
પ્રભાતપુરના શખ્સની ધરપકડ.ગિરનાર પાસે મોરના માંસ માટે ગેરકાયદે શિકાર કરાયો.આ મોરના મૃતદેહનો ગેરકાયદેસર કબજાે લઈને તેને કુહાડીથી ટુકડા કરી માંસ તૈયાર કરી ખોરાક તરીકે ઉપયોગ કરવાનું કાવતરું ઘડાયું હતુ.જૂનાગઢ જિલ્લાના ડુંગર દક્ષિણ રેંજના રામનાથ રાઉન્ડમાં આવેલ પ્રભાતપુર ગામે રાષ્ટ્રીય પક્ષી મોરના ગેરકાયદેસર શિકાર અને માંસના ઉપયોગનો આંચકારૂપ કિસ્સો સામે આવ્યો છે. તારીખ ૨૫ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ ઓઝત નદી કાંઠે ૧૧ કેવી લાઈન પર બેસેલા એક મોરનું વીજકરંટ લાગવાથી મૃત્યુ થયું હતું. આ મોરના મૃતદેહનો ગેરકાયદેસર કબજાે લઈને તેને કુહાડીથી ટુકડા કરી માંસ તૈયાર કરી ખોરાક તરીકે ઉપયોગ કરવાનું કાવતરું ઘડાયું હતું.
આ બનાવની બાતમી ડુંગર દક્ષિણ રેંજના સ્ટાફને મળતાં તાત્કાલિક રેડ કરવામાં આવી. પ્રભાતપુર ગામના રહીશ રમણીકભાઈ દાનાભાઈ ચૌહાણ (ઉં.વ. ૫૪)ના કબજામાંથી મોરનું રાંધેલું માંસ તથા અન્ય મુદ્દામાલ મળી આવ્યો.
બનાવસ્થળની તપાસ દરમિયાન ઓઝત નદીમાંથી મોરની કપાયેલી બે પાંખો, ડોક અને પીછા કબજે કરવામાં આવ્યા. આ મામલાની જાણ ફોરેસ્ટ ઓફિસર એ.એ. ભાલીયાએ નાયબ વન સંરક્ષક, વન વિભાગ જૂનાગઢને કરી હતી. ડીસીએફ અક્ષય જાેશીના માર્ગદર્શન હેઠળ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી.
તારીખ ૨૭ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ આરોપી રમણીકભાઈ ચૌહાણને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો, જ્યાં કોર્ટે તારીખ ૮ જાન્યુઆરી ૨૦૨૬ સુધી સુનાવણી મુલતવી રાખી તેને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો. આરોપીને જૂનાગઢ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. મોર વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ શિડ્યુલ-૧માં આવે છે, તેથી આવા ગુના માટે કડક સજાની જાેગવાઈ છે. વન વિભાગની આ ત્વરિત કાર્યવાહીથી વન્યજીવ સંરક્ષણમાં મજબૂત સંદેશો જાય છે.




