
શિક્ષણની કામગીરીમાંથી છૂટછાટ આપવા માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.શિક્ષણ સમિતિના BLO શિક્ષકો ફેબ્રુઆરી સુધી શાળામાં શિક્ષણ માટે નહીં આવી શક.બી.એલ.ઓ.ની કામગીરીને અગ્રીમતા આપી હોવાથી હવે શિક્ષકો વર્ગખંડના બદલે ફેબ્રુઆરી સુધી મતદાર યાદી સુધારણા માટે કામગીરી કરતા નજરે પડશે.ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ તારીખમાં ફેરફાર કરી નવો શિડ્યુલ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમની આખરી તારીખ ૧૪ ફેબ્રુઆરી જાહેર કરવામાં આવી છે. જેના કારણે બી.એલ.ઓ તરીકે નિમણુંક પામેલા કર્મચારીઓને શિક્ષણની કામગીરીમાંથી છૂટછાટ આપવા માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. બી.એલ.ઓ.ની કામગીરીને અગ્રીમતા આપી હોવાથી હવે શિક્ષકો વર્ગખંડના બદલે ફેબ્રુઆરી સુધી મતદાર યાદી સુધારણા માટે કામગીરી કરતા નજરે પડશે. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ખાસ તાલીમ પામેલા કાયમી શિક્ષકો મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં વ્યસ્ત છે અને કરારીય ધોરણે નિમાયેલા શિક્ષકો વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહ્યાં છે આ અંગે શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં વિવાદ થઈ ચૂક્યો છે. સમિતિના શિક્ષકોને બી.એલ.ઓમાંથી મુક્તિ આપે અને તાલીમ બધ્ધ શિક્ષકો શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપે તેવી માંગણી થઈ રહી છે. દરમિયાન મતદાર યાદી સુધારણા કાર્યક્રમની સમય મર્યાદા લંબાવવામાં આવી છે તેની જાહેરાત કરવામાં આવી છે. મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમની આખરી મતદારયાદીની પ્રસિધ્ધિ ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ નક્કી કરવામાં આવી છે. જેના કારણે શિક્ષણ સમિતિ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં એસ.આઈ.આર. માં બી.એલ.ઓની કામગીરીમાં છુટછાટ આપવા માટે જણાવાયું છે.
ઈનચાર્જ શાસનાધિકારી દ્વારા તમામ મુખ્ય શિક્ષકોને પરિપત્ર જાહેર કરાયો છે જેમાં જણાવ્યું છે કે, એસ.આઈ.આર.ની કામગીરી હાલ ખુબ જ ગંભીર તથા સમય મર્યાદામાં પૂર્ણ કરવા ચૂંટણી પંચ દ્વારા તાકીદ કરવામાં છે. જાે ચૂક થવાથી આગળ ઘણા પ્રશ્નો ઉપસ્થિત થઈ શકે તેમ છે. બીએલઓ કામગીરી સાથે સંકળાયેલા શિક્ષકોને તેમની કામગીરીમાંથી છુટછાટ આપવા તથા બી.એલ.ઓ કામગીરીમાં અગ્રીમતા આપી પૂર્ણ કરવા રાહત આપવામા આવે અને બી.એલ.ઓ.ની કામગીરીને અગ્રીમતા આપી પૂર્ણ કરવા રાહત આપવા જણાવવામાં આવે છે તેવું સ્પષ્ટ જણાવ્યું છે. આ ઉપરાંત પરિપત્રમાં જણાવ્યું કે ૭ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધીમાં હેડક્વાર્ટરમાં ફરજિયાત પણે હાજર રહે અને પૂર્વ મંજુરી સિવાય કોઈપણ રજા મંજુર કરવામાં આવશે નહીં. સાથે સાથે એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જાે કોઈ શાળામાં ૭૦ ટકા સ્ટાફ બી.એલ.ઓની કામગીરીમાં જાેડાયેલો હોય તો શાળાના નિરીક્ષક સાથે સંકલનમાં રહી તેમની સલાહ મુજબ કેન્દ્રમાં આવેલા અન્ય શાળા અથવા ઝોનની અન્ય શાળામાંથી કામચલાઉ ધોરણે મદદ મેળવવાનો રહેશે. એવી પણ તાકીદ કરવામાં આવી છે કે, આ રાષ્ટ્રીય કામગીરી સમય મર્યાદામાં ચોકસાઈ પૂર્વક પૂર્ણ કરી શકાય જેની ખાસ નોંધ લેશો. આમ હવે શાળાના કાયમી શિક્ષકો લોકોના ઘરે ઘરે જઈ મતદાર સુધારણા રાષ્ટ્રીય કામગીરી પૂરી કરશે અને હંગામી શિક્ષકો વિદ્યાર્થીઓને ફેબ્રુઆરી મહિના સુધી અક્ષર જ્ઞાન આપતા નજરે પડશે.




