
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે રવિવારે દિલ્હીના જંતર મંતર પર વિશાળ રેલી કરીને દેશને સંબોધિત કર્યું. તેમણે કહ્યું કે 140 કરોડ લોકો મળીને દેશમાંથી તાનાશાહ સરકાર ઉખાડી ફેંકશે. આ લોકો સત્તાની રાજનીતિ કરે અને અમે જનતા માટે કામ કરીશું. આજથી આ બદલાવની ગણતરી શરૂ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે મોદીજી કહેતા રહ્યાં કે દિલ્હીવાળાઓનો ’દીકરો’ ભ્રષ્ટ છે, પરંતુ કોર્ટએ સાફ કરી દીધું કે કેજરીવાલ કટ્ટર ઈમાનદાર હતો, છે અને રહેશે. કોંગ્રેસના ભ્રષ્ટાચારથી કંટાળી લોકોએ મોટી આશાઓ સાથે મોદીજીને પૂર્ણ બહુમત આપ્યો. આજે દેશના દરેક ક્ષેત્ર બરબાદ છે. આ દરમિયાન દિલ્હી, પંજાબ, ગુજરાત, ગોવા સહિત વિવિધ રાજ્યોમાંથી આવેલા ‘આપ’ના નેતાઓ, કાર્યકરો અને હજારો સામાન્ય લોકોએ ‘પઢા-લીખા દમદાર હૈ, મેરા કેજરીવાલ કટ્ટર ઈમાનદાર હૈ’ ના જોરદાર નારા લગાવ્યા.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે છેલ્લા ચાર વર્ષથી પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહે ષડયંત્ર રચી દિલ્હીના લોકોને ઘણાં હેરાન અને દુઃખી કર્યા. તેમણે કહ્યું કે કેજરીવાલ ચોર છે, ભ્રષ્ટ છે, કેજરીવાલે દારૂ ઘોટાળો કર્યો છે, કેજરીવાલ 100 કરોડ ખાઈ ગયો. દિવસભર મીડિયા પર ચર્ચા ચાલતી હતી. દિલ્હીના લોકોને ખૂબ દુઃખી કરવામાં આવ્યા. જજ સાહેબે નિર્ણય આપ્યો છે કે મોદીજી ખોટું બોલી રહ્યા છે, કેજરીવાલ કટ્ટર ઈમાનદાર છે. આખો કેસ ફર્જી છે, કોઈ પુરાવો નથી. તેમણે કહ્યું કે સદીઓ પછી આવો નિર્ણય આવ્યો છે. મોદીજી અને અમિત શાહે આમ આદમી પાર્ટીને ખતમ કરવા માટે આખા કેસને વ્યક્તિગત રીતે મોનીટર કર્યો હતો કે કેજરીવાલ, મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, સંજય સિંહ છૂટવા ન જોઈએ. કોર્ટનો આ નિર્ણય મોદીજી, અમિત શાહ અને ભાજપના ગાલ પર જોરદાર તમાચો છે.
અરવિંદ કેજરીવાલે આગળ કહ્યું કે હું મારા દેશને ખૂબ પ્રેમ કરું છું. જ્યારે હું આઈઆઈટીમાં ભણતો હતો ત્યારે મને ખૂબ સારા ગુણ મળ્યા. હું ઈચ્છું તો નોકરી માટે અમેરિકા જઈ શકતો હતો. મારા ઘણા મિત્રો વિદેશ ગયા છે. પરંતુ તે સમયે મારા મનમાં વિચાર આવ્યો કે દેશની સ્થિતિ ખૂબ ખરાબ છે. જો મોટી સંસ્થાઓમાંથી ભણીને બધા લોકો વિદેશ જતા રહેશે તો આપણા દેશને કોણ સંભાળશે, કોણ સુધારશે? હું અમેરિકા ગયો નહીં. હું મારા દેશમાં રહ્યો અને ઈનકમ ટેક્સ વિભાગમાં આસિસ્ટન્ટ કમિશ્નર તરીકે નોકરી કરવા લાગ્યો. એક ઘટનાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે એક સી.એ. મારી પાસે આવ્યો અને પોતાનો કેસ કરાવ્યો અને કહ્યું કે સેવા કહો. બોલ્યો કે કેટલા પૈસા લાગશે? મેં કહ્યું કે હું લાંચ લેતો નથી. તેણે કહ્યું કે તમારા નામે પૈસા લાવ્યો છું, નહીં લેશો તો હું જ રાખી લઈશ.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે ધીમે ધીમે આખા વિભાગમાં ફેલાઈ ગયું કે કેજરીવાલ કટ્ટર ઈમાનદાર છે. એક પૈસો પણ લેતા નથી. આખા વિભાગના લોકો મારી ઈમાનદારીની કસમ ખાતા હતા. પછી કિસ્મતે મને દિલ્હીનો મુખ્યમંત્રી બનાવી દીધો. 10 વર્ષ દિલ્હીનો મુખ્યમંત્રી રહ્યો. ખબર નહીં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મને કેમ નફરત કરે છે? મેં તેમનું શું બગાડ્યું? છતાં પણ મોદીજીએ મારી સામે કેટલીય તપાસો કરાવી. પરંતુ 10 વર્ષમાં એક રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર મળ્યો નહીં. આ 10 વર્ષમાં કેટલીય ફાઈલો પર સહી કરી. કોઈ એક કોન્ટ્રાક્ટર ઉભો થઈને કહી દે કે કેજરીવાલે પૈસા માંગ્યા હતા, તો હું રાજનીતિ છોડી દઈશ. મેં જીવનમાં માત્ર ઈમાનદારી કમાઈ છે. કારણ કે હું ભારતને ખૂબ પ્રેમ કરું છું. જ્યારે કોઈ દેશ સાથે ગદ્દારી કરે છે અને અપમાન કરે છે ત્યારે લોહી ઉકળી ઊઠે છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે કોંગ્રેસની સરકાર દરમિયાન ટુ જી, કોમનવેલ્થ, કોલસા સહિતના ઘોટાળાઓથી લોકો પરેશાન થઈ ગયા હતા. 2014માં કોંગ્રેસના ભ્રષ્ટાચારથી કંટાળી લોકો મોટી આશાઓ સાથે મોદીજીની પૂર્ણ બહુમતની સરકાર બનાવી. લોકોને મોટી આશા હતી કે હવે દેશ બદલાશે, મોદીજી કંઈક કરશે. મોદીજીને પ્રધાનમંત્રી બન્યા 12 વર્ષ થઈ ગયા, પરંતુ જનતાને કંઈ મળ્યું નથી. લોકોનું જીવન સુધર્યું નથી. સારા રસ્તાઓ નથી, પીવાનું પાણી નથી, સીવર નથી, 24 કલાક વીજળી નથી, હવામાં પ્રદૂષણ છે. આ 12 વર્ષમાં આ લોકોએ દેશને બરબાદ કરી નાખ્યો. દેશની એરલાઇન, રેલવે, બેન્ક, શાળા, હોસ્પિટલ સહિત દરેક ક્ષેત્ર બરબાદ છે. 12 વર્ષમાં દેશને બરબાદ કરી દીધો.
અરવિંદ કેજરીવાલે એક બાળકનું ઉદાહરણ આપતાં કહ્યું કે છેલ્લા 12 વર્ષથી મોદીજી દરરોજ પરીક્ષા પર ચર્ચા કરે છે. મેં તેમની બધી ચર્ચાઓ સાંભળી છે. જ્યારે હું મોટો થયો અને સ્પર્ધાત્મક પરીક્ષા આપવા ગયો તો ખબર પડી કે પેપર લીક થઈ ગયું. મોદીજીએ પરીક્ષા પર ચર્ચાની નૌટંકી બંધ કરવી જોઈએ. તેમને માત્ર નૌટંકી કરતા આવડે છે. આખા દેશમાં પેપર લીક થઈ રહ્યા છે, બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે અને મોદીજી ચર્ચા કરી રહ્યા છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે દુબઈ, અમેરિકા, ટોક્યો, જર્મની, ફ્રાન્સ સહિત અન્ય દેશોના રસ્તા ખૂબ જ સારા છે. ગાડીઓ 130 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડે છે, પરંતુ ગુજરાતમાં 30 કિમીની ઝડપે ગાડીઓ દોડે છે. રાજકોટથી જુનાગઢ 104 કિમી છે. આટલું અંતર કાપવામાં 4 કલાક લાગી જાય છે. કારણ કે રસ્તાઓમાં ખાડા જ ખાડા છે. દુનિયા ચંદ્ર પર પહોંચી ગઈ, પરંતુ 12 વર્ષમાં મોદીજી રસ્તાઓના ખાડા નથી ભરી શક્યા, સીવરનાં ઢાંકણાં નથી લગાવી શક્યા. લંડન, ટોક્યો, પેરિસ, ન્યૂયોર્ક જેવા શહેરો ખૂબ સ્વચ્છ છે. શ્રીલંકા, ભૂટાન, મલેશિયા, રાવાંડા, વિયેતનામ જેવા ગરીબ દેશો પણ સ્વચ્છ છે. મોદીજી 12 વર્ષમાં દેશની સફાઈ કરી શક્યા નથી, શરમની વાત છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે 2014 સુધી બેઇજિંગમાં ભારત કરતાં વધુ પ્રદૂષણ હતું, પરંતુ 12 વર્ષમાં બેઇજિંગે પોતાનું પ્રદૂષણ દૂર કરી દીધું. આજે આખા ઉત્તર ભારતમાં શ્વાસ લેવો મુશ્કેલ છે. મોદી સરકાર પ્રદૂષણ દૂર કરી શકી નથી. તેઓ કહે છે કે વિકસિત ભારત બનાવશું. વિકસિત ભારત છોડો, રહેવા લાયક ભારત બનાવી દો. ઓછામાં ઓછું લોકો શ્વાસ તો લઈ શકે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે મોદીજી કહે છે કે કેજરીવાલ ભ્રષ્ટ છે, પરંતુ કોર્ટે કહી દીધું કે કેજરીવાલ કટ્ટર ઈમાનદાર છે. મોદીજી ભ્રષ્ટાચાર ખતમ કરવા માંગે છે અને હિંમત હોય તો કાર્યવાહી કરીને બતાવે. ગુજરાતમાં 20 હજાર કરોડ રૂપિયાનું કોકેન-હેરોઇન ઝડપાયું. મોદીજીમાં હિંમત હોય તો તેમના પર કાર્યવાહી કરે. ગુજરાતમાં દર વર્ષે 30 હજાર કરોડ રૂપિયાનો નકલી દારૂ વેચાય છે, બંધ કરીને બતાવે. એક મિત્રને હજારો કરોડોની કિંમતની એક હજાર એકર જમીન એક રૂપિયામાં આપી દીધી. હિંમત હોય તો કાર્યવાહી કરે. મોદીજી પુલોનું ઉદ્ઘાટન કરે છે, એક મહિનામાં જ પુલ તૂટી જાય છે, રસ્તાઓ તૂટી જાય છે. હિંમત હોય તો ત્યાં કાર્યવાહી કરે. દેશભરમાં પેપર લીક થઈ રહ્યા છે, ત્યાં કાર્યવાહી કરે. પરંતુ મોદીજી ત્યાં કાર્યવાહી નહીં કરે. કારણ કે તેઓ પોતે અથવા તેમની પાર્ટીના લોકો અથવા તેમના મિત્રો તેમાં સામેલ છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભ્રષ્ટ હું નથી, મોદીજી પોતે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. પરંતુ તેઓ ખરેખર ભ્રષ્ટાચાર કરનારાઓને જેલમાં નહીં નાખે, પરંતુ સોનમ વાંગચુક, મેહરાજ મલિક, નરેશ બાલ્યાન, કેજરીવાલ, મનીષ સિસોદિયા, સંજય સિંહને જેલમાં નાખશે. સોનમ વાંગચુક મોટા વૈજ્ઞાનિક છે. તેમને પદ્મશ્રી, પદ્મભૂષણ મળવું જોઈએ. બાળકોના શિક્ષણ માટે ઘણું કામ કર્યું છે. પરંતુ મોદીજીએ તેમને જેલમાં નાખ્યા. તેઓ સોનમ વાંગચુકથી ડરે છે. જ્યારે કોઈ તાનાશાહ ભણેલા વૈજ્ઞાનિકોથી ડરવા લાગે તો સમજવું કે તેનો અંત નજીક છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે મોદીજી અને અમિત શાહે મારી ધરપકડ કરીને મોટો સંદેશ આપ્યો છે. સંદેશ આપ્યો કે સરકારમાં કોઈ ઈમાનદારીથી કામ કરશે તો તેનો કેજરીવાલ જેવો હાલ કરશે. આમ આદમી પાર્ટીએ સામાન્ય લોકોને ટિકિટ આપી. દેશના યુવાનો પોતાની નોકરી છોડી રાજનીતિમાં આવ્યા. બધાને લાગ્યું કે મળીને દેશ બદલશું. પરંતુ યુવાનોને સંદેશ અપાયો કે રાજનીતિમાં આવ્યા તો કેજરીવાલ જેવો હાલ થશે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે દેશમાંથી આશા ખતમ થઈ રહી હતી. દિલ્હીમાં ‘આપ’ની સરકાર આવી અને દેશને આશા આપી. ‘આપ’ સરકારે શાળા, હોસ્પિટલ, વીજળી, પાણી, સડકો સુધારી. 140 કરોડ લોકોને આશા આપી કે દેશ સુધરી શકે છે. પરંતુ મોદીજીએ કેજરીવાલની ધરપકડ કરીને 140 કરોડ લોકોની આશા તોડી.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે એક વર્ષ પહેલા દિલ્હીમાં ભાજપની સરકાર બની. આ એક વર્ષમાં હજારો લોકો પીડિત થયા. 11 નવેમ્બર 2024એ બિજેન્દ્ર ગુપ્તાએ ટ્વીટ કર્યું હતું કે ભાજપની સરકાર બનતાં 60 દિવસમાં બસ માર્શલોને નિયમિત કરી દેવાશે. એક વર્ષ થઈ ગયું, એક પણ બસ માર્શલ નિયમિત થયા નથી. પ્રધાનમંત્રી, ગૃહમંત્રી, ભાજપ, બિજેન્દ્ર ગુપ્તા છેતરપિંડીયા છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે 8 માર્ચ 2025થી દરેક મહિલાના ખાતામાં 2500 રૂપિયા આવશે, પરંતુ આવ્યા નથી. જો દેશનો પ્રધાનમંત્રી જ ખોટું બોલે તો દેશની પ્રગતિ કેવી રીતે થશે?
અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભાજપ સરકારે 10 હજાર બસ માર્શલોને કાઢી મૂક્યા. હજારો ડીટીસી ડ્રાઈવર, કંડક્ટરોને કાઢી મૂક્યા. મહોલ્લા ક્લિનિકના કર્મચારીઓને કાઢી મૂક્યા. હોસ્પિટલના ડેટા એન્ટ્રી ઓપરેટરોને કાઢી મૂક્યા. મોંઘવારીમાં નોકરી મળવી મુશ્કેલ છે. નોકરી આપી શકો તો આપો, પરંતુ નોકરી ન છીનવો. દિલ્હીની હાલત ખરાબ છે. રસ્તાઓ તૂટેલા છે, ગંદકી છે, કાળુ પાણી આવી રહ્યું છે, લાંબા પાવર કટ લાગી રહ્યા છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે કેટલાક લોકો કહે છે કે મોદીજી દેશ સંભાળી શકતા નથી. મારા મત મુજબ તેમને દેશ ચલાવવામાં કોઈ રસ નથી. તેમને માત્ર સત્તાની લાલસા છે.
અરવિંદ કેજરીવાલે આગળ કહ્યું કે મોદીજી સત્તા માટે વિવિધ ષડયંત્ર રચે છે. એસઆઈઆર, મતદાર યાદીમાંથી નામ કાપવા-ઉમેરવા, પૈસા-સાડીઓ વહેંચવા—જે કરવું પડે તે કરે, પરંતુ તેમને ફક્ત સત્તા જોઈએ છે. 4 એપ્રિલ 2011એ જંતર મંતર પરથી કોંગ્રેસનો સફાયો થયો હતો. આજે 1 માર્ચ 2026થી ભાજપની ઉલટી ગણતરી શરૂ થઈ ગઈ છે.




