
ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ સાથે દરોડા.સુરતમાં નકલી ઘી બનાવતા એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો.આ દરોડામાં પોલીસે અંદાજે ૩૧૯ કિલોગ્રામ નકલી ઘી તથા ૮૫૬ કિલોગ્રામ વેજીટેબલ અને સોયાબીન તેલ જપ્ત કર્યું છે.સુરતમાં નકલી ઘી બનાવતા એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. ફૂડ એન્ડ સેફ્ટી વિભાગને સાથે રાખીને પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા. જેમાં સ્થળ પર જ ચોંકાવનારા ખુલાસાઓ થયા છે.
દેશભરમાં સ્વચ્છતા માટે નામના મેળવનાર અને “સુપર સ્વચ્છ લીગ”માં સ્થાન પામનાર સુરત શહેરમાં ખાદ્ય ભેળસેળનો એક વધુ ગંભીર અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના છેવાડે આવેલા લસકાણા વિસ્તારમાં તબેલાની આડમાં ધમધમતું નકલી ઘી બનાવવાનું કારખાનું પોલીસ અને ફૂડ એન્ડ સેફ્ટી વિભાગની સંયુક્ત કાર્યવાહીથી પકડાયું છે.
આ દરોડામાં પોલીસે અંદાજે ૩૧૯ કિલોગ્રામ નકલી ઘી તથા ૮૫૬ કિલોગ્રામ વેજીટેબલ અને સોયાબીન તેલ જપ્ત કર્યું છે. આ સાથે નકલી ઘી બનાવનાર એક શખસની ધરપકડ કરવામાં આવી છે. જુલાઈ ૨૦૨૫માં જાહેર થયેલા સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૪માં સુરત શહેરને સુપર સ્વચ્છ લીગ (નવી કેટેગરી)માં દેશભરમાં બીજાે ક્રમ મળ્યો હતો. પરંતુ આ સફળતાની વચ્ચે સતત સામે આવતાં નકલી ખાદ્યપદાર્થોના કિસ્સાઓએ શહેરની છબી પર સવાલો ઊભા કર્યા છે.
નકલી ઘી, નકલી દૂધ અને ભેળસેળયુક્ત ખોરાક લોકોના આરોગ્ય માટે મોટું જાેખમ બની રહ્યો છે. સમગ્ર મામલે લસકાણા પોલીસને ચોક્કસ ગુપ્ત બાતમી મળી હતી કે લસકાણા ગામમાં આહીર સમાજની વાડી પાછળ આવેલા પીઠાભાઈના તબેલામાં એક દુકાનમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળયુક્ત ઘી બનાવવામાં આવી રહ્યું છે.
આ માહિતી ગંભીર હોવાને કારણે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના અધિકારીઓને સાથે રાખીને સંયુક્ત દરોડો પાડ્યો. દરોડા દરમિયાન તબેલાનીઅંદરથી મોટા પ્રમાણમાં તેલ, ઘી જેવો દેખાવ આપતું મિશ્રણ, ડબ્બા, પાત્રો અને અન્ય સાધનો મળી આવ્યા હતા. તપાસમાં ખુલ્યું કે અહીં તૈયાર થતું ઘી બજારમાં રૂ.૧૨૦૦ પ્રતિ કિલોના શુદ્ધ ઘીના નામે માત્ર રૂ.૩૦૦માં વેચવામાં આવતું હતું. જેથી સામાન્ય ગ્રાહકો સરળતાથી છેતરાતા હતા.ઝડપાયેલ આરોપીનું નામ અલ્પેશ ઈશ્વરભાઈ સાંથલીયા હોવાનું સામે આવ્યું છે. તેની ઉંમર ૩૦ વર્ષ છે અને તે કામરેજ ચાર રસ્તા પાસે આવેલ સાઈનાથ સોસાયટીમાં રહે છે. આરોપી વધુ નફાની લાલચમાં અત્યંત જાેખમી રીત અપનાવી રહ્યો હતો. તે વેજીટેબલ ઓઈલ અને સોયાબીન ઓઈલને ભેળવી તેમાં ઘી જેવી સુગંધ માટે ખાસ પ્રકારનું કેમિકલ એસેન્સ ઉમેરતો હતો.તબેલામાં થોડા પ્રમાણમાં બનતું ઓરિજનલ ઘી પણ આ મિશ્રણમાં ઉમેરીને આખા મિશ્રણને ગરમ કરવામાં આવતું, જેથી તે દેખાવમાં અને સુગંધમાં સાચા ઘી જેવું લાગે. બાદમાં આ નકલી ઘી બજારમાં સપ્લાય કરવામાં આવતું.
ફૂડ એન્ડ સેફ્ટી અધિકારીઓએ જણાવ્યું કે આવા પ્રકારનું ભેળસેળયુક્ત ઘી લાંબા સમય સુધી સેવન કરવાથી યકૃત (લિવર), હૃદય, કિડની અને પાચનતંત્રને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે આ પ્રકારના ખાદ્ય પદાર્થો અત્યંત જાેખમી છે.
પોલીસે સ્થળ પરથી મળેલ તમામ મુદ્દામાલ જપ્ત કરી લીધો છે અને આરોપી સામે ખાદ્ય સલામતી અધિનિયમ સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ નકલી ઘી ક્યાં-ક્યાં સપ્લાય કરવામાં આવતું હતું તેની તપાસ શરૂ કરવામાં આવી છે. સંભાવના છે કે આ રેકેટ પાછળ વધુ લોકો સંડોવાયેલા હોઈ શકે.સુરતમાં વારંવાર સામે આવી રહેલા નકલી ખોરાકના કિસ્સાઓ તંત્ર માટે આ એક મોટી ચેતવણી સમાન છે. પોલીસ અને ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ અજાણ્યા સ્ત્રોતમાંથી સસ્તા ભાવે મળતા ખાદ્ય પદાર્થો ખરીદતા પહેલા સાવચેત રહે અને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક જાણ કરે. સ્વચ્છતામાં આગવું સ્થાન ધરાવતું સુરત જાે ખાદ્ય ભેળસેળનું હબ બની જશે, તો તે નાગરિકોના આરોગ્ય અને શહેરની પ્રતિષ્ઠા બંને માટે ઘાતક સાબિત થઈ શકે છે.




