
શીર્ષક- સોનાનું પીંજરુ
આકૃતિને પોતાની જીંદગી શું કામ સોનાના પિંજરામાં પૂરાયેલી મેના જેવી લાગતી હતી?
23/2 અમારાં લગ્નનો દિવસ હતો! અને બહું સ્વાભાવિક રીતે જ પતિ પત્ની બંનેને 37 વર્ષની આ સફરનાં કેટલાંય સંભારણાં હોય, અને ખાસ કરીને લગ્નની વર્ષગાંઠ એ બધું બહું યાદ આવે! જવાબદારી તો આજે પણ છે, પણ એ સંભારણાં માં પણ એનો જ સૂર વર્તાયો! અને એવું તારણ નીકળ્યું કે લગ્ન નામનાં કમિટમેન્ટ માં આજની પેઢીનાં પ્રમાણમાં જવાબદારીનું પલ્લું આપણાં નસીબે બહુ ભારે રહ્યું! જોકે એ તો આપણાં માતાપિતા આવું સરવૈયું કાઢે તો, એમને આપણે નસીબદાર લાગીએ, પણ એ ઠાલું આશ્વાશન છે. કારણકે આજથી 70 વર્ષ પહેલાંનાં આપણાં સમાજમાં લગ્ન પછી ગૃહસ્થી ને આશ્રમ માનવામાં આવતો, અને આ માટે સંયુક્ત કુટુંબની એ સમયની સ્ત્રીઓને વંદન કરવા ઘટે, કે એમણે એ આશ્રમની મર્યાદા ને નિભાવી. ભલે પુરુષો પણ ગૃહસ્થી નિભાવવા તનતોડ મહેનત કરતાં, પણ ગૃહસ્થીમાં સૌથી અઘરું જો કોઈ કામ હોય તો એ બાળ ઉછેર અને વડીલોની જવાબદારી છે. સમયનાં એ દોરમાં એક એક પરિવારમાં ચાર કે પાંચ સંતાનો હોય, અને ઉપરથી એ સમયની રુઢિચુસ્ત પ્રણાલીઓને અનુસરતાં હઠાગ્રહી વડીલો! અને પાછો સ્વામીત્વની ભાવના વાળો પતિ તો ખરો જ! આજે હવે વિચારતાં એમ થાય કે કેમ કરતાં હશે બધું? પણ આજે તો હવે એ બાબત સમાજ ઘણો સુધરી ગયો છે, અને એ આવકાર્ય પણ છે. પરંતુ ક્યાંક ક્યાંક હજી આવાં કિસ્સા સાંભળવા મળે છે, અને ત્યારે એ સ્ત્રીને પોતાની ગૃહસ્થી સોનાના પિંજરા જેવી લાગે, તો આવો જ ભાવ આજે બુધવારની બોધકથા માં..
આકૃતિ નું મન આજે આક્રંદ કરતું હતું, અને એની લાગણીઓએ આંખનાં અશ્રુ વડે વ્યક્ત થઈને ઓશીકું ભીનું કરી દીધું. બહારની દુનિયા માટે એ સૌથી સુખી સ્ત્રી હતી! અને બધું જ તો હતું, પણ બસ એને સમજવા વાળું કોઈ નહોતું. આજે એનાં લગ્નને વીસ વર્ષ થઈ ગયાં, પણ છતાં તે પોતાનાં આલિશાન બંગલોમાં પ્રિયજન વગર એકલી હતી, એનાં પતિ ઈશિત બિઝનેસ ટૂર પર વિદેશ હતાં, અને સંતાનો ભણવા અર્થે બહાર, હવે તો વડીલો પણ નહોતાં! નહીં તો આટલી એકલતા સાલતી નહોતી! કારણ કે પોતાનાં વિશે વિચારવાનો સમય જ મળતો નહોતો.
થોડીવારમાં ઘરની બેલ વાગી, એને થયું કે લલિતા હશે! પણ લલિતા ને તો એણે રજા આપી હતી, એનો પણ લગ્ન દિવસ હતો, આમ તો આ મહિને ચાર રજા પડી એટલે રાજાનું કહ્યું નહીં, પણ લગ્ન દિવસ છે એમ કહ્યું એટલે પોતે જ રજા આપીને કહ્યું બેય જણા આનંદ કરજો! હજી નવા નવા જ લગ્ન થયા અને એનો ઘણી અહીં કોઈ ફેક્ટરીમાં મજૂરી કરતો હતો. કોણ હશે! એ અવઢવમાં બારણું ખોલ્યું તો સામે મરક મરક હસતી લલિતા જ ઉભી હતી! લલિતા એ કહ્યું દીદી તમે તો ઉદારતાથી રજા આપી, પણ પછી મને થયું કે મારે એવું ન કરાય, એટલે કામે આવી. આમપણ સુનિલને રજા તો મળી નહીં, અને આવતે મહિને માતાજીનાં દર્શન કરવાં જવું છે, એટલે ત્યારે આજની રજા ત્યારે લઈશ! જો દીદી અત્યારથી જ કહી દઉં છું, આ રજા સામે એ… આકૃતિ એ એને ચૂપ કરતાં કહ્યું કે હા મારી મા… અને બંને હસી પડ્યાં,લલિતાનાં આવવાથી આકૃતિને ખરેખર સારું લાગ્યું.
બે દિવસથી કોઈ જ અવરજવર નહોતી, અને છતાં એકદમ સાફ એવાં ઘરને લલિતા સાફ કરવામાં પડી, અને પોતે પાછી પોતાના રુમમાં! જ્યાં અત્યંત કાટ છે, એ સાફ કરવાં એણે કબાટ ખોલ્યો અને જૂનાં આલ્બમ કાઢ્યાં અને બેડ પર બેસીને એક પછી એક જોવા લાગી! જોકે આ એ યાદો હતી, કે એને જોવા માટે એને આલ્બમ ખોલવાની જરૂર નહોતી. એ અતીતની સફરે ચાલી… પણ ત્યાં જ લલિતા નો અવાજ સંભળાયો લ્યો દીદી ચા.. શું તમે પણ સવારે ચા પણ નથી પીધી! તમે બિલકુલ તમારું ધ્યાન નથી રાખતાં! આ વખતે સાહેબ આવે એટલે એને મારે જ કહી દેવું છે કે હવે ટૂર ઓછી કરી નાંખો! અને કાં દીદીને સાથે લઈ જાવ… આકૃતિ વિચારતી હતી કેટલી ભોળી છે લલિતા.. લગ્નના આલ્બમ માં આકૃતિ ની બાજુમાં એની જેવી જ એક બીજી યુવતી હતી, દીદી આ કોણ છે? તમારી બહેન? કેમ હજી સુધી અહીં આવ્યાં નથી! કદાચ હું કામ નહીં કરતી હોઉં ત્યારે.. આકૃતિ એ લલિતાને પાસે બેસાડતાં કહ્યું કે હા એ મારી સગી જોડિયા બહેન પ્રકૃતિ છે, ચાલ તને આજે હું આ બે બહેનોની વાત કરું!
હું અને પ્રકૃતિ બંનેમાં પ્રકૃતિ એકદમ મસ્તીખોર અને હું એકદમ શાંત! મમ્મી પપ્પાનાં લાડકોડમાં જીવનનાં હસી ખુશીનાં એ બાવીસ વર્ષ ક્યાં વિતી ગયાં, અને અમે બંને ગ્રેજ્યુએટ થઈ ગયાં એ ખબર જ ન પડી, અને ઘરમાં અમારા બેય બહેનોનાં લગ્નની વાતો ચાલવાં લાગી. એકદિવસ મમ્મી પપ્પા વાત કરતાં હતાં કે એક છોકરો પ્રકૃતિને જોવા આવવાનો હતો! ખબર નહીં એણે ક્યારેક એને જોઈ હશે! જ્ઞાતિનું ખૂબ મોટું ઘર અને પાછો એકનો એક દીકરો! એટલે મમ્મી પપ્પા બેય બહુ ખુશ હતાં. આમ તો અમારા બેયની ઉંમર અને દેખાવ લગભગ સરખાં હતાં, હું એની કરતાં દસ મિનિટ મોટી હતી. પ્રકૃતિ એ છોકરાને જોયા વગર જ ના પાડી દીધી, અને કહ્યું કે એ કોઈ બીજાને પસંદ કરે છે! અને પોતે આ વાત કરવાની જ હતી. એણે પસંદ કરેલ યુવક સાવ સામાન્ય પરિવારમાંથી હતો, અને એટલે મમ્મી પપ્પા એને સમજાતાં હતાં પણ એણે સ્પષ્ટ કહી દીધું કે રાજીખુશીથી રજા નહીં આપો તો પોતે ભાગીને લગ્ન કરશે! હવે વાત આવી મારી અને જ્ઞાતિના એ મોભાદાર સજ્જન દંપતી પોતાના એકના એક દીકરા સાથે ઘરે આવ્યાં. મને રુપિયે પૈસે સામાન્ય એવાં ઠીકઠાક ઘરને જોઈ થોડો અણગમો એમની આંખોમાં દેખાયો, મને શો પીસ જેમ ખૂબ શણગારી એની સામે લાવવામાં આવી, અને મમ્મી પપ્પા એ પરિચય આપતાં કહ્યું કે આ અમારી મોટી દીકરી આકૃતિ! એમણે કહ્યું કે તેઓ પ્રકૃતિને જોવાં આવ્યાં છે! પપ્પા એ બહુ નમ્રતાથી કહ્યું કે પ્રકૃતિ ને કોઈ બીજે ઈચ્છા છે! જાણે ખોટ ગોતવાની હોય એમ બધાં મને ઘૂરવા લાગ્યા! અને અંતે મારી પર પસંદગીનો કળશ ઢોળ્યો. સગાઈ વાર તહેવાર અને લગ્ન આ દોર તો ગિફ્ટ જોઈને અને અત્યારથી આટલું કરે છે તો પછી તો કેટલું સુંદર જીવન હશે એ કલ્પનામાં લગ્નનો દિવસ આવી ગયો! અને સુંદર કલ્પના ના એક પછી એક તાર તૂટતાં ગયા! અને તારી દીદી એટલે કે એક મેના આ સોનાના પિંજરામાં પૂરાઈ ગઈ !
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)




