
આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના પ્રશ્નોને લઈને “પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રા”ની શરૂઆત સોમનાથથી કરવામાં આવી. યાત્રાની શરૂઆત પહેલાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા સહિત આગેવાનો અને કાર્યકર્તાઓએ ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરીને આશીર્વાદ લીધા અને ત્યારબાદ AAP પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ યાત્રા પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની આગેવાનીમાં શરૂ થઈ છે. યાત્રાના પ્રારંભ પ્રસંગે મોટી સંખ્યામાં ખેડૂતો, કાર્યકરો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોમાં આ યાત્રાને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો અને અનેક ખેડૂતોએ યાત્રામાં જોડાઈને પોતાના હક્ક અને અધિકાર માટે લડત આપવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ દરમિયાન પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ખેડૂતો પર ખૂબ જ અત્યાચાર થઈ રહ્યો છે. 54 લાખ ખેડૂતોના પરિવારો આજે પીડાઈ રહ્યા છે. ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા, પૂરતી વીજળી નથી મળતી, ખેડૂતોના ઉભા પાકમાં વીજળીના થાંભલાઓ નાંખવામાં આવે છે અને તેમને હેરાન પરેશાન કરવામાં આવે છે, આ સિવાય ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર અને બિયારણ મળતું નથી અને પાક વીમા યોજનાનો પણ લાભ મળતો નથી. તો આવા ખેડૂતોના અનેક મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટી હંમેશા મજબૂતાઈથી અવાજ ઉઠાવતી રહી છે. આમ આદમી પાર્ટીના ખેડૂત આગેવાન પ્રવીણભાઈ રામ ખેડૂતો માટે લડત લડીને 108 દિવસ જેલમાં રહ્યા. છતાં પણ ખેડૂતોના મુદ્દાઓ ઉકેલાયા નથી જેના કારણે આમ આદમી પાર્ટી એ નક્કી કર્યું કે આમ આદમી પાર્ટી “પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રા” શરૂ કરશે અને ખેડૂતોના અવાજને બુલંદ બનાવશે.
વધુમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ અને મનોજ સોરઠીયાની આગેવાનીમાં “પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રા” ગુજરાતની વિવિધ વિધાનસભાઓમાંથી પસાર થશે. 8 માર્ચના રોજ યાત્રાની પુર્ણાહુતિ દરમિયાન ખેડૂત મહાસંમેલનનું આયોજન થશે, જેમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી પધારશે. આ યાત્રા પૂર્ણ થશે ત્યારબાદ આમ આદમી પાર્ટી ગુજરાતના બીજા વિસ્તારોમાંથી બીજા દેવના દર્શન કરી અને આશીર્વાદ લઈને ખેડૂતો માટે બીજી એક યાત્રા શરૂ કરશે. હાલ અમારી સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતો અને ખેડૂત આગેવાનો જોડાઈ રહ્યા છે. આ યાત્રા દરમિયાન અમારા આગેવાનો અને નેતાઓ ગામેગામ જશે અને ખેડૂતોની તકલીફો જાણશે.
ત્યારબાદ આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા અને ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવિણ રામે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ભગવાન ચંદ્રએ પણ પોતાના શ્રાપમાંથી મુક્તિ મેળવવા માટે અહીંયા આવીને તપ કર્યું હતું તો એ જ રીતે ગુજરાતના ખેડૂતોને પણ તેમની તકલીફોમાંથી મુક્ત કરવા માટે સોમનાથ દાદાના દર્શન કરીને એક તપ કરવા જઈ રહ્યા છીએ. ખેડૂતો માટે અમે પોતાના પ્રાણ પણ ન્યોછાવર કરવા માટે તૈયાર છીએ. 108 દિવસના જેલવાસ બાદ હું સૌ પ્રથમ વખત ખેડૂતોની વચ્ચે જઈ રહ્યો છું, તેનો મને ખૂબ જ આનંદ છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા ઈસુદાનભાઈ ગઢવી, મનોજભાઈ સોરઠીયા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત છે, જેના કારણે અમને તમામ લોકોને ખૂબ જ ઉત્સાહ છે. અમે ખેડૂતોની વચ્ચે જઈશુ, તેમના પ્રશ્નો સાંભળીશું અને જેટલી પણ લડત લડવી પડે એટલી લડત લડવા તૈયાર છીએ કારણ કે સોમનાથ દાદાના આશીર્વાદ અમારી સાથે છે.




