
આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા અને ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ 108 દિવસના જેલવાસ બાદ બહાર આવ્યા છે અને ખેડૂતો સહિત ગુજરાતભરના લોકો માટે પોતાનો મજબૂત અવાજ ઉઠાવવા તૈયાર છે. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા સાથે ખેડૂત નેતા પ્રવીણ રામે આજે કેશોદ ખાતે “ખેડૂત સંવાદ” કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો, ખેડૂતો, આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા જણાવ્યું હતું કે, આઝાદીની લડાઈ જયારે ચાલતી હતી ત્યારે અંગ્રેજો પણ ભાજપના નેતાઓની જેમ જ વિચારતા હશે કે “આઝાદીની વાત લઈને નીકળેલા લોકોને જો જેલમાં પૂરી દઈએ તો આઝાદીની વાત જ બંધ થઈ જશે.” આવું જ વિચારીને અંગ્રેજોએ આપણા દેશના અનેક મહાપુરુષોને અને સ્વતંત્રતાસેનાનીઓની જેલમાં પૂર્યા તેમ છતાં પણ આઝાદી તો આવી જ. ભાજપના નેતાઓને પણ એવો વહેમ છે કે આમ આદમી પાર્ટીના નેતાઓને જો જેલમાં પૂરી દઈશું તો ગુજરાતમાં ભાજપનું જ ચાલતું રહેશે પરંતુ એવું કંઈ થવાનું નથી. કારણ કે એક પ્રવીણ રામને તમે જેલમાં પુરુષો તો બીજા 500 પ્રવીણ રામયાર થશે, જો તમે એક રાજુ કરપડાને જેલમાં પુરુષો તો બીજા 500 રાજુ કરપડા તૈયાર થશે.
વધુમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા જણાવ્યું હતું કે, અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એકબીજાનું કામ કરતા હતા અને અંદર અંદર પાર્ટી બદલી નાખતા હતા જેના કારણે જનતાનો કોઈ કામ થતું ન હતું. એ લોકોએ ક્યારેય પણ ગુજરાતના સામાન્ય લોકો અને ખાસ કરીને ખેડૂતોનો અવાજ સાંભળ્યો નહીં. પણ હવે ગુજરાતમાં અને દેશમાં આમ આદમી પાર્ટી ઊભી થઈ અને એક તરફથી ઈસુદાનભાઈ આવ્યા, એક તરફથી હું આવ્યો, એક તરફથી પ્રવીણભાઈ આવ્યા, એક તરફથી ચૈતરભાઈ આવ્યા અને આ રીતે અનેક લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા અને ભગવાનના આશીર્વાદથી ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું મજબૂત કામ થયું. તો આખા ગુજરાતની આશા અને ભરોસો આમ આદમી પાર્ટી પર બંધાઈ છે. અત્યાર સુધી ભાજપને કોઈ ચેલેન્જ ફેકવા વાળું માણસ હતું નહીં પરંતુ હવે પહેલી વખત ભાજપની સામે પડવાવાળા યુવાનીયાઓ મેદાને આવ્યા છે અને એના કારણે હવે ભાજપવાળા તકલીફમાં આવી ગયા છે. અને હજુ જો ગુજરાતની જનતાના આશીર્વાદ મળશે તો ભાજપના લોકો હાથમાં પણ નહીં આવે.
ત્યારબાદ આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા પ્રવિણ રામે પોતાનું વક્તવ્ય આપવા જણાવ્યું હતું કે, 108 દિવસની જેલવાસ દરમિયાન કેશોદની જનતા સહિત સમગ્ર ગુજરાતની જનતાએ જે રીતે મને અને મારા પરિવારને સપોર્ટ આપ્યો એ તમામ લોકોને હું આભાર માનું છું. અમારા પર જે ખોટા કેસો કરવામાં આવ્યા, એ ગુજરાતના ખેડૂતોને ગમ્યું નથી. મને કોઈ પર્સનલ લડાઈના કારણે જેલમાં નથી નાખવામાં આવ્યો પરંતુ હું ઇકોઝોનની લડાઈ લડું છું, હું ઘેડ મુદ્દે લડાઈ લઉં છું, ખેડૂતોનો અવાજ ઉઠાઉં છું એટલા માટે મને જેલમાં નાખવામાં આવ્યો હતો. એ લોકોને એમ હતું કે અમને જેલમાં નાખીને તેઓ અમને કમજોર કરી દેશે પરંતુ હું તમામ લોકોને કહેવા માગું છું કે અમને જેલમાં નાખીને તમે લોકોએ અમને જ મજબૂત કર્યા છે અને ભગવાન કરે કે તમે લોકો સો વર્ષના થાઓ.
ત્યારબાદ ખેડૂત નેતા પ્રવીણ રામે હડદડમાં બનેલી ઘટના વિશે વાત કરતા જણાવ્યું હતું કે, હડદડ ગામમાં મેં મારી વાત પૂરી કરી અને રાજુભાઈ કરપડાએ પણ પોતાની વાત પૂરી કરી અને બસ પ્રોગ્રામ પૂરો થવાનો હતો. આવા સમયે પોલીસ આવે છે અને મેં ખેડૂતોને બેસી રહેવા માટે કહ્યું તથા મેં શાંતિની અપીલ પણ કરી. પરંતુ પોલીસ જ્યારે પાછી જતી રહે છે અને મિનિટ પછી ફરીથી પાછી આવે છે અને ફરીથી અમે લોકોને બેસવાની અપીલ કરી અને ત્રીજી વાર જ્યારે પોલીસ પાછી આવી ત્યારે હેલ્મેટ અને લાકડીઓ સાથે આવી હતી. ત્યારબાદ પોલીસ ટોળામાં ઘૂસી ગઈ. તો ત્યાં જે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત હતા એ લોકોની વિવેકબુદ્ધિ ક્યાં ગઈ? શું પોલીસે ઉશ્કેરાટ નથી કર્યો? વધુ ગંભીર બાબતે છે કે એ લોકોએ મોકલેલા અમુક લોકોએ પથ્થરબાજી કરી એમાં ભાજપના લોકો પણ હતા. આ સમગ્ર ઘટના બાદ જે 85 લોકો પર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી તેમાંથી એક પણ વ્યક્તિ પથ્થર ફેંકતો ન હતો. આ 85 લોકો પથ્થર ફેંકતા હોય એવો એક પણ વીડિયો પોલીસ પાસે ન હતો તો પછી પોલીસે આ લોકોને કઈ રીતે અરેસ્ટ કર્યા? બીજી ચોંકાવનારી બાબત એ છે કે જે લોકો વીડિયોમાં પથ્થર ફેંકતા દેખાય છે એવા એક પણ લોકો પર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. આના પરથી સ્પષ્ટ થાય છે કે આ ભાજપ દ્વારા કરવામાં આવેલું ષડયંત્ર હતું.




