
અમારી વિચારધારા એક જ છે : ઉદ્ધવ ઠાકરે.૨૦ વર્ષ બાદ એક સાથે આવ્યા ઠાકરે બંધુઓ, BMC ચૂંટણી ગઠબંધનમાં લડવા કરી જાહેરાત.મુંબઈ અમારા ઝઘડાથી મોટું છે, આજે અમે બંને ભાઈ સાથે છીએ : સીટોની વહેંચણી પણ મહત્ત્વની નથી : મેયર મરાઠી હશે અને તે અમારો હશે : રાજ ઠાકરે.બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (મ્સ્ઝ્ર)ની ચૂંટણી આવતા મહારાષ્ટ્રના રાજકારણમાં પણ ગરમાવો આવી જાય છે. આ ચૂંટણીમાં ૨૦ વર્ષ પછી ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એકસાથે જાેવા મળી રહ્યા છે. શિવસેના (ઉદ્ધવ જૂથ) અને રાજ ઠાકરેની (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના)એ જાહેર કર્યું છે કે, હવે તેઓ મહારાષ્ટ્રની ૨૯ મહા નગરપાલિકાની ચૂંટણી સાથે મળીને લડશે. આ જાહેરાત પહેલા પરિવારજનોએ બંને ભાઈની એકસાથે આરતી ઉતારીને શુભેચ્છાઓ આપી હતી. આ દરમિયાન મુંબઈમાં એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ આ ગઠબંધનની સત્તાવાર જાહેરાત કરી હતી. સૂત્રોના જણાવ્યાનુસાર, બંને પક્ષે બીએમસીની કુલ ૨૨૭ બેઠકની વહેંચણી પર પણ આખરી મહોર મારી દીધી છે.
સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ આ ગઠબંધનની સત્તાવાર જાહેરાત કરી હતી. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, મહારાષ્ટ્રનું નેતૃત્વ ફક્ત ઠાકરે જ કરી શકે. મહારાષ્ટ્રના આંદોલનમાં ૧૦૭ લોકોના મોત થયા હતા. તે આંદોલનની આગેવાની અમારા દાદાએ કરી હતી. મારા અને રાજ ઠાકરેના પિતા પણ તે આંદોલનમાં સામેલ હતા. મરાઠીઓના અધિકાર માટે શિવસેનાની સ્થાપના થઈ હતી. અમે દિલ્હીમાં બેઠેલા લોકોને રોકવા સાથે આવ્યા છીએ. અમારી વિચારધારા એક જ છે. અમને મરાઠીઓના બલિદાન યાદ છે. આ વખતે અમારે તૂટવાનું નથી. જાે એવું થયું તો તે બલિદાનોનું અપમાન ગણાશે.
આ દરમિયાન રાજ ઠાકરેએ કહ્યું કે, મુંબઈ અમારા ઝઘડાથી મોટું છે. આજે અમે બંને ભાઈ સાથે છીએ. સીટોની વહેંચણી પણ મહત્ત્વની નથી. મુંબઈનો મેયર મરાઠી હશે અને તે અમારો હશે.
સૂત્રોના જણાવ્યાનુસાર, બીએમસની ચૂંટણી માટે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે વચ્ચે સંમતિ સધાઈ ગઈ છે. એવું કહેવાય છે કે, બીએમસીની કુલ ૨૨૭ બેઠક છે, જે પૈકી શિવસેના (ઉદ્ધવ જૂથ) ૧૪૫-૧૫૦ અને રાજ ઠાકરેની મનસે ૬૫-૭૦ બેઠક ચૂંટણી લડી શકે છે. હાલમાં જ મહારાષ્ટ્રની સ્થાનિક એકમની ચૂંટણીમાં ભાજપ, શિવસેના (શિંદે જૂથ) અને એનસીપીના ગઠબંધન હેઠળની મહાયુતિ સામે કારમા પરાજયનો સામનો કર્યા બાદ ઠાકરે બંધુઓએ એક થવાનો ર્નિણય કર્યો હતો.
ઉદ્ધવ ઠાકરેની શિવેસના ગત બીએમસી ચૂંટણીમાં જીતેલી ૮૪ પૈકી ૧૨-૧૫ બેઠક મનસેને આપવા તૈયાર હતી, પરંતુ કેટલીક પ્રતિષ્ઠાભરી બેઠકો પર કોયડો ગૂંચવાયો હતો, જે હવે ઉકેલાઈ ગયો હોવાનું મનાય છે.
આ ગઠબંધન પાછળ લાંબી ચર્ચાનો દોર ચાલ્યો હતો. શિવસેના (ઉદ્ધવ જૂથ)ના સાંસદ સંજય રાઉત રાજ ઠાકરેના નિવાસસ્થાન શિવતીર્થ જઈને મળ્યા હતા. આ બેઠક પછી રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતાઓ પણ ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રી પહોંચ્યા હતા, જ્યાં તેમણે એક થવાના ર્નિણય પર અંતિમ મહોર મારી હતી.
નોંધનીય છે કે, આ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં મંચ પર ઉદ્ધવ ઠાકરે સાથે તેમના પુત્ર આદિત્ય ઠાકરે અને રાજ ઠાકરે સાથે તેમના પુત્ર અમિત ઠાકરે પણ હાજર હતા.
મહારાષ્ટ્રની ૨૨૮ નગર પરિષદો અને પંચાયતોની ચૂંટણીમાં ભાજપ, શિવસેના (શિંદે જૂથ) અને એનસીપી (અજિત પવાર જૂથ)ની મહાયુતિએ ૨૨ ડિસેમ્બરે જાેરદાર જીત હાંસલ કરી હતી. આ ચૂંટણીમાં મહાયુતિએ ૨૦૭ અધ્યક્ષ પદ જીત્યા હતા, જ્યારે ભાજપ એકલા હાથે ૧૧૭ બેઠક પર જીત હાંસલ કરીને સૌથી મોટો પક્ષ બન્યો હતો.
આ ચૂંટણીમાં શિવસેના (ઉદ્ધવ જૂથ) અને એનસીપી (શરદ પવાર જૂથ)નું મહાવિકાસ અઘાડી ગઠબંધન માંડ ૪૪ બેઠક જીત્યું હતું.
આ પહેલા બીએમસીની છેલ્લી ચૂંટણી ૨૦૧૭માં થઈ હતી. એ વખતે ૨૨૭ બેઠકો પૈકી શિવસેનાએ સૌથી વધુ ૮૪ અને ભાજપે ૮૨ બેઠક પર જીત હાંસલ કરી હતી. તો કોંગ્રેસે ૩૧ અને મનસેએ ફક્ત ૭ બેઠક જીતી હતી.




