
ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવશ્રી ચંચલ કુમારે નર્મદા જિલ્લાના વિશ્વવિખ્યાત પ્રવાસન કેન્દ્ર એકતાનગરની મુલાકાત લીધી હતી. તેઓશ્રીની આ મુલાકાતમાં સંયુક્ત સચિવશ્રી અજય નાગભૂષણ, નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર શ્રી પ્રકાશ મગદુમ પણ જોડાયા હતા. મહાનુભાવોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી સરદાર સાહેબના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

મુલાકાત દરમિયાન સચિવશ્રીએ જણાવ્યું હતું કે, એકતાનગર આજે માત્ર ગુજરાત કે ભારતનું જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે ઓળખ પામેલું એક અનોખું પ્રવાસન ગંતવ્ય બની ગયું છે. અહીં વિકસાવવામાં આવેલી સુવિધાઓ, કુદરતી સૌંદર્ય અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષિત કરે છે. અહીં ઉપલબ્ધ આધુનિક સુવિધાઓ, પરિવહન વ્યવસ્થા, સ્વચ્છતા, સુરક્ષા અને મુલાકાતીઓ માટે ઉભી કરાયેલી સર્વાંગી સુવિધાઓની પ્રશંસા કરી હતી.

તેઓશ્રીએ જણાવ્યું કે, વિવિધ રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, શાસકીય, શૈક્ષણિક, સાંસ્કૃતિક તેમજ નીતિગત કાર્યક્રમોના આયોજન માટે એકતાનગર શ્રેષ્ઠ સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. અહીં ઉપલબ્ધ વિશાળ આવાસ વ્યવસ્થા, કન્વેન્શન સુવિધાઓ, ઉત્તમ માર્ગ અને રેલ સંપર્ક, સુરક્ષા વ્યવસ્થા અને પ્રવાસન આકર્ષણો કોઈપણ મોટા કાર્યક્રમને સફળ બનાવવા માટે સક્ષમ છે.

દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે એકતાનગરને વૈશ્વિક ઓળખ પ્રાપ્ત થઈ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અહીં પ્રવાસન, પર્યાવરણ સંરક્ષણ અને સ્થાનિક વિકાસને કેન્દ્રમાં રાખીને અનેક વિશ્વસ્તરીય સુવિધાઓ વિકસાવવામાં આવી છે.
એકતાનગરની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે વિવિધ પ્રકારના આકર્ષણો ઉપલબ્ધ છે, જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપરાંત સુંદર પ્રાકૃતિક અને થીમ આધારિત સ્થળોનો સમાવેશ થાય છે. નર્મદા નદીના કિનારે વિકસાવવામાં આવેલી સુવિધાઓ અને હરિયાળીથી ઘેરાયેલો વિસ્તાર પ્રવાસીઓને શાંતિ અને પ્રકૃતિ સાથે જોડાવાનો અવસર આપે છે.
સચિવશ્રીએ ખાસ નોંધ્યું હતું કે, એકતાનગરમાં મોટી સંખ્યામાં પ્રતિનિધિઓ, અધિકારીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિ ધરાવતા કાર્યક્રમો સફળતાપૂર્વક યોજી શકાય તેવી તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. અહીંના કન્વેન્શન સેન્ટરો, ઉત્તમ હોટલ અને ટેન્ટ સિટી વ્યવસ્થા, રેલવે અને માર્ગ સંપર્ક, ડિજિટલ કનેક્ટિવિટી, સુરક્ષા માળખું અને પ્રવાસન આકર્ષણો તેને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરના સંમેલનો, પરિષદો, વર્કશોપ, યુવા મહોત્સવો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સરકારી બેઠકો માટે આદર્શ સ્થળ બનાવે છે.
તેઓશ્રીએ ઉમેર્યું હતું કે, દેશના વિકાસ, એકતા, પર્યાવરણ સંરક્ષણ અને સાંસ્કૃતિક વારસાના સંદેશને વિશ્વ સુધી પહોંચાડવા માટે એકતાનગર એક પ્રેરણાદાયી મોડેલ તરીકે ઉભરી આવ્યું છે. અહીંની સુવ્યવસ્થિત આયોજન પદ્ધતિ, સ્વચ્છતા, પ્રવાસન સુવિધાઓ અને મુલાકાતીઓ માટેની અનુકૂળ વ્યવસ્થાઓ અન્ય સ્થળો માટે પણ માર્ગદર્શક બની શકે છે.
મુલાકાતના અંતે સચિવશ્રીએ એકતાનગરના સર્વાંગી વિકાસ, પ્રવાસીઓ માટે ઉપલબ્ધ ઉત્તમ સુવિધાઓ અને અહીં કાર્યરત વિવિધ વિભાગોની કામગીરીની પ્રશંસા કરી હતી તથા એકતાનગર આગામી સમયમાં દેશના અગ્રણી પ્રવાસન અને રાષ્ટ્રીય કાર્યક્રમોના કેન્દ્ર તરીકે વધુ ઊંચાઈઓ સર કરશે તેવી આશા વ્યક્ત કરી હતી.





