
બાંગ્લાદેશને લઈને ભારત સરકારની મોટી કાર્યવાહી..ઢાકામાં ઈન્ડિયન વિઝા એપ્લિકેશન સેન્ટર બંધ કરવાનો ર્નિણય લેવાયો.ભારતીય વિઝા સેવાઓનું મુખ્ય કેન્દ્ર સુરક્ષાના કારણોસર બપોરે બે વાગ્યાથી તેની કામગીરી સ્થગિત કરી દેવાઈ.બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં બગડતી જતી સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે મોટો ર્નિણય લીધો છે. ઢાકા સ્થિત ભારતીય વિઝા એપ્લિકેશન સેન્ટર (IVAC)ને તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યું છે. જમુના ફ્યુચર પાર્કમાં આવેલું આ સેન્ટર ભારતીય વિઝા સેવાઓનું મુખ્ય કેન્દ્ર છે, પરંતુ સુરક્ષાના કારણોસર આજે બપોરે બે વાગ્યાથી તેની કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે.
IVAC દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, પ્રવર્તમાન સુરક્ષા સ્થિતિને જાેતા આ પગલું ભરવામાં આવ્યું છે. બુધવાર માટે જે અરજદારોની એપોઈન્ટમેન્ટ નક્કી કરવામાં આવી હતી, તેને હવે પછીની કોઈ તારીખ માટે ફરીથી શેડ્યૂલ કરવામાં આવશે. આ ર્નિણયને કારણે વિઝાની રાહ જાેઈ રહેલા હજારો બાંગ્લાદેશી નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
બાંગ્લાદેશમાં ભારતીય મિશનની આસપાસ કેટલાક ઉગ્રવાદી તત્વોની ગતિવિધિઓ વધતા ભારત સરકારે આકરું વલણ અપનાવ્યું છે. ભારતીય વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશના રાજદૂત રિયાઝ હમીદુલ્લાહને તેડું મોકલીને આ બાબતે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. ભારતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, આંતરરાષ્ટ્રીય રાજદ્વારી જવાબદારીઓ મુજબ બાંગ્લાદેશની વચગાળાની સરકારે ભારતીય મિશનો અને ત્યાં કામ કરતા અધિકારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી જાેઈએ. બાંગ્લાદેશ અને ભારતના સંબંધોમાં તણાવ ત્યારે વધુ વધ્યો જ્યારે એક દિવસ પહેલા બાંગ્લાદેશના એક સ્થાનિક નેતાએ ભારતની સુરક્ષા અને અખંડિતતા સામે સવાલ ઉઠાવ્યા હતા. આ નેતાએ ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યો (સેવન સિસ્ટર્સ)ને અલગ-થલગ કરવાની ઉશ્કેરણીજનક ધમકી આપી હતી. આ નિવેદન બાદ ભારતીય રાજદ્વારી મિશનો પર હુમલાનો ખતરો વધી ગયો છે, જેને પગલે સાવચેતીના ભાગરૂપે વિઝા સેન્ટર બંધ રાખવાનો ર્નિણય લેવાયો છે.




