આમ આદમી પાર્ટીના દાહોદ જિલ્લા પ્રમુખ રાકેશ બારીયાએ એક વીડિયોના માધ્યમથી ખૂબ જ ગંભીર મુદ્દા પર પોતાની વાત રજુ કરતા જણાવ્યું હતું કે, આજે 9 ઓગસ્ટના રોજ સમગ્ર ભારત દેશમાં વિશ્વ આદિવાસી દિવસ ઉજવાઈ રહ્યો છે. જે અંતર્ગત દાહોદમાં આદિવાસી સમાજની એક રેલી નીકળી હતી. આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતર વસાવા જેલમાં છે, જેના કારણે લોકોના મનમાં ખૂબ જ રોષ છે. જ્યારે ચૈતરભાઈ આમ આદમી પાર્ટીમાં જોડાયા પણ ન હતા, એ પહેલાથી જ તેમણે દાહોદ જિલ્લામાં આદિવાસી સમાજનું સંગઠન ઊભું કર્યું હતું એટલા માટે દાહોદ જિલ્લામાં ચૈતરભાઈના સમર્થકો કોઈ પક્ષના નથી. તો જ્યારે એ લોકો આ રેલીમાં પોસ્ટરો સાથે જોડાયા તો ભાજપના નેતાઓના પેટમાં તેલ રેડાયું. ત્યારબાદ ભાજપના આ નેતાઓએ પોલીસને હાથો બનાવીને મીડિયામાં બાઈટ આપી અને કહ્યું કે “ચૈતરભાઈના બેનર લઈને જે લોકો આવ્યા છે એ લોકો આમ આદમી પાર્ટીના લોકો છે.”
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા રાકેશ બારિયાએ જણાવ્યું હતું કે, ત્યારબાદ અમે દાહોદ જિલ્લાના કાર્યકર્તાઓ ફોન કરીને પૂછ્યું તો ત્યારે અમને જાણવા મળ્યું કે આમ આદમી પાર્ટીના કોઈપણ સમર્થકો કોઈપણ પ્રકારના પોસ્ટરો લઈને ગયા નથી પરંતુ સમાજના લોકો જે ચૈતર ભાઈને ચાહે છે એ સમર્થકો ચૈતરભાઈના પોસ્ટરો લઈને આવ્યા હતા. ભારતીય જનતા પાર્ટી ક્યાંકને ક્યાંક આમ આદમી પાર્ટીને બદનામ કરવાનું કાવતરું કરી રહી છે એ ખોટું છે. પોલીસ પાસે વિડિયો રેકોર્ડિંગ પણ છે અને જો ક્યાંય અમારા કાર્યકર્તા હશે તો એ પણ અમે જોઈશું. આદિવાસી સમાજની વર્ષોથી રેલીઓ નીકળતી આવી છે પણ અત્યારે આમ આદમી પાર્ટીનું નામ બદનામ કરવામાં આવી રહ્યું છે જે તદ્દન ખોટું છે. મારી વિનંતી છે કે જે ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે એ બંધ થાય.





