
આમ આદમી પાર્ટી યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ નકલી દૂધનું ટેન્કર પકડી પાડ્યુ છે. AAP નેતા યુવરાજસિંહ જાડેજા, ધાર્મિક માથુકીયા, દિલીપ ભૂવા સહિતના AAP આગેવાનો દ્વારા શંકાસ્પદ દૂધનું ટેન્કર અટકાવી પોલીસ સ્ટેશન પર લઈ જવામાં આવ્યું હતુ. આ તકે યુવરાજ સિંહ જાડેજાએ વિગતવાર જણાવતા કહ્યું હતું કે ગુજરાતમાં નકલી દૂધનો વેપાર મોટા પાયે ચાલી રહ્યો હોવાની શંકા છે અને છેલ્લા ત્રણ મહિનાથી તેઓ આ મુદ્દે સતત તપાસ કરી રહ્યા હતા. વિસાવદર નજીક હનુમાન ખિજડિયા ગામમાંથી રોજ બે જેટલા દૂધના ટેન્કર નીકળી ગાંધીનગર અને અરવલ્લી વિસ્તાર તરફ જતા હોવાની માહિતી તેમને મળી હતી. દૂધ સાચું છે કે નકલી તે જાણી લેવા માટે તેઓ સતત આ ટેન્કરોનો પીછો કરતા હતા. આજે પરબવાવડીથી હનુમાન ખિજડિયા તરફ જતા સમયે તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતુ. ટેન્કર ડ્રાઈવર અને અન્ય કેટલાક લોકોએ ગાડી રોકી અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો અને વાહનને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ બાઈક પરથી પથ્થર ફેંકવામાં આવ્યો અને સ્ટીલનો રોડ ફેંકી હુમલો કરવામાં આવ્યો હતો
AAP નેતા યુવરાજ સિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે ખીરસરા ગામ નજીક બે ગાડીઓએ તેમની ગાડી ઘેરી અને અંદાજે 10થી 15 લોકો દ્વારા મારપીટ કરવામાં આવી. તેમની સાથે રહેલા અન્ય લોકોને પણ માર મારવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે તેમનો એકમાત્ર હેતુ ગુજરાતની જનતાને શુદ્ધ અને સુરક્ષિત દૂધ મળે તે છે. ટેન્કર નંબર GJ-33-T-6001 છેલ્લા ત્રણ મહિનાથી વિવિધ સ્થળોએ દૂધ ખાલી કરતું હોવાનો દાવો કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ આ દૂધ અરવલ્લી જિલ્લાના કેટલાક ગામોની દૂધ મંડળી સહિત કેટલીક સહકારી ડેરીઓમાં ખાલી કરવામાં આવતું હતું. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે સહકારી ડેરીઓમાં બહારના વિસ્તારનું દૂધ સ્વીકારવાની મનાઈ હોવા છતાં આ દૂધ કેવી રીતે સ્વીકારવામાં આવતું હતું? તેમની પાસે GPS ટ્રેકિંગ સહિતના કેટલાક પુરાવા ઉપલબ્ધ હોવાનો પણ તેમણે દાવો કર્યો છે. આ દૂધમાં યુરિયા, પામ તેલ અને અન્ય રસાયણો મળ્યાની શંકા વ્યક્ત કરી હતી,તેમણે માંગ કરી કે ટેન્કરને તાત્કાલિક સીલ કરવામાં આવે અને સમગ્ર મામલે નિષ્પક્ષ તથા કડક તપાસ કરવામાં આવે. તેમણે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અને સંબંધિત વિભાગોને આ ઘટનાની ગંભીરતાથી તપાસ કરી દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની વિનંતી કરી હતી.




