
ચીનથી લઈને જાપાન સુધી આંચકા અનુભવાયા.તાઇવાનમાં ૬.૧ની તીવ્રતાનો ભયંકર ભૂકંપ.લોકો ધરતીકંપથી ડરી ઘરની બહાર નીકળી ગયા હતા.દક્ષિણપૂર્વ તાઇવાનમાં મોટો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આજે (૨૪ ડિસેમ્બર)ની સાંજે ત્યાંના સ્થાનિક સમય અનુસાર ૫:૪૭ કલાકે ધરતી ધણધણી ઉઠી હતી. લોકો ડરી ઘરની બહાર નીકળી ગયા હતા. રિએક્ટર સ્કેલ ભૂકંપની તીવ્રતા ૬.૧ નોંધાઈ હતી. તેના ઝટકા ચીન, ફિલિપાઇન્સ અને જાપાન સુધી અનુભવાયા છે. સદનસીબે કોઈ જાનમાલને નુકસાન થયું નથી.
તાઇવાનના કેન્દ્રીય મૌસમ પ્રશાસન (CWA) અનુસાર ભૂકંપનું કેન્દ્ર તાઈતુંગ કાઉન્ટી હોલથી ૧૦.૧ કિલોમીટર ઉત્તરમાં હતું, જેની ઊંડાઈ ૧૧.૯ કિલોમીટર હતી. અને તીવ્રતા ૬.૧ હતી. તાઇવાનમાં ભૂકંપની તીવ્રતા ૧ થી ૭ના સ્તર પર માપવામાં આવે છે. તાઇતુંગ કાઉન્ટીમાં સ્તર ૫ નોંધાયું હતું. જ્યારે હુઆલિયન અને પિંગતુંગ કાઉન્ટીમાં સ્તર ૪ના ભૂકંપનો અનુભવ થયો હતો.
મહત્વનું છે કે એક વર્ષ પહેલા ૩ એપ્રિલ, ૨૦૨૪ના રોજ તાઇવાનના હુઆલિયન પ્રદેશમાં ૭.૪ની તીવ્રતાનો વિનાશકારી ભૂકંપ આવ્યો હતો. તે છેલ્લા ૨૫ વર્ષમાં સૌથી શક્તિશાળી ભૂકંપ હતો. જેમાં પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલન થતાં ૧૯ લોકોના મોત થયા હતા તો ૧૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા.




