
ચિનાબ-બિયાસ નદી પર ભારતના પ્રોજેક્ટની પાકિસ્તાની કરેલી ટીકાને ફગાવી દીધી સીમાપારનો આતંકવાદ બંધ ન થાય ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત રહેશે: ભારત જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન હિસ્સો છે અને સ્વિસ રાજદૂત અથવા અન્ય કોઈ પણ રાજદૂત ત્યાં મુલાકાત લઈ શકે છે ચિનાબ અને બિયાસ નદી પર બે પ્રોજેક્ટની પાકિસ્તાનને કરેલી ટીકાને ફગાવી દેતા ભારતે શુક્રવારે ફરી એકવાર સ્પષ્ટ કર્યું હતું કે પાકિસ્તાન સંપૂર્ણપણે સીમાપારના આતંકવાદને સમર્થન આપવાનું બંધ નહીં કરે ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત રહેશે.ચિનાબ-બિયાસ લિંક ટનલ પ્રોજેક્ટ અને સલાલ ડેમમાંથી સિલ્ટ કાઢવાની યોજનાઓ દ્વારા ભારત પાણીનો એક હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યું હોવાના પાકિસ્તાનના આક્ષેપ પછી ભારતના વિદેશ મંત્રાલયે આ પ્રતિક્રિયા આપી હતી. નવી દિલ્હીમાં સાપ્તાહિક મીડિયા બ્રીફિંગમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે અમે સિંધુ જળ સંધિને સ્થગિત કરી છે અને પાકિસ્તાન સંપૂર્ણપણે સીમાપારનો આતંકવાદ બંધ ન કરે ત્યાં સુધી તે સ્થગિત જ રહેશે. જમ્મુ-કાશ્મીરમાં સ્વીસ રાજદૂતની મુલાકાત અંગે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આપેલા નિવેદન અંગેના એક સવાલના જવાબમાં જયસ્વાલે જણાવ્યું હતું કે સ્વિસ રાજદૂતે જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી હતી અને ત્યાં અનેક બેઠકો યોજી હતી. જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન હિસ્સો છે અને સ્વિસ રાજદૂત અથવા અન્ય કોઈ પણ રાજદૂત ત્યાં મુલાકાત લઈ શકે છે. ગયા મહિને ભારતે સિંધુ જળ સંધિ અંગે કોર્ટ ઓફ આર્બિટ્રેશનના એક ચુકાદાને ફગાવી દઇને આ આ કોર્ટ ગેરકાયદે રીતે રચવામાં આવી હોવાનો વળતો પ્રહાર કર્યાે હતો.આ મુદ્દે મીડિયાના સવાલનો જવાબ આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ૧૫ મે, ૨૦૨૬ના રોજ આ ગેરકાયદેસર રીતે રચાયેલી અદાલતે સિંધુ જળ સંધિના અર્થઘટન અને મહત્તમ જળસંગ્રહ ક્ષમતા સંબંધિત એક કથિત ચુકાદો જાહેર કર્યાે હતો. અગાઉના તમામ ચુકાદા નકાર્યા હતા તેમ આ ચુકાદાને પણ ભારત સંપૂર્ણપણે નકારે છે. ભારતે ક્યારેય આવી કહેવાતી અદાલતની રચનાને માન્યતા આપી નથી અને તેના કોઈપણ ચુકાદા કે ર્નિણયને કાયદાકીય રીતે માન્ય ગણતું નથી. અહીં ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે થયેલા પહેલગામ આતંકી હુમલા પછી ભારતે આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ પોતાના સાર્વભૌમ અધિકારોનો ઉપયોગ કરીને સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો ર્નિણય લીધો હતો.





