
માવઠાની આગાહી વચ્ચે સરકારની નવી ગાઈડલાઈન જાહેર કરાઇ.કાપણી કરેલ પાકને સુરક્ષિત કરો: ખેતરમાં જે પાકની કાપણી થઈ ગઈ હોય તેને તાત્કાલિક સલામત સ્થળે અથવા ગોડાઉનમાં ખસેડવો.રાજ્યમાં ફરી એકવાર માવઠાની આફત તોળાઈ રહી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે ગુજરાત સરકારનો કૃષિ વિભાગ એક્શન મોડમાં આવ્યો છે. ૧ જાન્યુઆરી-૨૦૨૬ સુધી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતાને જાેતા ખેડૂતોને પાક રક્ષણ માટે વિશેષ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ૨૪ કલાક દરમિયાન કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે. આ આગાહીને ગંભીરતાથી લઈ કૃષિ મંત્રીએ ખેડૂતોને અગમચેતીના પગલાં ભરવા ખાસ અનુરોધ કર્યો છે.તાડપત્રીનો ઉપયોગ: જાે પાક ખુલ્લામાં હોય તો તેને પ્લાસ્ટિક અથવા તાડપત્રીથી વ્યવસ્થિત ઢાંકવો. ઢગલાની આસપાસ માટીનો પાળો બનાવવો જેથી વરસાદનું પાણી અનાજ નીચે ન ઘૂસે.
દવાનો છંટકાવ ટાળવો: વરસાદી માહોલ હોવાથી આ સમયગાળા દરમિયાન જંતુનાશક દવા કે ખાતરનો ઉપયોગ ન કરવો, અન્યથા દવાનો ધોવાણ થતા ખર્ચ માથે પડી શકે છે.
માત્ર ખેતર જ નહીં, પણ બજાર સમિતિઓમાં પણ નુકસાન ન થાય તે માટે સૂચના અપાઈ છે. APMC માં રહેલો અનાજનો જથ્થો શેડ નીચે રાખવો અથવા તાડપત્રીથી ઢાંકી દેવો. ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે શક્ય હોય ત્યાં સુધી આ દિવસો દરમિયાન વેચાણ અર્થે જણસ લાવવાનું ટાળવું અથવા સંપૂર્ણ સુરક્ષા સાથે લાવવી.




