
વસઈના સમુદ્રમાં ઉકળતું પાણી.કુદરતી ગેસ લીકેજ કે પાઇપલાઈન ફાટી તે દિશામાં સઘન તપાસ શરૂ.શાંત સમુદ્રજળ વચ્ચે ખળભળતા ફીણવાળા પાણીના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા ચિંતા ફેલાઈ.મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના સમુદ્રમાં વસઈ પાસે છેલ્લા થોડા દિવસોથી એક વિચિત્ર અને ચિંતાજનક ઘટના બની રહી છે. સમુદ્રના એક વિશાળ વિસ્તારમાં જાણે પાણી ઉકળી રહ્યું હોય એમ પરપોટા નીકળી રહ્યા છે. શાંત સમુદ્રજળ વચ્ચે ખળભળતા ફીણવાળા પાણીના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ ગઈ છે. આ ઘટનાની તાત્કાલિક તપાસ શરૂ કરાઈ છે.
નિષ્ણાતોના મતે આ ઘટનાના સંભવિત કારણો ૧. કુદરતી મિથેન ગેસ લીકેજ: આ સૌથી પ્રબળ શંકા છે. ધરતીની સપાટીની નીચે, સમુદ્રતળમાં, કુદરતી રીતે મિથેન ગેસના ભંડાર હોય છે. જાે કોઈ ભૂકંપીય હલચલને લીધે સમુદ્રતળમાં તિરાડ પડે તો પેટાળમાં ધરબાયેલો મિથેન ગેસ મુક્ત થાય અને પરપોટાના રૂપમાં સમુદ્ર સપાટી પર દેખાઈ શકે છે, જે પાણી ઉકળતું હોય એવો દેખાવ સર્જે છે. દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રનો સમુદ્ર કિનારો ટેક્ટોનિક પ્લેટોની સરહદ પર આવેલો હોવાથી અહીં આવી ઘટનાની શક્યતા છે.
૨. તેલ કે ગેસ પાઇપલાઈન લીકેજ: આ વિસ્તાર તેલ અને ગેસ ઉલેચતા ‘મુંબઈ હાઈ’ ક્ષેત્રની નજીક છે. સમુદ્રપેટાળમાંથી કાઢેલો તેલ અને ગેસ જમીન પર પહોંચાડવા માટે પાઇપલાઈન નાખવામાં આવેલી છે. કોઈ જૂની પાઇપલાઈન ફાટી ગઈ હોય અને તેમાંથી ગેસ લીક થઈ રહ્યો હોય તો આ પ્રકારની હલચલ પેદા થઈ શકે છે.
૩. સમુદ્રતળની ભૂગર્ભીય હલચલ: સમુદ્રતળ પર સેંકડો-હજારો વર્ષોથી જમા થયેલા ‘સેડિમેન્ટ્સ’ (નરમ માટી અને કીચડની ગાદી)માં ક્યારેક મોટી હલચલ થાય ત્યારે સેડિમેન્ટ્સમાં કેદ રહેલા મિથેન જેવા કુદરતી વાયુઓ છૂટા પડે છે અને પરપોટાના રૂપમાં સમુદ્રની સપાટી પર ઉભરી નીકળે છે.
૪. દરિયાઈ હાઇડ્રેટ્સનું અસ્થિર થવું: સમુદ્રતળમાં બરફ જેવા સ્વરૂપમાં પણ મિથેન ગેસ હોય છે, જેને ‘હાઇડ્રેટ્સ’ કહેવાય છે. તાપમાન વધારો થાય કે દબાણ ઘટે ત્યારે આ હાઇડ્રેટ્સ ઓગળીને ગેસ મુક્ત કરી શકે છે.
આ અસામાન્ય ઘટનાની ખબર મળતાં જ પાલઘર જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા તપાસ શરૂ કરાઈ છે. આ વિસ્તારમાંથી મહત્ત્વપૂર્ણ દરિયાઈ માર્ગો પસાર થાય છે. અહીં મોટી માત્રામાં માછીમારી પણ થાય છે. તેથી નૌકાયાન અને સ્થાનિક માછીમારો માટે જાેખમ છે. સમુદ્રના પાણીમાં થઈ રહેલી રહસ્યમય હલચલનું કારણ ન જણાતા માછીમારોને તે વિસ્તારમાં ન જવાની સલાહ અપાઈ છે. તપાસ માટે ભારત સરકારે ઈન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઈન્ફોર્મેશન સર્વિસની એક વિશેષ ટીમ મોકલી છે, જે તેનું વૈજ્ઞાનિક કારણ શોધવાનો પ્રયત્ન કરશે.INCOIS ની ટીમ ‘ભારતીય કોસ્ટ ગાર્ડ’, ‘રાષ્ટ્રીય સમુદ્રશાસ્ત્ર સંસ્થા’ અને ‘ઓએનજીસી’ સાથે મળીને કામ કરશે. તેઓ સોનાર ટેક્નોલોજીથી સજ્જ સર્વેક્ષણ જહાજાે મોકલીને સમુદ્રતળની તપાસ કરશે. પાણીના નમૂના લઈને તેમાં ઓગળેલા મિથેન અને હાઇડ્રોજન સલ્ફાઈડ જેવા વાયુઓનું પરીક્ષણ કરશે. આ ઉપરાંત ઘટના સ્થળે કોર્ડિનેટ્સની નજીકમાં કોઈ પાઇપલાઈન લીકેજ તો નથી તેની પણ તપાસ કરાશે.




