
વાંચનની ટેવ પાડવાનો, સ્ક્રીન ટાઇમમાં ઘટાડો કરવાનો ઉદ્દેશ.UP ની સ્કૂલોમાં વિદ્યાર્થીઓ માટે વર્તમાનપત્રનું વાંચન ફરજિયાત.જુનિયર વિદ્યાર્થીઓમાં ન્યૂઝ કટીંગનો ઉપયોગ કરી સ્ક્રેપબુક બનાવવાને પ્રોત્સાહન આપવા માટે પણ સ્કૂલોને સૂચના અપાઈ.સ્કૂલોમાં બાળકોમાં વાંચનની ટેવ પાડવા તથા મોબાઇલ અને સ્ક્રીન ટાઇમમાં ઘટાડો કરવા ઉત્તરપ્રદેશની યોગી સરકારે એક અનોખી પહેલ કરી છે. સરકારે રાજ્યની તમામ માધ્યમિક અને પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે વર્તમાનપત્રનું વાંચન ફરજિયાત બનાવ્યું છે. સરકારની માર્ગદર્શિકા મુજબ વિદ્યાર્થીઓએ હવે દૈનિક પ્રવૃત્તિ તરીકે અખબાર વાંચવું પડશે. બાળકોમાં તાર્કિક અને વિવેચનાત્મક વિચારસરણીને મજબૂત બનાવવાનો પણ સરકારનો ઉદ્દેશ છે.રાજ્યના અધિક મુખ્ય સચિવ (માધ્યમિક અને મૂળભૂત પ્રાથમિક શિક્ષણ) પાર્થ સારથી સેન શર્માએ ૨૩ ડિસેમ્બરે આ આદેશ જારી કર્યાે હતો.
તેમાં સરકારની નવી પહેલની વિગતવાર માહિતી અપાઈ છે. આદેશ મુજબ શાળાના પુસ્તકાલયોમાં હિન્દી અને અંગ્રેજી બંને ભાષાના અખબારો ઉપલબ્ધ કરાવવા પડશે.આ આદેશમાં જણાવવામાં આવ્યું છે કે સવારની પ્રાર્થના દરમિયાન ઓછામાં ઓછા ૧૦ મિનિટ અખબાર વાંચન માટે દરરોજ ફાળવવી જાેઈએ. આ સમય દરમિયાન વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય અને રમતગમતના સમાચારો વારાફરતી વાંચશે. વિદ્યાર્થીઓ ‘દિવસનો શબ્દ’ કવાયત પણ કરશે. તેમાં અખબારોના પાંચ મુશ્કેલ શબ્દો પસંદ કરાશે અને શબ્દભંડોળ વધારવા માટે નોટિસ બોર્ડ પર લખવામાં આવશે.અખબાર વાંચનના ફાયદાનો ઉલ્લેખ કરીને સરકારે જણાવ્યું હતું કે આ પહેલથી વિદ્યાર્થીઓના સામાન્ય જ્ઞાન, શબ્દભંડોળ, વિવેચનાત્મક વિચારસરણી, એકાગ્રતા અને સામાજિક જાગૃતિમાં વધારો થશે. તેનાથી વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વધુ સારી રીતે તૈયાર કરી શકાશે અને ફેક ન્યૂઝના દૂષણથી બચાવી શકાશે.અખબાર વાંચન ઉપરાંત ધો. ૯ થી ૧૨ વિદ્યાર્થીઓને પોતાની શાળાના અખબારો અથવા સામયિકો પ્રકાશિત કરવા જેવી વિવિધ પ્રવૃત્તિઓ માટે પણ પ્રોત્સાહિત કરશે. વિદ્યાર્થીઓને સંપાદકીય-આધારિત લેખન અથવા ગ્રુપ ડિસ્કશન, ક્રોસવર્ડ અને સુડોકુ સ્પર્ધાઓનું આયોજન કરવા માટે પણ પ્રોત્સાહિત કરાશે. જુનિયર વિદ્યાર્થીઓમાં ન્યૂઝ કટીંગનો ઉપયોગ કરી સ્ક્રેપબુક બનાવવાને પ્રોત્સાહન આપવા માટે પણ સ્કૂલોને સૂચના અપાઈ છે.અગાઉ સરકારે ૨ નવેમ્બરે એક આદેશ જારી કરીને વિદ્યાર્થીઓમાં પુસ્તક વાંચનની ટેવ કેળવવા તથા સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગને રોકવા માટે વ્યાપક વાંચન અભિયાન હાથ ધર્યું હતું. સરકારે ‘નો બુકે, ઓન્લી બુક’ ઝુંબેશ પણ શરૂ કરી છે, જે હેઠળ શાળાના કાર્યક્રમોમાં ટ્રોફીને બદલે પુસ્તકો ભેટમાં આપવામાં આવશે.




