
આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિ મંડળ ટ્રેડ ડીલ મુદ્દે રાજ્યપાલને મળવા માટે પહોંચ્યુ હતું પરંતુ રાજ્યપાલે મળવાનો સમય આપ્યો ન હતો. આ મુદ્દે વાત કરતા આમ આદમી પાર્ટી વિસાવદર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આજે ભારત સરકારે અમેરિકા સાથે કરેલી ટ્રેડ ડીલના મુદ્દે ગુજરાતના માનનીય રાજ્યપાલને મળવા માટે આમ આદમી પાર્ટીના પ્રદેશ ડેલિગેશન દ્વારા સમય માંગવામાં આવ્યો હતો, પરંતુ સમય આપવામાં આવ્યો નથી. તેમણે જણાવ્યું કે સરકારે રાજ્યપાલ ભવનનું નામ બદલીને “લોકભવન” રાખ્યું છે, પરંતુ માત્ર નામ બદલવાથી માનસિકતા બદલાતી નથી. જો રાજ્યપાલ ભવન ખરેખર લોકભવન છે, તો લોકોના પ્રતિનિધિઓને રાજ્યપાલને મળવાનો સમય મળવો જોઈએ.આમ આદમી પાર્ટીના ડેલિગેશન દ્વારા એક વખત નહીં, પરંતુ અગાઉ પાંચ વખત અલગ-અલગ મુદ્દાઓ પર રાજ્યપાલશ્રીનો સમય માંગવામાં આવ્યો હતો, છતાં ક્યારેય સમય આપવામાં આવ્યો નથી. ગેમ ઝોન,ખેડૂતોના મુદ્દે, માવઠાના મુદ્દે તેમજ અન્ય જાહેર મુદ્દાઓ પર રજૂઆત કરવા માટે વારંવાર સમય માંગવા છતાં સમય મળ્યો નથી. લોકભવનના પાટીયા બદલાવી જાહેરાતો કરવામાં આવે છે, પરંતુ માનસિકતા બદલાઈ નથી. અંગ્રેજો જેવી માનસિકતા ધરાવે છે.
AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું કે અમેરિકા સાથે થયેલી ટ્રેડ ડીલ ગુજરાત અને ભારતના ખેડૂતો, પશુપાલકો તેમજ નાના-મધ્યમ વેપારીઓને ભારે નુકસાન પહોંચાડનાર છે. આ ટ્રેડ ડીલ રદ થાય તેવી રજૂઆત કરવા માટે અમે ગવર્નર હાઉસ, એટલે કે કહેવાતા લોકભવન ખાતે આવ્યા હતા. ટ્રેડ ડીલ મુજબ અમેરિકાથી સસ્તુ દૂધ ભારતમાં આયાત થશે, જેના કારણે દૂધ ઉત્પાદન કરતા ભારતીય ખેડૂતોને મોટો ફટકો પડશે. હાલ દૂધ ઉત્પાદકોને પૂરતો ભાવ મળતો નથી, ખાણદાણ મોંઘા ભાવે મળે છે અને સંઘો દ્વારા યોગ્ય બોનસ આપવામાં આવતું નથી. આવી સ્થિતિમાં ભારત સરકારે અમેરિકાના દબાવમાં આવી દૂધ આયાતની છૂટ આપવામાં આવી છે તેને લઇને ખેડૂતોને વધુ નુકસાન થશે. તેમણે વધુમાં જણાવ્યું કે ખેતી સંબંધિત અન્ય ઉત્પાદનોમાં અમેરિકાનો માલ ભારતમાં ટેક્સ ફ્રી વેચાશે અને ભારતનું કૃષિ ઉત્પાદન અમેરિકામાં અઢાર ટકા ટેક્સ સાથે વેચાશે, જેના કારણે ભારતનું કૃષિ, પશુપાલન અને નાના-મધ્યમ વેપારીઓને તકલીફ પડશે. આ તમામ બાબતને લઇને આમ આદમી પાર્ટી ડેલિગેશન સાથે રજૂઆત કરવા આવી હતી. પરંતુ અમને મળવા દેવામાં આવ્યા નથી. પરંતુ અમને સમય આપવામાં આવશે તો આ કહેવાતા લોક ભવન ખાતે ખેડૂતો અને પશુપાલકોના હિતમાં ફરી રજૂઆત કરવા માટે રાજ્યપાલશ્રીને મળવા માટે અમે ફરીથી આવીશું.




