
આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના અધ્યક્ષસ્થાને પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈસુદાન ગઢવીની સાથે સાથે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય ચૈતર વસાવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, મહામંત્રી રાકેશ હીરપરા, નેશનલ જોઇન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકી, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામ, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ મહામંત્રી સામત ગઢવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણી નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ તમામ 12000 સીટો પર ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. તેના અનુસંધાને રાજ્યને 7 ઝોનમાં વહેંચવામાં આવ્યું છે અને દરેક ઝોનમાં ઝોન ચૂંટણી સમિતિઓ બનાવવામાં આવી છે. જેમાં ઝોન પ્રમુખ, સેન્ટ્રલ ઝોન પ્રેસિડેન્ટ, ઓબ્ઝર્વર અને વિધાનસભા પ્રભારીઓ સહિતની ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ દ્વારા 10 થી 15 તારીખ દરમિયાન 26 લોકસભા વિસ્તાર હેઠળ આવતા ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. તેના અનુસંધાને હવે એ-ગ્રેડ, બી-ગ્રેડ અને સી-ગ્રેડ પ્રમાણે ઉમેદવારો અંગે ચર્ચા શરૂ કરવામાં આવી રહી છે. આજથી સ્ટેટ ઇલેકશન કમિટી દ્વારા 16, 17 અને 18 તારીખ સુધી ત્રણ દિવસ સુધી જુદા જુદા ઝોનમાંથી આવેલા નામો પર ચર્ચા કરવામાં આવશે. ત્યારબાદ ટૂંક સમયમાં ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે.
ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં પહેલી વખત આમ આદમી પાર્ટી નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાની તમામ સીટો પર પૂરજોશમાં ચૂંટણી લડશે. અત્યારે આમ આદમી પાર્ટી સાથે જોડાવા અને ચૂંટણી લડવા માટે અનેક લોકો ઉત્સુક બન્યા છે. આમ આદમી પાર્ટી પહેલી એવી પાર્ટી છે જેણે ‘ઓપન ટુ ઓલ’ની પદ્ધતિ અપનાવી છે. અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસમાં ધારાસભ્યો અથવા નેતાઓના પરિવારજનોને જ તક મળતી હતી, પરંતુ આમ આદમી પાર્ટીએ સામાન્ય લોકોમાંથી ઉમેદવારો પસંદ કરવાનો નિર્ણય કર્યો છે. સમાજસેવકો, રાજકીય આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા મોટી સંખ્યામાં ફોર્મ ભરવામાં આવ્યા છે અને તેમના પર પણ ચર્ચા કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં બાપ-બેટાની રાજનીતિથી અલગ જઈને સામાન્ય લોકોને નેતૃત્વ આપનારી પાર્ટી તરીકે આમ આદમી પાર્ટી ઉભરી આવશે. હાલ ત્રણ દિવસ સુધી ઉમેદવારોની સ્ક્રીનિંગ પ્રક્રિયા ચાલશે અને ત્યારબાદ ટૂંક સમયમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવશે. સ્વાભાવિક છે કે ઉમરેઠમાં હાલ જ ઉમરેઠના ધારાસભ્યનું નિધન થયું છે, જેના કારણે ઉમરેઠની વિધાનસભા સીટ ખાલી થઈ છે. ગત રોજ પાંચ રાજ્યોની જે ચૂંટણીની જાહેરાત થઈ છે તેમાં ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત પણ કરવામાં આવી છે. ઉમરેઠ પેટા ચૂંટણીને લઈને આવનારા સમયમાં અમે પ્રદેશ નેતૃત્વ અને રાષ્ટ્રીય નેતૃત્વ સાથે ચર્ચા કરી નિર્ણય લઈશું. જે પણ નિર્ણય લેવામાં આવશે તે આગામી સમયમાં આપની સમક્ષ મૂકવામાં આવશે.




