Food News : ઢોકળા એ એક ખૂબ જ ફેમસ ગુજરાતી ફૂડ છે, જે સ્વાદમાં ખાટા-મીઠા હોય છે. ઢોકળાની તમને ઘણી વેરાયટીઓ સરળતાથી મળી જશે જેમકે- ચોખાના ઢોકળા, દાળના ઢોકળા અને સોજીના ઢોકળા વગેરે. પરંતુ શું તમે ક્યારેય તંદૂરી ઢોકળાનો સ્વાદ ચાખ્યો છે? જો નહીં તો આજે અમે તમારા માટે તંદૂરી ઢોકળા બનાવવાની રેસિપી લઈને આવ્યા છીએ. ઢોકળા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. આ સાથે તે હળવા હોવાથી સરળતાથી પચી પણ જાય છે. તેને તમે સવારના નાસ્તામાં કે સાંજના નાસ્તામાં ઝટપટ બનાવીને ખાઈ શકો છો, તો ચાલો જાણીએ કેવી રીતે બનાવવા તંદૂરી ઢોકળા…
તંદૂરી ઢોકળા બનાવવા માટેની સામગ્રી
- 1 કપ ચણાનો લોટ
- 1 ચમચી આદુની પેસ્ટ
- 1/2 ચમચી ઈનો (ફ્રુટ સોલ્ટ)
- 1 ચમચી રાઈ
- 2 ચમચી વનસ્પતિ તેલ
- 1/2 ચમચી લાલ મરચું પાવડર
- 1/2 ચમચી હળદર
- 1/2 કપ દહીં
- 1 ચમચી તંદૂરી મસાલો
- લીમડો
- મીઠું જરૂર મુજબ
બનાવવાની રીત
સૌથી પહેલા એક તપેલી લો અને તેમાં ચણાનો લોટ, હળદર, આદુની પેસ્ટ, દહીં, ફ્રુટ સોલ્ટ, 1/2 ચમચી તંદૂરી મસાલો, લાલ મરચું પાવડર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીને જરૂર મુજબ પાણી ઉમેરો અને બરાબર મિક્સ કરીને જાડું બેટર તૈયાર કરી લો.
હવે એક ગોળાકાર પ્લેટને થોડા તેલ વડે ગ્રીસ કરી લો અને તેમાં બેટર નાખી દો. ત્યાર બાદ તેને સ્ટીમરમાં મૂકો, ઢાંકીને 10-12 મિનિટ માટે સ્ટીમ કરો. બરાબર થઈ જાય એટલે તેને બહાર કાઢો અને ઠંડા થવા દો.
તંદૂરી ઢોકળાને કાપીને પ્લેટમાં રાખી લો. હવે તડકો લગાવવા (ટેમ્પરિંગ) માટે એક કડાઈમાં તેલ ગરમ કરો, તેમાં લીમડો, રાઈ નાખો અને તેને એક-બે મિનિટ માટે તડતડવા દો. આ તડકાને ઢોકળાના ક્યુબ્સ પર રેડો. છેલ્લે ઉપર 1/2 ચમચી તંદૂરી મસાલો છાંટો.
તંદૂરી ઢોકળાને તળેલા લીલા મરચાં, આમલીની ચટણી અથવા તમારી પસંદગીની કોઈપણ ચટણીની સાથે ખાઓ.