(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
ચૂંટણી પંચ (Election Commission) ધ્વારા મતદાર યાદીમાં નામ નોંધાવવા માંગતા નવા અરજદારો માટે એક મહત્વપૂર્ણ નિર્દેશ જાહેર કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચના અધિકારીઓના જણાવ્યા અનુસાર હવેથી મતદાર યાદીમાં નામ સામેલ કરવા માટે ફોર્મ-૬ (FORM-6) સબમિટ કરવાની સાથે જ અરજદારોએ તેમના માતા- પિતાની “સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન” (એટલેકે SIR) ની વિગતો આપવી ફરજિયાત રહેશે.
અહી રસપ્રદ વાત એ છે કે, આ નવી જોગવાઈ માટે મુખ્ય કાયદાકીય ફોર્મ-૬ માં કોઈ સુધારો કરવામાં આવ્યો નથી. પરંતુ વહીવટી સૂચનાઓ ધ્વારા જ આ ડિકલેરેશન જોડવામાં આવ્યું છે. ચૂંટણી પંચના એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપતા જણાવ્યુ છે કે, જો કોઈ વ્યક્તિ ઓનલાઈન પોર્ટલ પર જઈને ફોર્મ-૬ ભરે છે, તો જ્યાં સુધી તે આ નવી ડિકલેરેશન કોલમમાં માતા-પિતાની SIR વિગતો નહીં ભરે ત્યાં સુધી સિસ્ટમમાં એપ્લીકેશન પ્રક્રિયા આગળ વધશે નહીં.
જ્યારે પશ્ચિમ બંગાળના નંદીગ્રામ સહિતના વિસ્તારોમાં લઘુમતી મતો મોટા પાયે કાઢી નાંખવામાં આવ્યા હોવાના આક્ષેપો અંગે પ્રતિક્રિયા આપતા ચૂંટણી પંચના અધિકારીઓએ જણાવ્યુ હતું કે, આ આક્ષેપો પાયાવિહોણા છે. મતદારયાદીમાંથી નામ બાકાત રાખવા સામે પડકાર ફેંકવા માટે તમામ મતદારોને પૂરતી તકો આપવામાં આવી હતી. અને આ પ્રક્રિયામાં કોઈપણ પ્રકારનો પક્ષપાત રાખવામાં આવ્યો નથી. એટલું જ નહીં હવે આ નવા નિયમથી પ્રથમ વખતના યુવા મતદારો માટે માતા-પિતાના જૂના ચૂંટણી રેકોર્ડ શોધવાની કસરત વધશે એ નક્કી છે.





