુલાસો થયો છે. આમાંથી એક બેંક એકાઉન્ટમાં ઓછામાં ઓછા ૧૫૨ કરોડ રૂપિયાથી વધુની રકમ જમા થઈ હતી.
સીબીઆઈએ ઓપરેશન હેઠળ કર્ણાટક, તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ, ઝારખંડ અને હરિયાણામાં કુલ ૨૭ ઠેકાણાઓ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં અનેક ડિજિટલ ડિવાઈસ, દસ્તાવેજાે અને નાણાંકીય રેકોર્ડ જપ્ત કરવામાં આવ્યા બાદ તેની ફોન્સિંક તપાસ કરાઈ હતી. આ તપાસમાં સામે આવ્યું કે, આ આખા સાયબર ફ્રોડ નેટવર્કને વિદેશથી ઓપરેશન કરવામાં આવતું હતું.
તપાસ દરમિયાન બે ભારતીય આરોપીઓના બેંક એકાઉન્ટના યુપીઆઈ આઈડી ઓગસ્ટ-૨૦૨૫ સુધી વિદેશી લોકેશન પર એક્ટિવ હતા.
સીબીઆઈએ ચારેય વિદેશી માસ્ટરમાઈન્ટ, તેઓના ભારતીય સાથીદારો અને ૫૮ કંપનીઓ વિરુદ્ધ અનેક કલમો હેઠળ કેસ નોંધ્યો છે. અનેક ફરિયાદો સામે આવ્યા બાદ સીબીઆઈએ ઓપરેશન ચક્ર-૫ હેઠળ આ આખું નેટવર્ક ધડપી પાડ્યું છે.




